Gujarati News

Gujarati News

News of Sunday, 19th January 2020

કારોબારી દર્શન રાણીપાનો ઝેરી દવા પીને આત્મહત્યા

રાધે નમકીનના પાર્ટનરના આપઘાતથી ચકચાર : વર્ષ અગાઉ દર્શન રાણીપાના લગ્ન થયા હતા : રાજકોટની વનડે મેચ નિહળ્યા બાદ આપઘાત કર્યો : પોલીસની તપાસ

અમદાવાદ, તા.૧૮ : રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નંદવિલેજ સોસાયટીમાં રહેતા અને રાધે નમકીનના પાર્ટનર એવા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) પડધરી ખાતેના પોતાના રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતીગઇકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ નિહાળ્યા બાદ દર્શનભાઇએ પોતાની ફેકટરીમાં આત્મહત્યા કરી લેતાં અનેક તર્કવિતર્ક અને અટકળો સર્જાયા છે. પોલીસે સમગ્ર મામલે હવે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મૃતકના પિતા ચમનભાઈ પટેલની ધ્રોલમાં રાસાયણ ખાતરની દુકાન આવેલી છે. પરિવાર પણ સુખી સંપન્ન છે. દર્શન રાધે નમકીનમાં પાર્ટનર હતા. પુત્રનાં મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. દર્શનના મોતથી પટેલ પરિવાર પર આભ ફાટ્યું હતું તો, સ્થાનિક લોકોમાં પણ અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

               બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,રાજકોટના યુનિવર્સિટી રોડ નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) (..૨૫) નામના યુવાને પડધરીની રિલાયન્સ પંપની પાછળ આવેલી રાધે નમકીન નામના કારખાનામાં ઝેરી દવા ગટગટાવીને તેના શ્રમિકોને ઝેરી દવા પી લીધાની જાણ કરતા તેને હોસ્પિટલે ખસેડ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન દર્શનભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. દર્શનભાઈ રાધે નમકીન નામના કારખાનામાં પાર્ટનર હતાં. દર્શનભાઈનાં એક વર્ષ પહેલા લગ્ન થયા હતાં. દર્શન તેના માતાપિતાનાનો એક માત્ર દીકરો હતો. દર્શનભાઈનો પરિવાર સુખી સંપન્ન છે. તેના મોતથી પટેલ પરિવારમાં શોકનો માતમ છવાયો હતો. બનાવ અંગે પડધરી પોલીસ મથકના પીએસઆઈ જે.વી. વાઢીયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કેસની તપાસ શરૂ કરાઇ છે. પોલીસે દર્શનભાઈ પટેલનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

                 બાદમાં મૃતકનાં પરિવારના નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. મામલે પોલીસે જણાવ્યું હતું કે, ગઇકાલે ખંઢેરી સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો બીજો વન-ડે મેચ દર્શનભાઈ જોવા ગયા હતાં. ત્યારબાદ ત્યાંથી મેચ નિહાળીને પોતાના રાધે નમકીન નામના કારખાનાના શ્રમિકો માટે નાસ્તો લઇ શ્રમિકોને આપ્યો હતો અને ઓફિસમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ શ્રમિકોને જાણ કરતાં તેઓએ દર્શનભાઈને તુરંત હોસ્પિટલે ખસેડ્યા હતાં પરંતુ સારવાર દરમિયાન દર્શનભાઈએ દમ તોડી દીધો હતો. તો, પરિવારને જાણ કરતા પિતા અને તેનું મિત્ર વર્તુળ તુરંત હોસ્પિટલે પહોંચી ગયા હતાં. દર્શનભાઈના આપઘાતથી પરિવારમાં આઘાતની લાગણી પ્રસરી ગઇ હતી. હજુ એક વર્ષ પૂર્વે દર્શનનાં લગ્ન પૂજા સાથે થયા હતા. પરિવારના આધારસ્તંભ ગણાતા એકના એક પુત્રનાં મોતથી પરિવારમાં શોકનો માતમ પથરાયો છે.

(8:29 pm IST)