Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

વિશ્વ લોહાણા મહાપરીષદના બંધારણ મુજબ પ્રમુખ રીપીટ થવાનો સવાલ જ નથીઃ યોગેશભાઇ લાખાણીનો પ્રવિણભાઇ કોટકને ધગધગતો પત્ર

૪ જાન્યુઆરીની મળેલી મીટીંગમાં વિશ્વ લોહાણા મહાપરીષદના પ્રમુખપદે ફરીથી પ્રવિણભાઇ કોટકને રીપીટ જાહેર કરવાના સોશ્યલ મીડીયામાં વહેતા કરાયેલા સમાચારો સમાજને ગેરમાર્ગે દોરનારાઃ ૯ પાનાનો સણસણતો પત્ર લખતા મહા પરીષદના વર્તમાન ગર્વનર લાખાણી

રાજકોટ, તા., ૧૮: વિશ્વ લોહાણા મહા પરીષદના પ્રમુખપદે પ્રવિણભાઇ કોટક ફરીથી રીપીટ થયાના સોશ્યલ મીડીયામાં અને કેટલાક અખબારોમાં વહેતા કરાયેલા સમાચારોના વિરોધમાં અગ્રણી એડવોકેટ અને મહાપરીષદના પુર્વ પ્રમુખ તેમજ પરીષદના વર્તમાન ગર્વનર શ્રી યોગેશભાઇ લાખાણીએ પ્રવિણભાઇ કોટકને જ સંબોધી ૯ પાનાનો ધગધગતો પત્ર લખી સમાજને ગેરમાર્ગે દોરવાની ચેષ્ટા સામે વિરોધ પ્રદર્શીત કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ ૪ જાન્યુઆરીના અમદાવાદ ખાતે મળેલી મીટીંગ બાદ પ્રવિણભાઇ કોટકને વિશ્વ લોહાણા મહા પરીષદના પ્રમુખ જાહેર કરવા સંદર્ભે યોગેશભાઇએ જણાવ્યું છે કે બંધારણ મુજબ પ્રમુખ રીપીટ થવાનો પ્રશ્ન જ નથી. આ ઉપરાંત તેમણે પત્રમાં મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે હજુ પ્રવિણભાઇ આપ પ્રમુખ નથી છતા ગામે-ગામ સન્માન કાર્યક્રમો યોજવાના વહેતા કરાયેલા સોશ્યલ મીડીયા મેસેજીસ સમાજને ગેરમાર્ગે દોરતા હોય તેવું લાગે છે.

ર૭ સભ્યોની વરણી સમીતી પૈકી ૧૭ થી ૧૮ સભ્યોની બંધ બારણે સહીઓ લેવાનું કારણ શું? તમે મંચ ઉપરથી અવાર નવાર પ્રમુખપદે રીપીટ નહી થાવ તેવું કહેતા આવ્યા છો. તો પ્રમુખ પદનું આવુ આકર્ષણ કેવું?

મહત્વનો મુદો પત્રમાં ઉલ્લેખાયો છે તેમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્રમાંથી પ્રમુખપદ માટે મુકાયેલા બે નામો પૈકી હરીશભાઇ લાખાણી-રાજકોટ અને જીતુભાઇ લાલ-જામનગરના મુદ્દે કેમ કોઇ ચર્ચા-વિચારણા જ થઇ નહી? લોહાણા સમાજની વસ્તી ભારતભરમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં છે ત્યારે સમાજના ઉત્થાન માટે સ્થાનીક કોઇ અગ્રણી કે સમાજ સેવકને આ જવાબદારી સોંપવામાં આવે તે જરૂરી નથી? તેવું તારણ પણ ૯ પાનાના આ પત્રમાંથી નીકળતું જણાય છે. વધુ વિગતો આગામી દિવસોમાં ખળભળાટ મચાવશે તેવું લોહાણા જ્ઞાતીના લોકોમાં ચર્ચાઇ રહયું છે.

(3:59 pm IST)