Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

મોદી સ્કૂલ દ્વારા M-Pulse કાર્નિવલ ફેરનું ઉદ્ઘાટન કરતા નીતિનભાઈ ભારદ્વાજ

૪૦૦ વિદ્યાર્થીઓનું સંચાલનઃ ૮૪ સ્ટોલમાં ૩ દિવસ ૨૦ હજાર લોકોએ કાર્નિવલ ફેરની મુલાકાત લીધી

રાજકોટ તા.૧૮ : મોદી સ્કુલ ર૦ વર્ષ પુર્ણ કરતી હોવાથી તેની ઉજવણીના ભાગરૂપે તેમજ આર્ટસ-કોમર્સના વિદ્યાર્થીઓને કલા-કારીગરી તેમજ સમાજમાં થતી અવનવી પ્રવૃતિઓ વિશે, વસ્તુઓના વહેચાણ અંગે, તેમજ ખાણીપીણીની વસ્તુઓ કેમ બનાવાય તે કેમ વહેચાય તે બાબતની જાણકારી પ્રાપ્ત થાય તે માટે મોદી સ્કુલ પરિવારના તમામ શાખાઓના વિદ્યાર્થીઓ દ્વારા એમ-પ્લસ કાર્નિવલ ફેરનું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદઘાટન ભાજપ પ્રદેશ અગ્રણી નિતીન ભારદ્વાજ કર્યુ હતુ. આયોજન કુલ ત્રણ દિવસનું હતુ. તેમાં નાના નાના ભુલકાઓથી લઇને ધો.૧ર સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમને ઉજાગર કરવા શાળા પરિવારે બેન્ડ અને મ્યુઝીક સાથે કાર્નિવલ ડાન્સ કરતા કરતા એમપ્લસ ફેરમાં એન્ટ્રી કરી હતી અને સ્ટેજ પર વિદ્યાર્થીઓએ ગ્રુપ ડાન્સ કરીને સમગ્ર માહોલ પ્રફુલ્લિત કરી દીધો હતો.

કાર્યક્રમની શુભ શરૂઆત પુર્વ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ નીતીનભાઇ ભારદ્વાજના વરદ હસ્તે દિપ પ્રાગટય કરીને કરવામાં આવ્યુ. કાર્નિવલમાં ટોટલ ૮૪ કરતા પણ વધુ સ્ટોલ રાખવામાં આવ્યા. જેમાં અવનવી વસ્તુઓ વિદ્યાર્થીઓ દ્વારા વહેંચવામાં આવી. જેમાં કપડા, રમકડા, સ્ટેશનરી, માટીના વાસણો અને શોપીસ, કાચના વાસણો શોપીસ, કુદરત પાસેથી મળતી ઔષધીઓ વગેરે જેવા સ્ટોલ રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાંઆવેલી વાનગીઓ સ્ટોલ પર તો ઘસારો જોવા મળ્યો. નાના - નાના ભુલકાઓ માટે ભુલ ભુલૈયા, ટેટુ ઝોન, ગેમઝોન, તેમજ સૈલ્ફી ઝોન આકર્ષણ જમાવ્યુ હતુ. દરેક સ્ટોલ પર ત્યાં પધારેલ વ્યકિતઓ તથા બાળકો માટે આકર્ષણને પાત્ર રહયા હતા. તેમજ સ્ટેજ પર અંદાજે ત્રીસ જેટલા ડાન્સ પરર્ફોમન્સ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા. નાના-નાના ટબુડીયાઓ દ્વારા ફેશન શો પ્રસ્તુત કરવામાં આવેલ, સંગીતકલામાં તબલા,ગીત, વગેરે રજુ કર્યા હતા ને ત્યાં પધારેલા પ્રેક્ષકોએ ભરપુર મનોરંજન પીરસીને મંત્રુમગ્ધ કર્યા ત્રણ દિવસ દરમિયાન ર૦ હજારથી પણ વધુ લોકોએ આ કાર્નિવેલનો આનંદ માણ્યો હતો.

કાર્નિવલનું તમામ આયોજન તૈયારીઓ, વ્યવસ્થા અને સંચાલન ૪૦૦ થી વધુ કોમર્સને અને આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ. કાર્નિવલને સફળતા પુર્વક સંપન્ન કરવામાં વદ્યાર્થીઓએ વ્યાપારી સુઝબુઝ પરિચય કરાવ્યો. કોમર્સના વિદ્યાર્થીઓમાં વાણિજય વિષયક આવડત અને આર્ટસના વિદ્યાર્થીઓમાં કલાનું પ્રદર્શન દ્વારા આર્થિક ઉપાજન કઇ રીતે કરી શકાય તેની કોઠાસુઝને વિકસાવવાનો હતો. સાથે સાથે ખેતીકામ અંગેનું જ્ઞાન પણ વિવિધ છોડના વાવેતર દ્વારા આપવામાં આવ્યું હતુ.

કાર્નિવલ દ્વારા વિદ્યાર્થીઓએ નાણા કેમ કમાવી તેની કિંમત સમજી હતી ને પરસેવાની કમાણી કેટલી મીઠી મધુર લાગે તે બાબત સમજી હતી. માતા - પિતા ઘર ચલાવવા ભણાવવા માટે કેટલી તનતોડ મહેનત કરે છે તે વાત ખુબ સારી રીતે સમજી હતી. એમ-પ્લસ - ર૦ર૦ કાર્નિવલ દ્વારા મોદી સ્કુલના વિદ્યાર્થીઓએ ભણતર સાથે ઘડતર અને ગણતરનું ઉતમ ઉદાહરણ  પુરૂ પાડયુ હતુ.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં વાલીઓ તરફથી સંપુર્ણ સહકાર મળ્યો. કાર્યક્રમના અંતમાં જે જે વિદ્યાર્થીઓએ સ્ટેજ પરર્ફોમન્સમાં ગ્રુપ, ડાન્સ, સોલો પરર્ફોમન્સ, ઇતર પ્રવૃતિઓમાં ડ્રોઇંગ, પેન્ટિંગ, વધુ વહેચાણ કરેલ શોપ, વધારે પ્રાપ્ત કરેલ રકમ, અલગ અલગ શોપમાં આધુનિકતા સુુંદરતા ભર્યા શોપ વિગેરે માટે મોદી સ્કુલ પરિવાર તરફથી ફુલ નહી ફુલની પાખડી સ્વરૂપે ઇનામો, શિલ્ડ શાળાના મેનેજીંગ ટ્રૈસ્ટી ડો.આર.પી.મોદી, પારસભાઇ મોદી અને ધવલભાઇ મોદીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા. અંતમાં શાળાના ધવલભાઇ મોદીએ આભાર માન્યો હતો.

મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી. મોદી તથા પારસભાઇ વકતવ્યમાં કહયુ હતુ કે કાર્યક્રમને ઉજજવલ્લિત કરવામાં સૌએ તનતોડ મહેનત કરેલ છે તે બદલ સૌને શુભકામનાઓ આપી શાળા પરિવાર આવી આવી શૈૅક્ષણિક પ્રવૃતિઓ કરતા રહો તેના માટે અમે તમને દરેક રીતે પ્રેરણા અને પ્રોત્સાહન સ્વરૂપે માર્ગદર્શન આપતા રહીશુ.

(3:43 pm IST)