Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

રાગ- દ્વેષની છોડવાની વાતો સહેલી, છોડવા મુશ્કેલઃ પૂ.પારસમુનિ

કાલે ફરી ભુજ પધરામણી : સફેદ રણ- કાળા ડુંગર પર પ્રથમ જૈન સંત તરીકે પધરામણી

રાજકોટ,તા.૧૮: ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સદ્દગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ મ.સા. કચ્છની ધરાને પૂનિત પાવન કરતા કચ્છના દરિયા કાંઠા વિસ્તાર કંડી- મુંદ્રા- માંડવી તાલુકાના ગામો કચ્છનો છેવાડો અબડાસા- લખપત તાલુકાના ગામો, માતાનો મઢ, પાન્ધ્રો પાવર પટ્ટી, જખબોતેરાની સ્પર્શના કરી ભૂજમાં પધાર્યા. છ કોટિ સ્થા.જૈન સંઘ- ભૂજમાં જૈન ભવનમાં પ્રવચન યોજાયુ. ચાતુર્વિધ સંઘનું મિલન થયુ. પૂ.વિશ્રુતિજી મ.સ.આદિ તથા પૂ.કોમલબાઈ મ.સ.આદિ સતીવૃંદનું મંગલમિલન થયુ. ભૂજ સંઘના ભકિતભાવ હૃદયસ્પર્શી રહ્યા. પૂ.પ્રતિમાબાઈ મ.સ., પૂ.પ્રતિક્ષાબાઈ મ.સ. આદિ પધાર્યા હતા.

 

ભૂજ થી ધોરડો- સફેદ રણ થઈને કાળા ડુંગર થઈને ફરી ભૂજ કાલે તા.૧૯ના પધારશે. ભૂજમાં સમસ્ત જૈન સમાજ ભૂજ દ્વારા પૂ.સદ્દગુરૂદેવનું જાહેર પ્રવચન 'વોટસઅપ' શું કરો છો? વિષય પર આયોજન કરવામાં આવ્યુ છે. જાહેર પ્રવચન તેરા પંથ ભવનમાં રાખવામાં આવ્યુ છે.

ભૂજ નામ ભૂજયા ડુંગર પરથી પડયુ. ભૂજયા ડુંગર પર ભૂજંગદેવ નાગદેવતાનું મંદિર આવેલુ છે. ભૂજના જૈન સમાજની એકતા પ્રશંસનીય છે.

કચ્છ આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયના પૂ.નવિનચંદ્રજી મ.સા., પૂ.સુરેશમુનિ મ.સા.ના દર્શન- વંદન અર્થે પૂ.સદ્દગુરૂદેવ ભકિતધામ- સોમનાથ એપાર્ટમેન્ટ પધારતા બંને સંતો પ્રત્યેની અહોભાવ ભાવના પૂ.સદ્દગુરૂદેવના હૃદયમાં દિવ્ય દર્શન થયા. બંને સંતોના હૃદયમાં પૂ.સદ્દગુરૂદેવ પ્રત્યેનો પ્રેમભાવ જોઈ સૌના હૃદયમાં આનંદની લાગણીઓ જન્મી હતી.

પ્રવચનમાં પૂ.સદ્દગુરૂદેવે જણાવેલ કે જીવનમાં રાગ- દ્વેષ છોડવાની વાતો કરવી સહેલી છે. રાગ- દ્વેષ છોડવા મુશ્કેલ છે. રાગ- દ્વેષના ભાવોમાં રમતો આત્મા સમ્યગ દર્શન પામતો નથી. સમ્યગ દ્રષ્ટિ આત્મા દ્રષ્ટિરાગમાં રમતો નથી. દ્રષ્ટિરાગમાં રમતો આત્મા સમ્યગ દ્રષ્ટિ બનતો નથી. જગતના કોઈ એક આત્મા પ્રત્યે પણ હૃદયમાં દ્વેષ, ઈર્ષ્યાની સંવેદના હોય ત્યાં સુધી સમ્યગ દર્શન થતુ નથી. સમ્યગ દ્રષ્ટિ આત્મા કયારેય કોઈના સુખને જોઈને બળતો નથી. સમ્યંગ દ્રષ્ટિને કોઈનામાં દોષ દેખાતો નથી. મિથ્યાદ્રિષ્ટને કોઈનામાં ગુણ દેખાતો નથી. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પંડિત બની જવાય, પણ મોહનીય કર્મના ક્ષયોપશમ વગર પરમ હંસ બની શકાતુ નથી. જૈન સમાજે બીજાની ટીકાઓ કરવાનું બંધ કરી, બધાને ટેકો આપી ઉભા કરવા પુરૂષાર્થ કરવો જોઈએ. ભૂજથી ભૂજોડી, વંદેમાતરમ સ્મારક થઈ ધમણકા મોનોસ્ટીલ થઈને ભચાઉ પધારશે.

ભચાઉ પૂ.નવલચંદ્રજી સ્વામીની જન્મભૂમિ છે. આચાર્ય ગુલાબચંદ્રજી સ્વામીના શિષ્ય શતાવધાની પૂ.રત્નચંદ્રજી સ્વામી અને પૂ.નવલચંદ્રજી સ્વામી, પૂ.રતનચંદજી સ્વામીના શિષ્ય પૂ.ડુંગરશી મુનિ(લીંબડી સંપ્રદાય) અને તેના શિષ્ય પૂ.જયંતિલાલજી મ.સા. (લીંબડી સંપ્રદાય), પૂ.નવલચંદ્રજી સ્વામીના આઠ શિષ્ય પૂ.રામચંદ્રજી સ્વામી, પૂ.ભાવમુનિ (વર્તમાન લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂ.ભાવચંદ્રજી સ્વામી), પૂ.ભાસ્કરમુનિ મ.સા., પૂ.અજીતમુનિ મ.સા., પૂ.પરિમલમુનિ મ.સા., પૂ.શાંતિ મુનિ મ.સા., પૂ.ચિંતનમુનિ મ.સા., પૂ.પ્રકાશમુનિ મ.સા. (વર્તમાન લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂ.પ્રકાશચંદ્રજી સ્વામી), પૂ.નવલચંદ્રજી સ્વામીની દીક્ષા ગુંદાળામાં વિ.સં.૧૯૮૬માં થઈ અને કાળધર્મ વિ.સં.૨૦૩૪ આસો વદ આઠમના થયો.

રાપરમાં વિ.સં.૨૦૧૩ના ચાતુર્માસમાં પૂ.નવલચંદ્રજી સ્વામીએ અનોપચંદભાઈ મોરબીયા આદિ આઠ શ્રાવકોએ પ્રતિક્રમણ કંઠસ્થ કરી લીધેલ. આજ પર્યંત પ્રતિદિન પ્રતિક્રમણ કરે છે.

ગાંધીધામમાં વિ.સં.૨૦૨૩ મહાસુદ નોમના આચાર્ય પૂ.રૂપચંદજી સ્વામીની ઉપસ્થિતિમાં પૂ.નવલચંદ્રજી સ્વામીની પ્રેરણાથી સંઘની સ્થાપના થઈ.

કચ્છની ભૂમિમાં અનેક સાધકો અને સિધ્ધ પુરૂષોથયા ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ.ડુંગરસિંહજી સ્વામીનું કચ્છમાં વિચરણ ત્યારબાદ સમગ્ર કચ્છમાં વિચરણ કરનાર ગોંડલ સંપ્રદાયના સંત પૂ.સદ્દગુરૂદેવશ્રી પારસમુનિ મ.સા. છે.

ધોરડો- સફેદરણ અને કાળા ડુંગર પર જનાર પ્રથમ જૈન સંત પૂ.સદ્દગુરૂદેવ શ્રી પારસમુનિ મ.સા. છે ધન્ય છે. પૂ.સદ્દગુરૂદેવને જેઓ જૈનશાસનના અહિંસા અને અપરિગ્રહના સિધ્ધાંતને સર્વત્ર પ્રસરાવી રહ્યા છે. કચ્છની જનતાને અમૂલ્ય અલભ્ય લાભ આપી રહ્યા છે.(૩૦.૯)

(3:33 pm IST)