Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

શૌર્યના પ્રતીક સમા પાણીદાર અશ્વો કાઠિયાવાડી બહાદૂરીનું પ્રતીકઃ અશ્વ -શો એ વિશ્વને ભારતની તાકાતની પ્રતીતિ કરાવીઃ વિજયભાઈ

ગરો લેવો-ટેન્ટ પેંગ- સિકસ સવાર જમ્પીંગથી લોકો ઝૂમી ઉઠયાઃ લોકોની ચીચીયારી... : પોપટપરા પોલિસ માઉન્ટેન ખાતે જાતવાન અશ્વોનું ધમાકેદાર પ્રદર્શનઃ રાજકોટવાસીઓના દિલ જીતતા ૬૯ અશ્વો અને અશ્વસવારોનું કૌવત

અશ્વ શોઃ રાજકોટમાં સવારથી પોપટપરા પોલીસલાઈન ખાતે ભવ્ય અશ્વશો યોજાયો છે. તસ્વીરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય મહાનુભાવો, ઈન્સેટ તસ્વીરમાં મુખ્યમંત્રી દિપ પ્રાગટય કરી અશ્વ- શોને ખૂલ્લો  મૂકતા નજરે પડે છે, બાકીની તસ્વીરમાં અશ્વ- શોમાં અદ્રભૂત રમતો અને લોકોને જણાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: જાન્યુઆરી – રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જોશભરી વાણીમાં કહયું હતું કે અશ્વ શો થકી ભારતે પોતાની તાકાતની સમગ્ર વિશ્વને પ્રતીતિ કરાવી છે.

 મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ ૭૧ મા પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણીનો રાજકોટ ખાતે અશ્વ શો થકી ધમાકેદાર પ્રારંભ કરાવ્યો હતો. અને રાજકોટવાસીઓને ''રેસ્ટ'' મોડમાંથી ''એકિટવ''મોડ તરફ સ્વિચ ઓવર કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસીઓને ઉત્સાહનો પાનો ચડાવતાં જણાવ્યું હતું કે, રણક્ષેત્રમાં પોતાની બહાદૂરી માટે ખ્યાતનામ એવા કાઠિયાવાડી પાણીદાર અશ્વો શૌર્યનું ઉચ્ચતમ પ્રતીક છે. આજના અશ્વ શોથી થયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના તમામ કાર્યક્રમોમાં જોશભેર સામેલ થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ નાગરિકોને હાકલ કરી હતી.

રાજયના નાગરિકોમાં દેશભકિત-સમાજસેવા-નયા ભારતના નિર્માણની ભાવના ઉજાગર કરવામાં અશ્વ શો મહત્વનો સાબિત થશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે વ્યકત કરી હતી, અને ૨૬ જાન્યુઆરી તથા ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય તહેવારોમાં સામાન્ય જનતા ખરા દિલથી સામેલ થાય, એવા રાજયસરકારના અભિગમને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દોહરાવ્યો હતો.

ઈતિહાસમાં અંકિત અશ્વસંબંધી યશગાથાઓની રજૂઆત કરીને મુખ્યમંત્રીશ્રીએ પોતાની ઐતિહાસિક જ્ઞાન પ્રત્યેની રૂચિનો ઉપસ્થિતોને સુપેરે પરિચય કરાવ્યો હતો, અને શકિત-ઉર્જાના માપન તરીકે વપરાતા હોર્સ પાવર એકમનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇએ અશ્વોના મહત્વને યોગ્ય રીતે પ્રતિપાદિત કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ દિપ પ્રાગટય કરાવી અશ્વ શોને ખુલ્લો મૂકયો હતો. કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસો.ના પ્રમુખ અને ગોંડલના રહીશ દ્યનશ્યામ મહારાજનું મુખ્યમંત્રીશ્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. અશ્વ શો પ્રારંભે મનીષ દેવકરણ અને પ્રવીણ સિકકાએ રાષ્ટ્ર ધ્વજ સાથે પાઇલોટીંગ શરૂ કરાવ્યું હતું.

રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલિસ, જિલ્લા વહીવટીતંત્ર અને કાઠિયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે પોપટપરા પોલિસ માઉન્ટેન ખાતે યોજાયેલા અશ્વ શોમાં રાજકોટના પોલીસ માઉન્ટેન યુનિટના ૨૫ અને અન્ય ૫૪ અશ્વો સહિત કુલ ૬૯ અશ્વ સવારોએ અશ્વ શોમાં ભાગ લઇ પોતાનું કૌવત દર્શાવ્યું હતું. ખુલ્લા મેદાનમાં અશ્વ સવારોએ રજૂ કરેલા ગરો લેવો, ટેન્ટ પેંગ કરવા, સીકસ સવાર જંપીંગ વગેરેના કરતબોને ઉપસ્થિત સૌએ ચીચિયારી અને તાલીઓથી વધાવ્યુ હતું. પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીનાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું.

આ પ્રસંગે મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠિયા અને અરવિંદભાઇ રૈયાણી, શહેર ભા.જ.પ. અધ્યક્ષશ્રી કમલેશભાઇ મીરાણી, અગ્રણીશ્રી ડી.કે.સખિયા, શ્રીમતી અંજલીબેન રૂપાણી,પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરિય, કલેકટરશ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, મ્યુ.કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયા, નાયબ પોલીસ મહા નિરિક્ષકશ્રી સંદિપસિંગ સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિશ્રી ડી.વાય.એસ.પી. શ્રુતિ મહેતાએ  કરેલ.

(3:45 pm IST)