Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

રાજકોટમાં રાજ... રોહીત ૭ હજારીઃ વન-ડેમાં ધવન અને વિરાટની જોડીની ૩ હજાર રનની પાર્ટનરશીપ

ખંઢેરીમાં કુલ ૬૪૪ રન બન્યાઃ એકપણ સદી બન્યા વગર સૌથી હાઈએસ્ટ સ્કોર થયો : મેન ઓફ ધ મેચ રાહુલની શાનદાર બેટીંગ સાથે કીપીંગઃ હવે કાલે બેંગ્લુરૂમાં ડૂ ઓર ડાઈ જંગ: વિજયભાઈ રૂપાણીએ મેચ નિહાળ્યોઃ વિરાટ- ફીન્ચ- રોહીતને એવોર્ડ આપ્યા

રાજકોટઃ ગઈકાલે ખંઢેરીના મેદાનમાં રોમાચંક વન-ડેમાં ભારતને જીત મળી હતી.  ભારે રસાકસીવાળો આ મુકાબલો રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ નિહાળ્યો હતો. ઉપરોકત તસ્વીરોમાં ફીન્ચનું શાનદાર સ્ટમ્પીંગ કરી પેવેલીયન ભેગો કરી દેતો રાહુલ, અન્ય તસ્વીરોમાં વિકેટની ઉજવણી, શાનદાર ફીફટી ફટકારી અભિવાદન ઝીલતો વિરાટ. જયારે નીચેની તસ્વીરોમાં વિરાટ, ફીન્ચનો એવોર્ડ આપતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બાજુની તસ્વીરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજનભાઈ શાહ, એસ.સી.એ.ના પ્રમુખ શ્રી જયદેવ શાહ, ભુપતભાઈ મિરાણી અને ગુજરાત મ્યુનિસીપાલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી વિ.નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ,તા.૧૮: ખંઢેરીના મેદાનમાં ગઈકાલે રનોનું રમખાણ સર્જાયુ હતું. ધવન, વિરાટ, રોહીત બાદ રાહુલે બેટીંગ સાથે શાનદાર વિકેટકીપીંગ કરી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. ભારતે ૧-૧ થી સિરીઝ બરાબર કરી લીધી છે. હવે આવતીકાલે ૧૯મીના રવિવારે બેંગ્લુરૂમાં વન-ડે સિરીઝનો  અંતિમ મુકાબલો રમાનાર છે.

આ વખતે પણ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગનો નિર્ણય લીધો હતો. ઈન્ડિયન ટીમે ઓપનિંગ માટે રોહિત શર્મા અને શિખર ધવનને ઉતાર્યા અને આ બન્ને પ્લેયરોએ પહેલી વિકેટ માટે ૮૧ રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત ૪૨ રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ આ વખતે કોઈ ભૂલ ન કરતાં વન- ડાઉન ઊતર્યો હતો અને ૭૮ રન બનાવીને આ મેચમાં પણ એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો. ધવન ૯૬ રન બનાવીને કેન રિચર્ડસનના બોલમાં આઉટ થયો હતો. તેણે ૯૦ બોલમાં ૧૩ બાઉન્ડરી અને એક સિકસર ફટકારી હતી. લોકેશ રાહુલે પાંચમાં નંબરે આવીને ટીમના સ્કોરને આગળ વધાર્યો હતો અને બાવન બોલમાં ૮૦ રનની પારી રમ્યો હતો. ચોથા ક્રમે આવેલો શ્રેયસ અય્યર અને છઠ્ઠા ક્રમે આવેલો મનીષ પાંડે એકઅંકી સ્કોર કરીને પેવિલિયનભોગ થઈ ગયા હતા. ઈન્ડિયાએ ૫૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૩૪૦ રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ટીમના ૨૦ રનના સ્કોર પર ડેવિડ વોર્નરની મહત્વની વિકેટ ગુમાવી હતી, જયારે કેપ્ટન ફિન્ચ ૩૩ રન બનાવીને આઉટ થયો હતો. સ્ટીવન સ્મિથ એક બાજુ યજમાન ટીમ પર ભારે પડયો હતો, પણ તે ૯૮ રને કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. વન-ડેમાં ડેબ્યુ કરનાર માર્નસ લબુશેન પણ પોતાની પહેલી વન-ડે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો અને ૪૬ રને રવીન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. હેટટ્રિક ચૂકી ગયેલા મોહમ્મદ શમીએ સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. જોવા જેવું એ છે કે પહેલી વન-ડેમાં એક પણ વિકેટ ન લેનાર ઈન્ડિયન ટીમે બીજી વન-ડેમાં આખી ઓસ્ટ્રેલિયન ટીમને ૪૯.૧ ઓવરમાં ૩૦૪ રને પેવિલિયનભેગી કરી દીધી હત.

ભારતે આ મેચ જીતીને ત્રણ વન-ડે મેચની સિરીઝ ૧-૧ થી બરાબર કરી લીધી છે. ત્રીજી અને નિર્ણાયક મેચ આવતીકાલે બેંગ્લુરૂમાં રમાશે.

પહેલી વન-ડેમાં એક પણ વિકેટ ન લેનાર ભારતે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયન ટીમને ૪૯.૧ ઓવરમાં પેવિલિયનભેગી કરી લીધી.

(11:37 am IST)