Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

કુવાડવામાં પટેલ વૃધ્ધ અને ભત્રીજા પર બે ભરવાડ શખ્સોનો હુમલો

ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતાં ડખ્ખોઃ ભરવાડ યુવાને પણ વળતી ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૧૯: કુવાડવામાં પટેલ  વૃધ્ધના ખેતરમાં ભરવાડના ઘેટા બકરા ઘુસી ગયા હોઇ તેને બહાર કાઢતાં ભરવાડ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ લાકડીથી હુમલો કરી આ વૃધ્ધને તથા તેમને બચાવવા વચ્ચે પડેલા ભત્રીજાને પણ માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બનાવ અંગે કુવાડવાના એએસઆઇ ફતેહસિંહ સોલંકીએ તરઘડીયાના ગોરધનભાઇ (ઘોઘજીભાઇ) કરસનભાઇ રામાણી (ઉ.૬૫)ની ફરિયાદ પરથી જગદીશ નવઘણભાઇ ઝાપડા અને હેમત લાખાભાઇ ભરવાડ સામે ગુનો નોંધ્યો છે. ગોરધનભાઇના કહેવા મુજબ તેના ખેતરમાં ભરવાડ શખ્સોએ ઢોર ચરાવવા મુકતાં ખેતરમાંથી હજુ મગફળી વીણવાની બાકી હોઇ ઢોરને બહાર કાઢવાનું કહેતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ લાકડીથી હુમલો કરી ગાળો દીધી હતી. ભત્રીજા હિતેષ વલ્લભભાઇ રામાણી (ઉ.૩૦) બચાવવા આવતાં તેને પણ મારકુટ કરી લીધી હતી.

સામા પક્ષે હેમત લક્ષમણભાઇ ઝાપડા (ઉ.૩૫)એ પણ ગોરધનભાઇ અને હિતેષ રામાણી સામે વળતી ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું છે કે પોતે માલઢોર લઇ અવેડા પાસેથી નીકળતાં પટેલ કાકા-ભત્રીજાએ બપોરે કેમ ખેતરમાં ઢોર ચરાવતા હતાં? તેમ કહી ગાળો દઇ પાઇપથી હુમલો કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો. પોલીસે બંને ફરિયાદ અંગે તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)