Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણની સેવા કરવાની તક એ જીવનનો સુવર્ણકાળઃ મહેન્દ્ર પાડલીયા

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ મહેન્દ્ર પાડલીયાનો કાર્યકાળ પૂર્ણઃ યુનિવર્સિટીના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા તમામનો કુલપતિ દ્વારા ઋણ સ્વીકાર

રાજકોટ, તા. ૧૯ :. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સટીના પ્રથમ કુલપતિ ડો. મહેન્દ્ર પાડલીયાનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે. યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આયોજીત અભિવાદન સમારોહમાં મહેન્દ્ર પાડલીયાએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારશ્રીએ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કામ કરવાની જે તક આપી તે મારા જીવનનું અહોભાગ્ય ગણું છું. પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર તથા વડોદરા (ગ્રામ્ય) વિસ્તારના મુખ્યત્વે આદિવાસી પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણનો વિકાસ કરવાની મને તક મળી તેને હું ઈશ્વરના આશિર્વાદ ગણું છું. યુનિવર્સિટીની કોઈપણ શૈક્ષણિક સંસ્થા તે તીર્થસ્થાન સમાન છે. તેમાંય આદિવાસી વિસ્તારની નવી યુનિવર્સિટીમાં પ્રથમ કુલપતિ તરીકે કામ કરવાનો મોકો મળ્યો તે મારા જીવનના સુવર્ણકાળ સમાન છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓમાં અભૂતપૂર્વ ક્ષમતા જોવા મળી છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય તાલીમ અને પ્રોત્સાહન મળે તો તેઓ દરેક ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધી શકે તેમ છે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ રમતગમત તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં રાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈમાં ખૂબ સારો દેખાવ કરે છે અને તે માટે યુનિવર્સિટીએ સદાય તેઓને ખૂબ જ પ્રોત્સાહન પુરૂ પાડવાનો પ્રયાસ કરેલ છે.

મહેન્દ્ર પાડલીયાએ વધુમાં જણાવેલ કે, યુનિવર્સિટી ઉભી કરવામાં તથા તેનુ અસ્તિત્વ સાકાર કરવામાં આ વિસ્તારના શિક્ષણક્ષેત્રે સંકળાયેલા શિક્ષણવિદ્દો, આચાર્યશ્રીઓ તથા અધ્યાપક મિત્રોએ ખૂબ સહકાર અને પ્રેમ મળેલ તે મારા કાર્યકાળનું પ્રેરકબળ રહ્યું તેથી જ યુનિવર્સિટીની ઉન્નતી થઈ શકી છે. યુનિવર્સિટીના તમામ અધિકારીઓ તેમજ તમામ કાયમી કર્મચારીઓ, કરાર આધારિત કર્મચારીઓ તેમજ આઉટસોર્સના કર્મચારીઓએ યુનિવર્સિટીની પરીક્ષા સહિતની તમામ કામગીરી દિવસ-રાત જોયા વગર કરી છે. આ ત્રણ વર્ષના સમયમાં ૯૦% રજાઓ દરમ્યાન તથા જરૂર પડયે મોડી રાત સુધી યુનિવર્સિટીનું કામ કરેલ છે. યુનિવર્સિટીની સક્ષમ અને કસાયેલી ટીમ ઉભી થયેલ છેે.

જયારે યુનિવર્સિટી શરૂ થઇ ત્યારે ૯૭ જેટલી સંલગ્ન કોલેજોની સંખ્યા હતી જે આજે ૧૨૮ જેટલી પહોંચી છે. યુનિવર્સિટીનો પ્રયાસ રહ્યો છે કે આ વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર ન જવું પડે તેવો પ્રયાસ કર્યો છે. એન.એસ.એસ., એન.સી.સી.ની કામગીરીનો ખુબજ વિકાસ થયો છે તેમ મહેન્દ્ર પાડલીયાએ જણાવેલ.  બ્રિટીશ ઇન્ડિયા એજયુકેશન કાઉન્સિલ, લંડન તથા રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે બે ફેઝમાં ૨૨૩ જેટલા અધ્યાપકો માટે ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું સફળ આયોજન કરવામાં આવેલ હતું. કોલેજોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મહિલાઓ અંગેના કાયદાની અને હક્કોની સમજ આપવા માટે રાજ્ય મહિલા આયોગ, ગુજરાત રાજ્યના સહયોગથી મહિલા સશકિતકરણ કાર્યશિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૬૩૫ વિદ્યાર્થીનીઓ અને ૨૨ અધ્યાપિકાઓ ઉપસ્થિત રહેલ હતી.

UGC એ સરકારી એ સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોને ગ્રાન્ટ ફાળવવા માટે NAAC એસેસમેન્ટ ફરજીયાત કરેલ છે તેવા સમયે યુનિવર્સિટી દ્વારા તમામ સંલગ્ન કોલેજો માટે NAAC દ્વારા  એસેસમેન્ટ કરાવવા જરૂરી માર્ગદર્શન તથા   NAAC   એસેસમેન્ટના નવા ફોર્મેટની જાણકારી માટે સંલગ્ન કોલેજનાં આચાર્યો તથા IQAC  ના કો-ઓર્ડીનેટરશ્રીઓ માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરેલ હતું જેમાં Assessment Accreditation Council,Bangalore ના ડેપ્યુટી એડવાઇઝર ડો. ગણેશ હેગડે તથા આસિસ્ટન્ટ એડવાઇઝર ડો. વિનીતા સાહુ ઉપસ્થિત રહ્યા હતા.(૨-૧૭)

(3:45 pm IST)