Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

નવલનગરની ૪ લાખની ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્યોઃ વિષ્ણુ અને સુનિલ પકડાયા

મોચી યુવાન પ્રકાશભાઇ ગોહેલના ઘરમાં ધોળે દિવસે તાળા તોડી હાથફેરો કરાયો હતોઃ ક્રાઇમ બ્રાંચના ઘનશ્યામસિંહ ચોૈહાણ, જયદિપસિંહ રાણા અને યુવરાજસિંહ ઝાલાની સફળ બાતમી

પી.આઇ. એચ. એમ.ગઢવી તથા ટીમ પકડાયેલા બંને આરોપી અને કબ્જે થયેલી ચાર લાખની રોકડ તથા બાઇક જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૧: નવલનગરમાં રહેતાં મોચી યુવાનના ઘરમાંથી સાત દિવસ પહેલા રૂ ચાર લાખની રોકડની ચોરી થઇ હતી. આ મામલે ઘરધણીએ જે તે વખતે ફરિયાદ નોંધાવી નહોતી. પરંતુ પોલીસને મોૈખિક રીતે જાણ કરી હતી. આથી ક્રાઇમ બ્રાંચની ટૂકડી કામે લાગી હતી. એ દરમિયાન આ ચોરીમાં લોહાનગર મફતીયાપરામાં રામપીરના મંદિર પાસે રહેતાં બે દેવીપૂજક શખ્સો વિષ્ણુ ચંદુભાઇ શંખેશ્વરી (દેવીપૂજક) (ઉ.૨૦) તથા સુનિલ નાનુભાઇ ઉધરેજા (દેવીપૂજક) (ઉ.૧૯) સંડોવાયા હોવાની ચોક્કસ બાતમી ક્રાઇમ બ્રાંચના ઘનશ્યામસિંહ ચોૈહાણ (ઘનુભા), જયદિપસિંહ રાણા અને યુવરાજસિંહ ઝાલાને મળતાં બંનેને સકંજામાં લઇ રોકડ તથા બાઇક મળી રૂ ૪,૩૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

જાણવા મળ્યા મુજબ નવલનગર-૫માં બાલવી કૃપા ખાતે રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં પ્રકાશભાઇ (બાંગાભાઇ) છગનભાઇ ગોહેલ (મોચી) (ઉ.૩૮)ના ઘરમાં તા. ૧૨/૧ના સવારના અગીયારથી સાંજના આઠ સુધીના ગાળામાં કોઇ અંદર પ્રવેશી મકાનના પ્રથમ રૂમના દરવાજાને મારેલુ તાળુ તોડી અંદર પ્રવેશી કબાટમાંથી રૂ ૪ લાખ રોકડા ચોરી ગયું હતું. આ રકમ ફાયનાન્સ કંપનીમાં મુકેલા ઘરેણા છોડાવવા માટેની હતી.

૧૨મીએ પ્રકાશભાઇના પત્નિ બહારગામ ગયા હતાં. એ પછી સવારે અગિયારેક વાગ્યે તે પણ ઘરને તાળા લગાવી બહાર ગયા હતાં. સાંજે ઘરે આવ્યા ત્યારે ચોરીની જાણ કરી હતી. આ મામલે માલવીયાનગર પોલીસમાં ગઇકાલે ફરિયાદ નોંધાવાઇ હતી. દરમિયાન ચોક્કસ બાતમી પરથી વિષ્ણુ અને સુનિલ દેવીપૂજકને પકડી લઇ તમામ મુદ્દામાલ કબ્જે કરાયો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનહોરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના મુજબ ટીમના જયદિપસિંહ રાણા, ભરતભાઇ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર, ઘનશ્યામસિંહ ચોૈહાણ, યુવરાજસિંહ ઝાલા, મુકેશભાઇ સબાડ, સ્નેહ ભાદરકા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

પકડાયેલા બંને દેવીપૂજક શખ્સ છુટક મજૂરી કરે છે. પૈસાની ખેંચ હોઇ ઘરધણી બહાર હોવાની ખબર પડતાં તાળુ તોડી હાથફેરો કરી લીધો હતો. બંને અગાઉ કોઇ ગુનામાં સંડોવાયા છે કે કેમ? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે. (૧૪.૧૦)

(3:38 pm IST)