Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ખેતી જમીન બનાવટી સહીઓ કરી વેચી નાખતા સાવરકુંડલા પોલીસમાં અરજી

રાજકોટ, તા. ૧૯ :. સાવરકુંડલા તાલુકાના સેંજલ ગામના સર્વે નં. ૨૪૬ પૈકીની ૭ એકર ૧-૧૫ ગુંઠા ખેતની જમીન બનાવટી સહીઓ કરીને છેતરપીંડીપૂર્વક વેચી નાખવા અંગે રાજકોટમાં રહેતા શાંતુભાઈ દાદાભાઈ ખુમાણે તેમના નાના ભાઈ બિરછુભાઈ દાદાભાઈ ખુમાણ અને નાનકુભાઈ રામભાઈ ખુમાણ વિરૂદ્ધ સાવરકુંડલા પોલીસને ગુન્હો દાખલ કરવા ફરીયાદ અરજી કરેલ છે.

ફરીયાદ અરજીમાં જણાવ્યા પ્રમાણે સેંજલ ગામે ફરીયાદી શાંતુભાઈના પિતા દાદાભાઈ કાથડભાઈ ખુમાણની ખેતીની જમીન આવેલ છે. જેમા ફરીયાદી તેમજ તેમના ભાઈ-બહેનોનો વારસાઈ હક્ક છે. દાદાભાઈનું ૧૯૮૨માં અવસાન થતા બિરછુભાઈએ શાંતુભાઈની ગેરહાજરીમાં શાંતુભાઈને જાણ કર્યા વગર જમીનનો વેચાણ દસ્તાવેજ નાનકુભાઈ ખુમાણની સાથે મળી ખોટી સહીઓ કરી આપેલ હતી.

ફરીયાદ અરજીમાં ફરીયાદી શાંતુભાઈએ એવો આક્ષેપ કરેલ કે તા. ૩-૭-૮૬ના રોજ સદરહુ જમીનનો દસ્તાવેજ થયેલ ત્યારે હું ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હતા છતા મારી ખોટી સહીઓ કરીને બિરછુભાઈ ખુમાણ અને નાનકુભાઈએ આઈ.પી.સી. ૪૬૭, ૪૬૮ હેઠળ ગુન્હો કર્યાનો આક્ષેપ કરેલ છે.

ફરીયાદીએ આ અરજીની નકલ ડી.એસ.પી. અમરેલી ડાયરેકટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગરને નકલ રવાના કરીને સદરહુ ફરીયાદ અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી કરવા અરજ કરી છે.

(3:27 pm IST)