Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

યુવતિને ભગાડી જઈને બળાત્કાર ગુજારવા અંગે પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

આરોપી સામે ગંભીર આક્ષેપો છેઃ જામીન આપી શકાય નહિઃ કોર્ટ

રાજકોટ, તા. ૧૯ :. પછાતવર્ગની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાના બળાત્કાર અને એટ્રોસીટી જેવા ગંભીર ગુન્હામાં આરોપીની જામીન પર છૂટવાની અરજી સેશન્સ અદાલતે નામંજુર કરી હતી.

આ બનાવની હકીકત એ છે કે આ કામમાં ભોગ બનનાર યુવતીએ તા. ૭-૧૨-૨૦૧૭ના રોજ થોરાળા પોલીસ સ્ટેશનમાં આરોપી જીજ્ઞેશભાઈ વૃજલાલ જોષી રહે. હરસિદ્ધિ સોસાયટી માંડા ડુંગર પાસે રાજકોટવાળા વિરૂદ્ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, ભોગ બનનાર અનુસૂચિત જાતિના હોય અને આરોપીએ પોતે લગ્ન કરેલ હોવા છતાં ભોગ બનનારને પોતે લગ્ન કરેલ હોવાની વાત છુપાવી તેની સાથે લગ્ન થયેલ હોવાના ખોટા સર્ટીફીકેટ બનાવી કપટપૂર્વક તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધેલ હોવાની ફરીયાદ નોંધાવેલ.

સદરહુ ફરીયાદના અનુસંધાને આરોપી જીજ્ઞેશ વૃજલાલ જોષીની તા. ૮-૧૨-૨૦૧૭ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને તેને બે દિવસ માટે પોલીસ રિમાન્ડ પર સોંપવામાં આવેલ ત્યાર બાદ તેને જ્યુડીશ્યલ કસ્ટડીમાં લેવામાં આવેલ. ત્યાર બાદ આરોપી રાજકોટ નામ. સેશન્સ અદાલત સમક્ષ જામીન પર છૂટવા માટે અરજી કરેલ.

આ કામમાં પક્ષકારોની દલીલો તથા તપાસનીશ અધિકારી દ્વારા રજુ રાખવામાં આવેલ સોગંદનામાને ધ્યાને લઈ રાજકોટના એડી. સેશન્સ જજ બી.પી. પુજારા એવા મંતવ્ય ઉપર આવેલ કે પોલીસ પેપર્સ તથા તપાસનીશ અધિકારીના રીપોર્ટને ધ્યાને લેતા અરજદાર/આરોપી સામે કરવામાં આવેલ આક્ષેપો ગંભીર પ્રકારના છે અને હાલમાં તપાસ ચાલુ હોય જેથી અરજદાર/આરોપીને જામીન પર મુકત કરવા યોગ્ય ન હોય જેથી સદરહુ જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કામે મૂળ ફરીયાદી વતી એડવોકેટ દરજ્જે રાજકોટના લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંદ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ તથા નિશાંત જોશી રોકાયેલા હતા.

(3:22 pm IST)