Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેજસ્વી છાત્રોને સુવર્ણ ચંદ્રકથી સન્માન થશે

કાલે ૪૬૬૧૭ છાત્રને પદ્વી એનાયત થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પ૬ સુવર્ણચંદ્રક એનાયતઃ રાજયપાલ કોહલી, ડો. એચ. આર. નાગેન્દ્ર ઉપસ્થિત રહેશે

રાજકોટ તા.  ૧૮ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો  બાવનમો  પદવીદાન સમારોહ આવતીકાલે સવારે ૧૧ કલાકે યોજાશે. જેમાં ૧૪ વિદ્યાશાખાના ૪૬૬૧૭ છાત્રોને પદવી એનાયત થશે. શ્રેષ્ઠ ગુણ પ્રાપ્ત કરનાર પ૬ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત થશે.

કુલાધિપતિશ્રી તથા રાજયપાલ ઓ. પી. કોહલીના અધ્યક્ષ સ્થાને તથા સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થા ડીમ્ડ યુનિવર્સિટી, બેંગલોરના ચાન્સેલર ડો. એચ. આર. નાગેન્દ્રના દિક્ષાંત પ્રવચન દ્વારા ડીગ્રી અપાશે.

કુલ ૪૬૬૧૭ પદવીઓ એનાયત થનાર છે. જે પૈકી વિનયન ૧૧રર૭, શિક્ષણ ૪૭૦૮, વિજ્ઞાન ૧૦૩૯૯, ઇજનેરી -૦૯, કાયદા ૧૪૧૭, તબીબી ૧૦૧૮, વાણીજય ૧૪૦૧પ, ગ્રામવિદ્યા ૩૭૦, ગ્રુહવિજ્ઞાન ૪૪૯, બિજનેશ મેનેજમેન્ટ ર૭પ૮, હોમિયોપેથી ૧૭૦, આર્કીટેકચર ૪પ, પરફોર્મિંગ આર્ટસ ૧પ તથા ફાર્મસી વિદ્યાશાખાની ૧૭ પદવીઓ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે.

વિશેષમાં એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમાં લાખાણી ગૌરવ યોગેશભાઇને કુલ-પ, સુવર્ણચંદ્રક તથા ૧૪ રોકડ ઇનામો તથા પટેલ હેમાગીબેન પ્રવિણભાઇને પ સુવર્ણચંદ્રક તથા ૭ રોકડ ઇનામ મળશે. એમ. એસ. અભ્યાસક્રમમાં  પીલ્લાઇ મહાલક્ષ્મી મહાદેવને ૩ સુવર્ણચંદ્રક તથા ૩ રોકડ ઇનામ મળશે. એલએલ.બી. અભ્યાસક્રમમાં સોલંકી અમિતકુમાર વલ્લભદાસને ૩ સુવર્ણચંદ્ર તથા ૯ રોકડ ઇનામ મળશે. બી.એ. (સંસ્કૃત) અભ્યાસક્રમમાં ભટ્ટ હિનાબેન કિશોરભાઇને ૩ સુવર્ણચંદ્રક તથા ૧૦ રોકડ ઇનામ મળશે.

સમગ્ર સમારંભને સફળ બનાવવા માટે કુલસચિવ ડો.ધિરેનભાઇ પંડયા, પરીક્ષા નિયામક અમિતભાઇ પારેખના માર્ગદર્શન હેઠળ ટીમ વર્ક સાથે તમામ સ્ટાફ ભાઇઓ તથા બહેનો જહેમત ઉઠાવી રહેલ છે.

(3:20 pm IST)