Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

ન્યૂઝિલેન્ડની વિશિષ્ટ પદ્ધતિ દ્વારા પ્યોર મધનું ઉત્પાદન

મૂળ ખરેડીના યુવાન દર્શન ભાલારાએ MBA થયા બાદ નોકરી છોડીને મધમાખી સાથે ફ્રેન્ડશીપ કેળવી! : દેશના વિવિધ વિસ્તારોમાંથી વિવિધ તત્વોવાળું મધ મેળવાઇ રહ્યું છેઃ મધ રૂ.૮૦૦નું કિલો, પ્યોર હોવાનો દાવો

તસ્વીરમાં દર્શન ભાલારા, મયુર ભાલારા નજરે પડે છે, બીજી તસ્વીર વિશિષ્ટ મધપેટીની છે.

રાજકોટ તા.૧૯: મૂળ કાલાવડના ખરેડી ગામના યુવાન દર્શન ભાલારાએ નોકરી છોડીને મધના ઉત્પાદનનો વ્યવસાય આદર્યો છે. એમ.બી.એ થયેલા આ યુવાને મધમાખી સાથે દોસ્તી કેળવીને વિવિધ પ્રકારના મધનું ઉત્પાદન શરૂ કર્યું છે.

મધનો રંગ કાળો તો કોઇનો સફેદ, લાલ અને બ્રાઉન. ચારેયમાંથી શુદ્ધ મધ કયંુ ગણવું? વેલ, આ ચારેય મધ ૧૦૦ ટકા પ્યોર છે. કાળું મધ સિસમના ફુલમાંથી મધમાખીઓએ ચૂંટયું છે, તેના પર દુધ જેવું સફેદ મધ છે તે કાજુના ફુલમાંથી ચુંટેલું છે, તેની પર બ્રાઉન રંગનું છે તે અજમાનુ અને ઉપર લાલ રંગનું છે તે બોરમાંથી બનેલું છે. ચારેય મધ શુદ્ધ જ છે પણ તેના ગુણ અલગ છે. સ્વાદ પણ નોખા. અજમાનું મધ મીઠું તો છે જ પરંતુ એમાં થોડી કડવાશ પણ આવે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ. કાજુનું મધ ભરપુર શકિત આપે. આ ચારેય મધના ઉત્પાદક છે, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામના દર્શન ભાલારા.

દર્શનભાઇ નોકરી છોડી દીધી અને પોતાના વિસ્તારમાં તેમણે અજમાના ખેતરમાં મધની પેટી મૂકી. ત્યારથી એમણે પાછું વળીને જોયું નથી. અત્યારે તેઓ ૯૦૦ પેટી દ્વારા દેશભરમાંથી મધ મેળવે છે. વરિયાળીનું મધ હળવદમ પંથકમાંથી મેળવે, અજમાનું સૌરાષ્ટ્રમાંથી, લીચી, સિસમ અને બેરીનું ઉત્તરાંચલ તથા ઉત્તર પ્રદેશમાંથી મેળવે છે.

તેમના મધમાં ભેજ-મોઇશ્વરનંુ પ્રમાણ આંતરરાષ્ટ્રીય માપંદડથી એક  ટકો પણ વધુ નથી. તેનું કારણ એ છે કે, મધ પૂર્ણતઃ પાકે પછી જ તેઓ તેને પૂડામાંથી નિતારે છે. અચ્છા, પૂર્ણરૂપે પાકેલું મધ એટલે શું? મધમાખી જયારે મધ બનાવવાની પ્રક્રિયા પુરી કરી લે ત્યારે એ પૂડાને વેકસ વડે સિલ કરી દે. આ ઘટના બને એટલે સમજવાનું કે મધ સંપૂર્ણપણે પાકી ગયું.એ પછી મેળવેલુ મધ જ સાચુ ગણાય. પણ આ પ્રક્રિયા દ્વારા મધનું વજન ખૂબ ઘટી જાય. કાચુ મધ ઉતારી લો તો ઉત્પાદન અનેકગણુ વધી જાય, પણ એ ઓછું ગુણકારી હોય. ભાલારાનું મધ ૧૦૦ ટકા પાકેલુ છે અને એ ખરા અર્થમાં રો છે, તેના પર કોઈ જ કેમિકલ પ્રોસેસ થતી નથી. તેવો દાવો કરાયો છે. આ મધની કિંમત કિલોના રૂ. ૮૦૦ છે.

દેશી પેટીમાં મધ ઉછેર થાય ત્યારે કદાચ શુદ્ધત્તમ સ્વરૂપે મધ મેળવીએ તો પણ તેમા લાર્વા, ઈંડા અને અશુદ્ધિઓ આવી જ જાય. દર્શન ભાલારા ન્યુઝીલેન્ડ પદ્ધતિની પેટીઓ જ ઝાઝા ભાગે ઉપયોગ કરે છે, તેમાં મધમાખીની મધ એકત્રિત કરવા માટેના અને ઈંડા મુકવાના ખાના જ નોખા હોય ! અશુદ્ધિ કે ઈંડાની ભેળસેળ થઈ જવાનો સવાલ જ ન હોય. આ પદ્ધતિ તેમના મધને ભારતની બજારોમાં ઉપલબ્ધ મધ કરતા કયાંય અલગ અને ગુણકારી તથા શુદ્ધતમ બનાવે છે, તેવો દાવો શ્રી ભાલારાએ કર્યો છે. ઉપરાંત મધનું પેકીંગ કાચની બોટલમાં જ થવું જોઇએ એવું તેઓ માને છે મલેશિયાથી વિશિષ્ટ બોટલ મંગાવે,  બોકસની અંદર થર્મોકોલ ગોઠવીને પછી જે એમ મધ સપ્લાય કરે પોતાની જ એક બ્રાન્ડ. નામઃ મધુધારા કોઇ ડિસ્ટ્રિબ્યુટર નહીં, કોઇ સ્ટોકિસ્ટ નહીં. પોતે જાતે જ ઓર્ડર પર કુરિયર કે ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલી આપે!

મધની જેમ તેમનું ગીર ગાયનું ધી પણ સર્વોત્તમ તેમની પાસે સારી સંખ્યામાં ગીર ગાય છે. આ ગાયોને ખોરાકમાં લીલું ઘાસ અને ટોપરાંનો ખોળ જ આપે. દૂધ માત્ર પિતળના વાસણમાં દોહવાનું, દહીં મેળવવા માટે માત્ર માટીના વાસણો વલોવવા માટે લાકડાંના વલોણાનો જ ઉપયોગ. માખણ બને એટલે આ પાત્રના મુખને કપડાંથી બાંધીને તેમની વાડીની ફરતે આવેલા લીમડા નીચે રાત્રે મુકવાના. છેવટે માટીના વાસણમાં જ દેશી ચૂલા પર ઘી બનાવવાનુ. આ અસલી આયુર્વેદિક પદ્ધતિ છે. રોજ લગભગ એકસો લિટર છાસ થાય પણ કદી એનું વેંચાણ ન કરે, ગામમાંથી જેમને જોઇતી હોય એ નિઃશુલ્ક જ લઇ જાય. ઘીનો વ્યવસાય એમણે શરૂ કર્યો ત્યારે એમના દાદીમાએ વચન લીધું હતું કે, એ કયારેય છાસના પૈસા નહીં લે! આજે પણ એ વચન તેઓ ખુશીથી નિભાવે છે.

દર્શન ભાલારાનો સંપર્ક મો.૯૬૬૨૧ ૬૬૭૭૦ નંબર પર થઇ શકે છે.

(3:16 pm IST)