Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કમોસમી વરસાદનો ભોગ બનેલ ઇંટ ઉત્પાદકોને સહાય ચૂકવવા રજુઆત

રાજકોટ તા. ૧૮: માટીની ઇંટો બનાવતા ઇંટ ઉત્પાદકોને કમોસમી વરસાદ કે વાવાઝોડા જેવી કુદરતી આફતોથી અવાર નવાર તેઓએ ઉત્પાદન કરેલી કાચી ઇંટોને નુકશાન થતું રહે છે. જેને લઇને આર્થિક રીતે નબળા ઇંટ ઉત્પાદકોની માઠી દશા બેસી જતી હોય છે.

તાજેતરમાં અરબી સમુદ્રમાં ઉદભવેલા બે વાવાઝોડાને લઇને સૌરાષ્ટ્રમાં પડેલા કમૌસમી વરસાદથી સૌરાષ્ટ્રના ૪૦૦ જેટલા ઇંટ ઉત્પાદન એકમોની લાખોની સંખ્યામાં કાચી ઇંટ નષ્ટ પામી હોય મોટો આર્થિક ફટકો પડેલ હોય નુકશાનીનું વળતર ચુકવવા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ છે.

સૌરાષ્ટ્રમાં મોટા ભાગના એકમો વર્ષ ૩ લાખથી પ  લાખની મર્યાદામાં મહતમ ઇંટ ઉત્પાદન કરતા એકમો છે. ત્યારે વર્ષે દરમ્યાન આવકમાંથી માંડ માંડ બે છેડા ભેગા કરતા ઇંટ ઉત્પાદકોને કુદરતી આફતથી થતી નુકશાનીના કારણે ઘણા એકમોના માલીકોને ધંધારોજગાર છોડવાની નોબત આવી છે.  તાજેતરમાં પડેલા કમૌસમી વરસાદથી સૌરાષ્ટ્રના ઇંટ ઉત્પાદકોને થયેલ આર્થિક નુકશાની બદલ સહાય ચુકવવાની જાહેરાત કરવા તેમજ સરકાર દ્વારા કાયમી ધોરણે ઇંટ ઉત્પાદકોને વાવાઝોડા અને કમૌસમી વરસાદથી થતા નુકશાનીનું વળતર કે રાહત સહાય ચુકવવાની જોગવાઇઓ ઉભી કરવા સૌરાષ્ટ્ર-કચ્છ ઇંટ ઉત્પાદક સંઘના મહામંત્રી ચંદુભાઇ જાદવ (મો. ૯૮રપ૭ ૯પ૦૯પ) એ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રજુઆત કરી છે.

(4:28 pm IST)