Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પરંપરાગત સફેદ વસ્ત્રોમાં આહિર સમાજ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલી

ચીન સામેની લડાઈ લડેલા ત્રણ ભારતીય સૈનિકોએ શૌર્યગાથા વર્ણવી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ : અહિંના રેસકોર્ષના મેદાનમાં આજે આહિર શૌર્ય દિવસ નિમિતે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલી સમારોહ યોજાયો છે. ૧૯૬૨માં ચીન સામેની લડાઈમાં ૧૧૪ આહિર જવાનો શહીદ થયા હતા. તેઓને શ્રદ્ધાંજલી આપવા માટે યોજાયેલ આ કાર્યક્રમમાં સફેદ વસ્ત્રો સાથે સજ્જ આહિર સમાજના હજારોની સંખ્યામાં પરિવારજનોએ ઉપસ્થિત રહી શહીદ વીર જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ખાસ ઉપસ્થિત છે. હજારોની સંખ્યામાં સફેદ વસ્ત્રો સાથે સજ્જ આહિર સમાજના ભાઈ - બહેનોએ શ્રદ્ધાંજલી આપી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ દર્જ કરશે. ઉલ્લેખનીય છે કે રેજાંગલા પર ચીન સામેની લડાઈમાં ભારતના ૧૨૪ સૈનિકોએ ચીનના ત્રણ હજાર જવાનો સામે યુદ્ધ લડ્યા હતા. જેમાં ચીનના ૧૪૦૦થી વધુ સૈનિકોનો ખાત્મો બોલાવી દીધો હતો. તે સમયે ચીન પાસે મશીન ગન જેવા આધુનિક હથિયારો હતા અને ભારત પાસે માત્ર રાઈફલો હતી. હથિયારોનો દારૂગોળો પૂરો થયા બાદ પણ તેમના હથિયારોના આગળના ભાગના છરાઓ વડે અને તેનું લાકડી તરીકે ઉપયોગ કરી અને અંતમાં દંડયુદ્ધ કરીને પણ અસહ્ય ઠંડીમાં પણ છેવટે સુધી ભારતીય સૈનિકોએ લડાઈ લડી હતી. અંતમાં ચીને થાકીને આ યુદ્ધને વિરામ આપ્યો હતો. આ ચોકી ઉપર ભારતીય સેનાનો વિજય થયો હતો. ચીનના ૧૪૦૦થી વધુ સૈનિકોનો ખાત્મો બોલી ગયો હતો. દરમિયાન આ યુદ્ધમાં ભારતના ૧૧૪ વીર સૈનિકો શહીદ થયા હતા. આ તમામ આહિર સમાજના હતા. આ શહીદ વીરોને શ્રદ્ધાંજલીના ભાગરૂપે આજનો દિવસ આહિર શૌર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. ઉપરોકત તસ્વીરમાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરતાં દર્શાય છે. જયારે બીજી તસ્વીરમાં આહિર સમાજ દ્વારા તેઓનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ તે દર્શાય છે. જયારે અન્ય તસ્વીરોમાં આહિર સમાજના આગેવાનો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ઘનશ્યામભાઈ હેરભા, અર્જુનભાઈ ડાંગર, નાગદાનભાઈ ચાવડા, શૈલેષ ડાંગર, બાબભાઈ આહિર, પ્રદિપ ડવ સહિતના આહિર સમાજના ભાઇ - બહેનો ઉપસ્થિત છે.  (તસ્વીર ઃ અશોક બગથરીયા)

(4:07 pm IST)