Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કારોબારીના 'વહીવટ' બાબતે ભડકો, અધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્ત

કોંગ્રેસને દઝાડવા નીકળેલા બાગીઓને જ 'ઝાળ' લાગી ગઇ! : રેખાબેન પટોળિયા રાજીનામું ન આપે તો હટાવાશેઃ ૬ સભ્યોની સહીઃ સંકલન ન રાખતા હોવાનો આક્ષેપ

રાજકોટ, તા., ૧૮: જિલ્લા પંચાયતમાં  અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સામે અવિશ્વાસ દરખાસ્ત મુકી લડવા નિકળેલા બાગી જુથમાં જ તડા પડયા છે. આજે કોંગ્રેસના બાગીઓ શાસીત  અને ભાજપ સમર્થિત કારોબારી સમીતીમાં ભડકો થયો છે. કારોબારીના ૯ સભ્યો પૈકી ૬ સભ્યોએ અધ્યક્ષ રેખાબેન પટોળિયા સામે ડીડીઓને અવિશ્વાસ દરખાસ્ત આપી છે. કાયદામાં કારોબારી સમીતી સામે અવિશ્વાસ દરખાસ્તની જોગવાઇ નથી પરંતુ સામાન્ય પ્રણાલીકા મુજબ આગળની કાર્યવાહી કરવા વહીવટી તંત્ર સક્રિય થયું છે. જો ૧પ દિવસમાં રેખાબેન રાજીનામુ ન આપે અથવા અવિશ્વાસ દરખાસ્તના સામના માટે સમીતીની બેઠક ન બોલાવે તો ડીડીઓ આ અંગે વિકાસ કમિશનરને અહેવાલ મોકલશે અને વિકાસ કમિશનરના આદેશ મુજબ બેઠક બોલાવાશે.

કે.પી.પાદરીયાએ આક્ષેપ કરેલ કે કારોબારી અધ્યક્ષ વિકાસના કામોમાં યોગ્ય સંચાલન કરી શકતા નથી તેમજ સભ્યો સાથે સંકલન રાખતા નથી તેથી તેમને હોદા પરથી હટાવવા જરૂરી છે તેમણે રાજીનામુ ન આપતા અવિશ્વાસ દરખાસ્ત મુકવામાં આવી છે જેમાં ૯ પૈકી ૬ સભ્યોએ સહીઓ કરી છે. આ ૬ સભ્યમાં કે.પી.પાદરીયા, વજીબેન સાકરીયા, ચતુરભાઇ રાજપરા, હંસાબેન ભોજાણી, નારણભાઇ સેલાણીયા અને શિલ્પાબેન મારવાણીયાનો સમાવેશ થાય છે. અન્ય ૩ સભ્યો ચંદુભાઇ શિંગાળા, ભાનુબેન તળપદા અને ખુદ અધ્યક્ષ રેખાબેને દરખાસ્તમાં સહી કરી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં વર્ષોથી કારોબારીનો વહીવટ ચર્ચાની એરણે રહયો છે. સરકારે બીનખેતીની સતા પાછી ખેંચી લીધા પછી પણ કારોબારીનો કકળાટ સંપુર્ણ શાંત થયો નથી.  સતાવાર રીતે સંકલનના અભાવનું કારણ દર્શાવાયું છે પરંતુ રાજકીય વર્તુળોમાં કારોબારીના વહીવટ અંગે મતભેદ થતા અવિશ્વાસ દરખાસ્ત આવ્યાનુ ચર્ચાઇ રહયું છે. જિલ્લા પંચાયતના રાજકારણમાં કયુ પરીબળ સૌથી વધુ પ્રભાવક છે? તે બાબત ખાનગી નથી.

(4:03 pm IST)