Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

એકશન પ્લાનના ડામર કામનો હજુ પ્રારંભ જ થયો નથીઃ ગાયત્રીબા

શહેરીજનો હજુ ખાડા-ખબડાથી ત્રાહીમામઃ તંત્ર સેવામાં વ્યસ્તઃ પૂર્વ વિપક્ષી નેતાના પ્રહારો

રાજકોટ તા. ૧૮ :..  ચોમાસાની સિઝન પુર્ણ થયે ઘણો સમય વિતી ગયો છે. નવરાત્રી માં જ ડામર કામ કરવાની વાતો કરનાર મ.ન.પા.નું તંત્ર દિવાળી અને દેવ દિવાળી વિતવા છતાં પણ આળસ ખંખેરતું નથી. અને લોકોને  ઉખડ-ખાબડ રસ્તાઓ ઉપર ચાલવા માટે મજબૂર કર્યા છે. વી. વી. આઇ. પી. ઓનું નગર રાજકોટ બની જતા મ.ન.પા.નું  વી. વી. આઇ. પી. તંત્ર વી. વી. આઇ. પી. ઓની સેવામાં જ  વ્યસ્ત હોવાનો આક્ષેપ પુર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે ગાયત્રીબાએ જણાવ્યું હતું કે, શહેરના વોર્ડ નં. ૩ માં રેલનગરમાં છેવાડાનાં ચાલુ વર્ષે ચોમાસા પહેલા મેટલીંગ કામ પુર્ણ થઇ ગયેલ છે અને એક ચોમાસાની સિઝન પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉખડ- ખાબડ બની ગયા છે. જેથી લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. નિયમ અનુસાર અગ્રતાનાં ધોરણે આવા રસ્તાઓને પ્રાયોરીટીમાં સમાવેશ કરી ચાલુ વર્ષનાં એકશન પ્લાનમાં ડામર કામ કરવા અને લોકોની હાલાકી  ઓછી કરવા મ.ન.પા.નાં  ઇજનેરોને અનેક વખત રજૂઆતો કરવામાં  આવી છે. આ વિસ્તાર હવે વિકસતો વિસ્તાર છે. જુદી જુદી ૧૧ ટાઉનશીપ (આવાસ યોજના) બનાવવામાં આવી ત્યારથી રોડ - રસ્તાનો પ્રશ્ન વિકટ છે. પુરતું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કર્યા વગર તંત્રએ આવાસ યોજનાના મકાનો ગરીબ માણસોને સોંપી દિધા હતાં.

વધુમાં ગાયત્રીબાએ જણાવ્યું હતું કે,  હાલમાં કુદડે ને ભૂસકે આ વિસ્તાર વધી રહ્યો છે. નવી નવી સોસાયટીઓ આકાર લઇ રહી છે. ત્યારે આ રોડ-રસ્તાની કામગીરી તાત્કાલીક કરવા માટે અનેક વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી ત્યારે કમી. શ્રીને પણ આ બાબતે ગત તા. ૧૭ નાં રોજ લેખીત રજૂઆત કરી રેલનગર વિસ્તારનાં નીચે મુજબનાં રસ્તાઓ કે જયાં મેટલીંગ થઇ ગયેલ છે ત્યાં તાત્કાલીક ડામર કામ કરવા જણાવેલ છે જેમાં  રેલનગર અંડર બ્રીજની ઉપર આવેલ રોડ, ખુદીરામ બોઝ ટાઉનશીપ પાસેનો રોડ, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ પાસેનો રોડ ઘનશ્યામ બંગલો ટી. પી. ૧૯ નો રોડ અમૃતધારા રેસીડન્સી પાસેનો રોડ સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે.

(4:02 pm IST)