Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

માર્ગ અકસ્માત પિડિત સ્મૃતિ દિવસ નિમિતે શહેર પોલીસે ૧૪૦ મૃતકોને શ્રધ્ધાંજલિ આપીઃ આમાંથી ૬૯એ હેલ્મેટ નહોતી પહેરી

પોલીસ હેડકવાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, નિવૃત આરટીઓ તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યાઃ મૃતકોના સ્વજનોએ ટ્રાફિકના નિયમોનું હમેંશા પાલન કરવાના શપથ લીધા

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા આજે માર્ગ અકસ્માત પિડિત સ્મૃતિ દિવસ નિમીતે પોલીસ હેડકવાર્ટર ખાતે વર્ષ ૨૦૧૯માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા ૧૪૦ વ્યકિતઓને શ્રધ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ પોલીસ હેડકવાર્ટર ખાતે યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપીશ્રીઓ તેમજ ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, કર્મચારીઓ, વોર્ડન સહિતના જોડાયા હતાં. આ ઉપરાંત અકસ્માતમાં કાળનો કોળીયો બનેલા લોકોના સ્વજનોએ પણ ખાસ હાજરી આપી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાજંલિ આપવા મોૈન પાડવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ૧૪૦ લોકોના અકસ્માતમાં મૃત્યુ થયા તેમાંથી ૬૯ લોકોએ હેલ્મેટ પહેરી નહોતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મૃતકોના સ્વજનોને પણ પોતે હવેથી નિયમિત ટુવ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરશે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તેવા શપથ લેવડાવ્યા હતાં. આ શ્રધ્ધાજંલિ કાર્યક્રમમાં એક વૃધ્ધ દંપતિ પણ આવ્યું હતું. જેમણે બે મહિના પહેલા અકસ્માતમાં પોતાનો ૩૫ વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો. તેમણે વસવસો વ્યકત કર્યો હતો કે ગાય આડી ઉતરતા અમારો દિકરો ફંગોળાઇ ગયો હતો, તેણે હેલ્મેટ પહેરી હોત તો કદાચ તે આજે અમારી વચ્ચે હોત. એક તરફ હેલ્મેટ ન પહેરનારા સામે સતત આકરો દંડ વસુલવામાં આવી રહ્યો હોઇ વાહન ચાલકોમાં રોષ છે ત્યારે બીજી તરફ આ શ્રધ્ધાંજલિ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ હેલ્મેટ પહેરવી કેટલી જરૂરી છે તેની સમજ આપી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:01 pm IST)