Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

સિવિલ હોસ્પિટલની ઓપીડીમાંથી ત્રણ મોબાઇલ ફોન સેરવીને ભાગતો ગોંડલનો શખ્સ ઝડપાયો

આજીડેમ ચોકડીએ જવા રિક્ષા ભાડે કરતાં ચાલકે પૈસા છે કે નહિ? તેમ પુછતા તેણે પૈસાની બદલે મોબાઇલ લઇ લેવા કહેતાં શંકા ઉપજતાં સિકયુરીટી ઇન્ચાર્જને જાણ કરતાં પકડાયો

રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાંથી અવાર-નવાર તસ્કરો-ગઠીયાઓ દર્દીઓ કે દર્દીઓના સગાના મોબાઇલ ફોન, પર્સ ચોરી કરતાં સિકયુરીટીના હાથે રંગેહાથ ઝડપાઇ જાય છે. આજે વધુ એક શખ્સને ઓપીડીમાંથી ત્રણ લોકોના મોબાઇલ ફોન સેરવતાં શખ્સને પકડી લેવાયો હતો. એક શખ્સે સવારે સાડા અગિયારેક વાગ્યે ઓપીડીમાંથી બહાર આવી રામનાથપરાના રિક્ષાચાલક અહેમદ સલિમભાઇ સંઘારની રિક્ષા આજીડેમ ચોકડીએ જવા ભાડે બાંધી હતી. ચાલક અગાઉ સિવિલમાં સિકયુરીટીગાર્ડ તરીકે નોકરી કરી ગયો હોઇ આ શખ્સના હાલ-ચાલ જોતાં શંકા ઉપજતાં તેણે ભાડાના પૈસા છે કે નહિ? તેમ પુછતાં એ શખ્સે પૈસા નથી કહી ત્રણ મોબાઇલ ફોન બતાવ્યા હતાં અને ભાડાની બદલે આમાંથી એક લઇ લેવા કહેતાં રિક્ષાચાલકને શંકા ઉપજતાં તેણે સિકયુરીટી ઇન્ચાર્જ એ.ડી. જાડેજાને જાણ કરતાં તેણે આવીને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાનું નામ કરણ જેન્તીભાઇ સોલંકી (દેવીપૂજક) (રહે. ગોંડલ સિવિલ હોસ્પિટલ પાસે) જણાવ્યું હતું. તલાશી લેતાં એક ચિલમ પણ તેની પાસે મળી હતી. આ ફોન ઓપીડીમાંથી ચોરી કર્યાનું કહેતાં સિકયુરીટીએ ત્યાં જઇ બધાને પોતપોતાના મોબાઇલ ચેક કરવાનું કહેતાં અમરેલીના નટુભાઇ બાયડ, ગાયત્રીનગરના વિનેશભાઇ માંડવીયા અને ટંકારાના રહિમભાઇ ધાનાણીએ પોતાના ફોન ગાયબ હોવાનું કહેતાં ઝડપાયેલા શખ્સ પાસેથી મળેલા ફોન બતાવતાં ત્રણેયએ ઓળખી બતાવ્યા હતાં. આથી પોલીસને જાણ કરાઇ હતી. ઝડપાયેલો શખ્સ અગાઉ પણ આ રીતે મોબાઇલ સેરવતા ઝપટે ચડ્યો હતો. તસ્વીરમાં પકડાયેલો શખ્સ, જેના ફોન ગયા તે લોકો અને તને પકડીને લઇ જતાં પોલીસ કર્મચારી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

(3:45 pm IST)