Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

કોલકત્તા ખાતે રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા.સમીપે ત્રણ હળુ કર્મી આત્‍માઓનો સંયમ મહોત્‍સવ સંપન્‍ન

વડી દીક્ષા તા.૨૪ને રવિવારે યોજાશેઃ વૈયાવચ્‍ચ માટે લાખો રૂપિયાનું અનુદાન એકત્રિત થયું

રાજકોટ,તા.૧૮: છેલ્લા પખવાડીયાથી સમસ્‍ત પૂર્વ ભારત સ્‍થા.જૈન સંઘના ભાવિકોએ કોલકત્તામાં સંયમમય માહોલનું સર્જન કરી દિધેલ.મુમુક્ષુ હીરલબેન જસાણી,મુમુક્ષુ ચાર્મીબેન સંઘવી તથા મુમુક્ષુ ક્રિષ્‍નાબેન હેમાણી ત્રણ - ત્રણ આત્‍માઓની દૈદિપ્‍યમાન મહાભિનિષ્‍ક્રમણ યાત્રા નીકળેલ. ભવ્‍યાતિભવ્‍ય શોભાયાત્રા કોલકત્તાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર નીકળેલ.દર્શનીય શોભાયાત્રામાં જિન શાસનને ઉજાગર કરવામાં આવેલ. આગમમાં આવતા પ્રેરક ચરિત્રો વિવિધ ચિત્રો દ્રારા પ્રદર્શિત કરવામાં આવેલ.

મુમુક્ષુ આત્‍માઓએ સંયમ સમોવશરણમાં પ્રવેશ કરતાં જ હજારો ભાવિકોએ સંયમના જયનાદથી વાતાવરણ ગજાવી દિધેલ. ભવ સાગરથી તરશે કોણ ? દીક્ષાર્થી... દીક્ષાર્થી, શાસનના શણગાર કોણ, અરિહંતના અણગાર કોણ ? મહાવીરના મુનિ કોણ ? આવા પ્રચંડ જયઘોષથી અદભૂત માહોલના દર્શન થયેલ.

મુમુક્ષુ આત્‍માઓએ સંસારી અવસ્‍થાનું અંતિમ વકતવ્‍ય આપતા જણાવ્‍યું કે સાધક હતા,પૂ.ગુરૂદેવની અનંતી કૃપાથી સાધ્‍વીજી બનીશુ અને આજથી જ સિદ્ધ બનવા સતત સમ્‍યક્‌ પુરૂષાર્થ કરીશું. આજથી સંસારીઓ સાથેના સબંધો ઉપર પૂર્ણ વિરામ અને હવે માત્રને માત્ર પરમાત્‍મા સાથે જ નાતો રાખીશું. મુમુક્ષુ આત્‍માઓએ પોતાના સ્‍વજનો - પરિવારજનો તથા સૌ સાથે ક્ષમાપના કરતાં જ ઉપસ્‍થિત હજારો ભાવિકોની આંખો અશ્રુભીની થયેલ.

આ અવસરે રાષ્ટ્ર સંત પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબે ફરમાવ્‍યુ કે છ ખંડ જીતવા હજુ પણ સહેલા છે,પરંતુ છકાયના રક્ષક બનવું તે કઠિન છે.વધુમાં પૂજય ગુરુદેવે કહ્યું કે નાની વયે સંસારને અલવીદા કરી આત્‍મામાંથી પરમ આત્‍મા બનવા નીકળેલ ત્રણેય મુમુક્ષુઓને ધન્‍ય છે.સંયમ લઈ શકો તો સર્વ શ્રેષ્‍ઠ છે,જો સંયમ ન જ લઈ શકો તો સંયમી આત્‍માઓને સહાયક બનજો.ધનનું દાન ન કરી શકો તો શ્રમદાન કરી શાસનમાં સહયોગી બનજો.

કોલકત્તા શ્રેતાંબર સ્‍થા.જૈન સંઘના પ્રમુખ જીતુભાઈ શાહે પ્રસંગોચિત્ત વકતવ્‍ય આપેલ.

ત્રણેય મોક્ષાર્થી આત્‍માઓએ આગમ વાક્‍ય  ‘‘મહાનાગો વ્‍વ કંચુયં એટલે કે નાગ - સાપ જેમ શરીર ઉપર રહેલી કાચળી છોડી પાછું વાળીને જોતો નથી તેમ આ આત્‍માઓ વેશ પરિવર્તન માટે મમત્‍વનો ત્‍યાગ કરી સાધુ બની આત્‍મ કલ્‍યાણનો માર્ગ અંગીકાર કરવા નીકળી ગયાં. '' રેણુયં વ પડે લગ્‍ગં...એટલે કે કપડા - વષા ઉપર રહેલી જેમ ધૂળ ખંખેરી નાખીયે તેમ આ આત્‍માઓએ પૈસૌ, પરિવાર, સગા, સબંધીઓ સર્વને છોડી અણગારે જાયા - સાધ્‍વીજી બનવા હડી કાઢી અને દોટ મૂકી એ દ્રશ્‍ય અલૌકિક અને અદભૂત હતું.

ત્રણેય પરમ પુણ્‍યશાળી આત્‍માઓ સંસારના પંચરંગી વષાો,વેશ,કેશ અને આભૂષણોનો ત્‍યાગ કરી શાંતિના પ્રતિક સમાન વાઈટ એન વાઈટ વષાો પરિધાન કરી પ્રવેશ કરતાં જ હજારો ભાવિકોએ ઉભા થઈ જોડી અભિવાદન કરી આવકારેલ.

રાષ્ટ્ર સંત પૂ.પરમ ગુરૂદેવ નમ્રમુનિ મ.સાહેબે દેવોનો પણ દૂર્લભ એવો દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ  ભણાવતા જ નૂતન દીક્ષિત આત્‍માઓનો ભાવિકોએ જય જયકાર કરેલ.

નૂતન દીક્ષિત આત્‍માઓની વડી દીક્ષા રવિવાર તા.૨૪ના કોલકત્તા ખાતે યોજાશે.

સંયમ મહોત્‍સવમાં નેપાલ કેસરી પૂ.મણીભદ્ર મુનિજી મ.સા.,ડુંગર દરબારના વિશાળ સતિવૃંદ,પૂ.દર્શનાજી - સ્‍વાતિજી મ.સ.,પૂ.સંઘમિત્રાજી વગેરેની પ્રેરક ઉપસ્‍થિતિ રહેલ. સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ચેન્નાઈ,દિલ્‍હી સહિત દેશ - દેશાવરના અનેક ભાવિકો ઉપસ્‍થિત રહી પ્રભુ મહાવીરના ત્‍યાગ માર્ગની અનુમોદના કરેલ.ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,મુંબઈ મહા સંઘના પરાગભાઈ શાહ,રાજકોટ રોયલ પાર્ક સંઘના પ્રમુખ ચંદ્રકાન્‍તભાઈ શેઠ, સરદારનગર સંઘના પ્રમુખ હરેશભાઈ વોરા, શ્રમજીવી સંઘના પ્રમુખ હિતેશભાઈ મહેતા,મહાવીર નગર સંઘના પ્રતાપભાઈ વોરા,  શેઠ આરાધના ભવનના મયુરભાઈ શાહ,નેમિનાથ - વીતરાગ સંઘના પ્રમુખ ભરતભાઇ દોશી,ઉવસગ્‍ગહરં સાધના ભવનના નરેન્‍દ્રભાઈ દોશી, સુશીલભાઈ ગોડા, સંજયભાઈ શેઠ, એડવોકેટ વિરેશભાઈ ગોડા, વિરેનભાઈ શેઠ,મનીષભાઈ મહેતા સહિત હજારો સંયમ પ્રેમી આત્‍માઓ ઉપસ્‍થિત રહી સંયમ માર્ગની ભૂરી ભૂરી અનુમોદના કરેલ તેમ પૂર્વ ભારત સંઘના અગ્રણી પરેશભાઈ દફતરીએ જણાવ્‍યું છે.

મુમુક્ષુમાંથી બન્‍યા મહાસતીજી

મુમુક્ષુ ક્રિષ્‍નાબેન - નવ દિક્ષીત પૂ.પરમ આત્‍મીયાજી મ.સ.      

મુમુક્ષુ હિરલબેન - નવદિક્ષીત પૂ.પરમ નમસ્‍વીજી મ.સ.

મુમુક્ષ ચાર્મીબેન - નવ દિક્ષીત પરમ સહજતાજી મ.સ.

(3:32 pm IST)