Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

૩૦૦ કારના કાચ તોડી ચોરીઓ કરીઃ મહારાષ્ટ્રની ગેંગ ઝબ્બે

શહેર ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્રના ખૈરપાડાના અહેમદ ઉર્ફ લદન, થાણેના મિનાઝ અને પનવેલના જમીલને નવી મુંબઇના તલોજા ખાતેથી દબોચ્યાઃ પોલીસ ટૂકડીએ વેશપલ્ટો કરી સ્થાનિક પોલીસની મદદ લઇ ત્રણ દિવસ-રાત વોચ રાખી સફળતા મેળવીઃ હજુ એક શખ્સ ઝૂબેરનું નામ ખુલ્યું : રાજકોટના સામા કાંઠે ૧૨ દિવસ પહેલા ૧૦ કારના કાચ ફોડી મોંઘીદાટ મ્યુઝિક સિસ્ટમ્સ ચોરી'તીઃ આ સિવાય મોરબી, આણંદ, અમદાવાદના ગુના ઉકેલાયાઃ ૧૫ વર્ષથી ચોરીઓ કરે છેઃ ચાર વર્ષથી ગુજરાતમાં કાર્યરતઃ રાતે બેથી સવારના છ સુધી કારમાં આવી જે તે કારના કાચ ડિસમીસથી તોડી ટેપ, લેપટોપ, થેલા જે મળે તે ઉઠાવી જતાં: મુંબઇમાં ચોરબજારમાં વેંચી મારતાં: દર વખતે ચોરીમાં અલગ-અલગ કારઃ ટોળકી પાસે પોતાની માલિકીની પાંચ કાર : પીએસઆઇ ધાખડાની ટીમના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, અમીતભાઇ અગ્રાવત, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ખાસ બાતમી પરથી સફળતા :ટોળકી મુંબઇમાં અનેક વખત પકડાઇ ચુકી છેઃ પોલીસ કમિશનરે કામગીરી કરનારી ટીમને ૧૫ હજારનું ઇનામ આપ્યું

ડિટેકશનઃ માહિતી આપી રહેલા એસીપી જયદિપસિંહ એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા તથા પાછળ હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા સહિતની ટીમ અને નીચે બેઠેલા ત્રણેય આરોપીઓ તથા કબ્જે થયેલા ડિસમીસ સહિતના સાધનો અને છેલ્લે સીસીટીવી ફૂટેજમાં આરોપીની કાર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) 

૨ કાર કબ્જેઃ મહારાષ્ટ્રની ટોળકી પાસેથી પોલીસે બે કાર નં. એમએચ૦૨પીએ-૨૪૮૦ રૂ. ૧ લાખની અને એમએચ૦૨પીએ-૬૧૦૨ રૂ. ૧ લાખની તથા પાંચ નંગ ડિસમીસ કબ્જે કર્યા છે.

રાજકોટ તા. ૧૮: શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધીમાં કારમાં આવી જુદા-જુદા વિસ્તારોમાં ફરી કાચ તોડી અંદરથી મોંઘીદાટ મ્યુઝિક સિસ્ટમ, લેપટોપ, થેલા સહિતની ચીજવસ્તુઓની ચોરીઓના બનાવ વધી ગયા હતાં. બાર દિવસ પહેલા સામા કાંઠાની અલગ-અલગ સોસાયટીઓમાં એક સાથે દસ કારના કાચ તોડી આ રીતે ચોરી થતાં કાર માલિકોમાં દેકારો મચી ગયો હતો. આ ટોળકીના કાર લઇને ચોરીઓ કરવા આવતી હોવાનું અને બિન્દાસ્ત નીકળી જતી હોવાનું સીસીટીવી કેમેરા પરથી સામે આવ્યું હતું. પોલીસ માટે આ ટોળકીને પકડવી એ એક પડકાર બની ગયો હતો. દરમિયાન ક્રાઇમ બ્રાંચના ચુનંદા જવાનોને ચોક્કસ બાતમી મળતાં આ ટોળકીના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેણે અત્યાર સુધીમાં ૩૦૦ કારમાંથી ચોરીઓ કર્યાનું કબુલ્યું છે!...ટોળકીને પકડવા રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના ગામોમાં ત્યાંની પોલીસની મદદથી વેશપલ્ટો કરી ત્રણ દિવસ-રાત વોચ રાખી આ સફળતા મેળવી હતી. હજુ એક ચોથા આરોપીનું નામ ખુલ્યું છે.

ડિટેકશનની માહિતી આપતા પત્રકારોને જણાવાયું હતું કે ક્રાઇમ બ્રાંચે કારના કાચ ડિસમીસથી તોડી ચોરીઓ કરતી ટોળકીના ત્રણ શખ્સો અહેમદ ઉર્ફ લદન જમીલ ખાન (ઉ.૪૯-રહે. ખૈરપાડા સાંઇચાલ રૂમ નં. ૧૧ વસઇ વેસ્ટ પાલઘર મહારાષ્ટ્ર), મિનાઝ અહેમદ હુનેરકર (ઉ.૪૩-રહે. અનમોલ ચાલ રૂમ નં. ૪, દોલતનગર પાસે કોસા મુંબ્રા જી. થાણે)

તથા જમીલ મહમદ કુરેશી (ઉ.૫૫-રહે. કલાસીક ટાવર ફલેટ નં. ૩૦૪, તલોજા ફેઝ તા. પનવેલ નવી મુંબઇ)ને પકડી લીધા છે. આ ત્રણેય સાથે ચોથો શખ્સ ઝુબેર પણ ચોરીઓ કરવામાં સામેલ હતો, જે હાથમાં આવ્યો નથી.

આ ટોળકીએ છેલ્લા કેટલાક વર્ષમાં ૩૦૦ જેટલી કારના કાચ તોડી અંદરથી મ્યુઝિક સિસ્ટમ ઉપરાંત બીજી કિંમતી વસ્તુઓની ચોરીઓ કરી છે. રાજકોટમાં ગત ૬/૧૧/૧૯ના રોજ સામા કાંઠાની સોસાયટીઓમાં ૯ કાર તથા યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં પણ કેટલીક કારના કાચ તોડી ચોરીઓ કરી હતી. આ મામલે નોંધાયેલા ૧૦ ગુના આ ટોળકીએ કબુલ્યા છે.

આ ઉપરાંત મોરબીમાં એક, આણંદ શહેરમાં ૬, અમદાવાદમાં ૧૬ અને મહારાષ્ટ્રમાં ૧ મળી કુલ ૩૪ ગુનાઓની કબુલાત આપી છે. આ તમામ ગુના અનડિટેકટ હતાં તે પણ ઉકેલાયા છે. આ સિવાય આ ટોળકીએ કુલ ૩૦૦થી વધુ કારના કાચ ડિસમીસથી તોડીને ચોરીઓ કરી છે. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ૧૫ વર્ષથી આ ટોળકી આ રીતે ચોરીઓ કરે છે અને ટોળકીના બધા સભ્યો મિત્રો છે.  આ ટોળકીએ પંદર વર્ષ દરમિયાન મુંબઇ માંટુંગા, મુંબ્રા, શિવાજી પાર્ક, કાલવા, આરએકે, બોરીવલી, દાદર, આઝાદ મેદાન, બેંગ્લોરના કોડીગેહાલી, ગુજરાતના ભીલાડ, બેંગ્લોર સહિતના સ્થળોએ ચોરીઓ, લુંટ સહિતના ગુના આચર્યા છે. છેલ્લા ચાર વર્ષથી ગુજરાતને કાર્યક્ષેત્ર બનાવી ચોરીઓ કરતાં હતાં.

મુંબઇથી પોતાની કારમાં અમદાવાદ આવી જતાં અને ત્યાં ગીતા મંદિર આસપાસ રોકાઇ મોડી રાતે કારમાં રાજકોટ તરફ કે બીજા ટારગેટ નક્કી કર્યા હોઇ ત્યાં મધરાતે અથવા વહેલી સવારે ત્રાટકી લાગલગાટ કારના કાચ તોડી ચોરીઓ કરી લેતાં હતાં. જેમાં એક શખ્સ ડ્રાઇવીંગ કરતો અને બીજા શખ્સો ફટાફટ નીચે ઉતરી કાચ તોડી ચોરી કરી લેતાં હતાં અને રાતોરાત અમદાવાદ તરફ નીકળી જતાં હતાં. ચોરેલા ટેમ-મ્યુઝિક સિસ્ટમ મુંબઇમાં વેંચી મારી રોકડા કરી લેતાં હતાં.

ટોળકીએ પોતાની કાર વસાવી છે. પાંચ કાર જેમાં હોન્ડા સીટી, વેગનઆર, મારૂતિ ઝેન, હુન્ડાઇ સાન્ટ્રો અને ફ્રન્ટીનો ઉપયોગ   ચોરીઓમાં કરતાં હતાં. દર વખતે અલગ-અલગ કાર લઇને આવતાં અને ચોરી કરી ભાગી જતાં હતાં. રાજકોટમાં વેગનઆર કાર લઇને ચોરી કરવા આવ્યા હતાં અને સીસીટીવી કેમેરામાં કેદ થયા હતાં.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જયદિપસિંહ સરવૈયાએ કાર ટેપ ચોરીના ગુનાઓ ડિટેકટ કરવા સુચના આપી હોઇ પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં ટૂકડીઓ કાર્યરત હતી.

એ દરમિયાન પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, યોગીરાજસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે આ ચોરીમાં મુંબઇ-મહારાષ્ટ્રની ટોળકી સામેલ છે. આથી પીએસઆઇ ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ, ફિરોઝભાઇ શેખ, યોગીરાજસિંહ, હરદેવસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ સહિતની ટીમ થોડા દિવસ પહેલા મુંબઇ પહોંચી હતી. ત્યાં જઇ તપાસ શરૂ કરતાં આરોપીઓ મહારાષ્ટ્રમાં ૫૦ થી ૬૦ કિમીના એરિયામાં અલગ-અલગ ગામો-વિસ્તારોમાં રહેતાં હોવાની માહિતી મળતાં સ્લમ એરિયા હોવાથી સ્થાનિક પોલીસની મદદ લીધી હતી અને વેશપલ્ટો કરી વોચ ગોઠવી હતી. અંતે મુંબઇના થાણે જીલ્લાના મુંબ્રા ખાતેથી ત્રણ શખ્સો અહેમદ ઉર્ફ લદન, મિનાઝ અને જમીલ પકડાઇ ગયા હતાં. ચોથો ઝુબેર સાથે ન હોઇ હાથમાં આવ્યો નહોતો.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કામગીરી કરનાર ટીમને ૧૫ હજારનો પુરષ્કાર આપ્યો હતો.

રાજકોટ, અમદાવાદ, સુરત, આણંદના ૫૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા પડ્યા

આરોપીઓની લૂંટ, નારકોટીકસના ગુનામાં પણ સંડોવણીઃ ૨૦૧૫થી ગુજરાતમાં ગુના આચરતાં, કયારેય પકડાયા નહોતાં

. ક્રાઇમ બ્રાંચની ટૂકડીને માહિતી મળી ગઇ હતી કે ટોળકી મહારાષ્ટ્રની છે તેના આધારે તેના સુધી પહોંચવા માટે રાજકોટ ઉપરાંત અમદાવાદ, સુરત, આણંદમાં અલગ-અલગ રસ્તાઓ પરના ૫૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતાં. જેમાં હોન્ડા સીટી કારમાં શકમંદો દેખાયા હતાં. તેના આધારે પગેરૂ દબાવતાં દબાવતાં મહારાષ્ટ્ર સુધી પહોંચી સફળતા મેળવી હતી.

ઝડપાયેલાઓમાં અહેમદ વિરૂધ્ધ મુંબઇના અલગ-અલગ પોલીસ મથકમાં કારના કાચ તોડી ચોરી કરવાના તેમજ મિનાઝ મુંબઇમાં ચોરીના અને બેંગ્લોરમાં નારકોટીકસના તથા જમીલ ગુજરાતના ભીલાડમાં જ્વેલર્સ લૂંટ તથા મહારાષ્ટ્ર, બેંગ્લોરમાં ચોરીમાં પકડાયો છે. ૨૦૧૫થી આ શખ્સો કારના કાચ તોડી ગુજરાતમાં ચોરીઓ કરતાં હતાં અને એક પણ વખત પકડાયા નહોતાં.

(3:29 pm IST)