Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

‘કિમલોપ'નું કાર્યકર્તા સંમેલનઃ હોદ્દેદારોની વરણી

સુકાનીપદે શિવાજી ડાંગર- પ્રવકતા નરેન્‍દ્ર રાઠોડ- શહેર મહામંત્રી ઈશ્વર મકવાણા : હેલ્‍મેટ, ટ્રાફીક સમસ્‍યા, ખેડૂતો સહિતના પ્રશ્ને લડત અપાશેઃ ટીમનું વિસ્‍તરણ

રાજકોટ,તા.૧૮: શહેરના સુકાનીપદે શિવાજી ડાંગરની વરણીની સંમેલનમાં જાહેરાત કરાઈ છે. નરેન્‍દ્ર રાઠોડને સૌરાષ્‍ટ્ર- કચ્‍છ પ્રવકતા ઉપરાંત શહેર મહામંત્રી, ઈશ્વર મકવાણા, મોહિત કથ્રેચા, સમીર બ્‍લોચને શહેર મહામંત્રીપદે તેમજ વિનુભાઈ પટોળીયા, પ્રતિક મકવાણા, અમન ગોહિલની શહેર મંત્રી પદે નિમણૂંક કરવામાં આવી છે. આગામી એક મહિનામાં રાજકોટ શહેર સંગઠનનું વિસ્‍તરણ કરાશે. રાજકોટવાસીઓને પજવી રહેલ ફરજિયાત હેલ્‍મેટ, ડેન્‍ગ્‍યુનો રોગચાળો, ટ્રાફિક સમસ્‍યા, ગુંડારાજ, વ્‍યાજનું વિષચક્ર સહિતના મુદ્દાઓ પર કિમલોપ કામ કરશે. તેમ જણાવાયું હતું.

નવરચિત કિશાન મજદૂર લોક પક્ષ- કિમલોપનું રાજકોટ શહેરનું કાર્યકર્તા સંમેલન વી.વી.પી.સ્‍કૂલ મવડી ખાતે યોજાયું હતું. જેમાં કિમલોપના અધ્‍યક્ષ તરીકે શિવાજીભાઈ ડાંગરની વરણી કરવામાં આવી હતી. સંમેલનને કિમલોપના અગ્રણીઓ જિજ્ઞેશ કાલાવડિયા, ચિરાગ કાકડીયા, અશોક દલસાણીયા, અર્જુનભાઈ ડાંગર, જિજ્ઞેશ ધામેલીયા (જીગાબાપુ), સમ્રાટ બૌદ્ધ, દર્શિત કંટારિયા, માયાબેન મલ્‍કાણ સહિતના આગેવાનોએ સંબોધિત કરી રાજકોટ શહેરમાં ભાજપ અને કોંગ્રેસ જેવા મૂડિવાદી પક્ષોના સ્‍થાને ભગતસિંહની માનવીય વિચારધારામાં માનતા કિસાન મજદૂર લોક પક્ષને સ્‍થાપિત કરવા કાર્યકરોને કામે લાગી જવા આહવાન કરવામાં આવ્‍યું હતું. આગામી બે મહિનામાં રાજકોટ શહેરમાં વોર્ડ વાઈઝ અને બૂથવાઈઝ સંગઠન ઉભુ કરવા માટે આ સંમેલનમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

રાજકોટ શહેરના લોકોને પજવતા પ્રશ્નો જેવા કે ફરજિયાત હેલ્‍મેટ, ટ્રાફિકની અંધાધુંધી, પ્રદુષણ, ગુંડારાજ, વ્‍યાજનું વિષચક્ર, ખાડે ગયેલી આરોગ્‍ય સેવાઓ સહિતના પ્રશ્નો પર લોકો વચ્‍ચે જઈ લોક આંદોલન ઉભુ કરવા માટે કાર્યકારોને અનુરોધ કરવામાં આવ્‍યો હતો.

આ સંમેલનમાં નરેન્‍દ્રભાઈ રાઠોડને રાજકોટ શહેર મહામંત્રી તેમજ સૌરાષ્‍ટ્ર- કચ્‍છના પ્રવકતા, ઈશ્વરભાઈ મકવાણા, મોહિત કથ્રેચા, સમીર બ્‍લોચને શહેર મહામંત્રી પદે તેમજ વીનુભાઈ પટોળીયા, પ્રતિક મકવાણા અને અમન ગોહિલને શહેર મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ કિમલોપનું આગામી એક મહિનામાં વિસ્‍તરણ કરી શહેરની ૫૧ સભ્‍યોની કારોબારી ટીમની ઘોષણા કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:12 pm IST)