Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઉદિત અગ્રવાલ સામે કોંગી નેતાઓના પ્રહારો : ફાઇલો ધૂળ ખાય છે

વિકાસ કામોની ફાઇલોમાં સહીઓ કરતા નથી : વશરામ સાગઠીયા * સહી કરવા ‘સારા ચોઘડીયા'ની રાહ જોવાય છે ? : અતુલ રાજાણી

રાજકોટ, તા. ૧૮ : મહાનગરપાલિકાના કમિશનર તરીકે ઉદિત અગ્રવાલે ચાર્જ સાંભળ્‍યો ત્‍યારથી આજદિન સુધી રાજકોટમાં વિકાસના કામોની જાણે બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. તેમની જ ઓફીસમાં અને તેમની જ સહી વગરની અટકેલી અનેક ફાઇલો આજે એમનમ ધૂળ ખાતી પડી છે અને મનપાના સ્‍ટાફને લેખિત ઓર્ડર આપી અને કાર્યક્રમોમાં સેવામાં રાખે છે તેવો આક્ષેપે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા અને વિપક્ષ નેતા દંડક અતુલ રાજાણીએ કર્યો છે.

આ અંગે વશરામભાઇ અને અતુલ રાજાણીએ યાદીમાં જણાવેલ હતો. કમિશનરને ાવરંવાર ફાઇલોમાં સહી કરવાનું કહેવા છતાં આજ દિન સુધી અનેક વિકાસ કામોની ફાઇલો ધૂળ ખાય છે અને એ જ નથી સમજાતું કે આ ફાઇલોમાં સહી કરવાની કોણ ના પાડતા હશે ? કે ખુદ કમિશનર જ કામ કરવામાં ઠાગાઠૈયા કરે છે, તેમજ વધુમાં જણાવીએ તો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર એ કમિશનર જેવું નહીં પણ કાર્યક્રમના ઇવેન્‍ટ મેનેજર જેવી કામગીરી કરી રહ્યા હોય તેવો આક્ષેપ કર્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓમાં એક જ પ્રકારનો ગણગણાટ ચાલુ છે કે કમિશનરશ્રી આવ્‍યા ત્‍યારથી અમારી ફાઇલો સહી કરતા નથી અમોને ખુદને પણ અમુક અધિકારીઓ આપવીતી જણાવી રહ્‍યહ્યા છે.

અંતમાં શ્રી સાગઠીયા અને રાજાણીએ જણાવ્‍યું હતું કે, કમિશનરશ્રી દ્વારા દરેક વોર્ડમાં વિઝીટ લેવાની હોવા છતાં પણ અનેક વોર્ડમાં હજુ સુધી તેમના પાવન પગલા પડયા નથી તેમજ ફાઇલો ચેક કરી સહી કરવાને બદલે વોર્ડની મુલાકાતે આવવાનું જણાવેલ, પરંતુ સમય આપ્‍યા પછી પણ દસથી પંદર દિવસ થાય તો પણ વોર્ડની મુલાકાતે જતા નથી અને ફાઇલો એમનમ ધૂળ ખાતી પડી રહી છે. જો કમિશનરશ્રી જલ્‍દીથી વિકાસના કામોની ફાઇલો અટકાવશે તો ના છૂટકે કમિશનરશ્રીની ચેમ્‍બરમાં જ ધરણાના કાર્યક્રમની ચીમકી ઉચચારવામાં આવી છે.

(3:09 pm IST)