Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

રિક્ષામાં બેસાડી મુસાફરોના ખિસ્સા કાપતાં ચેતન અને અનિલ પકડાયા

ગાંધીગ્રામના દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ જાડેજા અને ગોપાલ પાટીલની બાતમી

રાજકોટ તા. ૧૮: મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી પૈસા ચોરી લેતી ટોળકીના બે શખ્સને ગાંધીગ્રામ પોલીસે પકડી લીધા છે.

સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક પાછળ ભરવાડની ઓરડીમાં રહેતો ચેતન પ્રવિણભાઇ રાઠોડ (દેવીપૂજક) (ઉ.૨૩) તથા ભગવતીપરા-૫માં દિલીપભાઇના મકાનમાં રહેતો અનિલ રમેશભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.૩૨) મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચુકવી પૈસા ચોરી લેતાં હોવાની  બાતમી ગાંધીગ્રામ ડી. સ્ટાફના દિવ્યરાજસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ ગોહિલ અને ગોપાલભાઇ પાટીલને મળતાં બંનેને ઇન્દિરા સર્કલ નજીકથી ઝડપી લેતાં તેની પાસેથી રૂ. ૧૫ હજારની રોકડ મળી હતી. આ પૈસા બાબતે યોગ્ય ખુસાસો ન કરી શકતાં બંનેને સકંજામાં લઇ જીજે૦૩એએકસ-૫૬૩૪ નંબરની રિક્ષા કબ્જે કરવામાં આવી હતી.

આ બંને કોઇપણ જગ્યાએથી મુસાફરને રિક્ષામાં બેસાડતાં અને એ પછી એક શખ્સ મુસાફરો સાથે બેસી જઇ ધક્કામુક્કી કરી નજર ચુકવી પૈસા પર્સ સેરવી લેતો હતો. પછી થોડે આગળ જઇ ઉતારી મુકતા હતાં.  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના હેઠળ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. સંતોષભાઇ મોરી, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ, દિગ્વીજયસિંહ, હાર્દિકસિંહ પરમાર, કનુભાઇ બસીયા, દિનેશભાઇ વહાણીયા સહિતે આ કામગીરી કરી હતી. પકડાયેલા બંને હાલ કોઇ વિશેષ ગુના કબુલતા ન હોઇ પુછતાછ થઇ રહી છે.

(10:02 am IST)