Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મંગેતરને મળીને પરત આવી રહેલા નિલકંઠ પાર્કના જાવેદ ડેલાનું 'હિટ એન્ડ રન'માં મોત

લોધીકાના પીપર ગામેથી પરત આવતી વખતે છાપરાની ગોળાઇમાં અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ દિવાળી બાદ શાદી થવાની હતીઃ સુમરા પરિવારમાં માતમ : મંગેતરએ જાવેદ ઘરે પહોંચ્યા કે કેમ? તે જાણવા ફોન કરતાં તેને અકસ્માત નડ્યાની ખબર પડી

રાજકોટ તા. ૧૮: લોધીકાના છાપરા ગામની ગોળાઇમાં 'હિટ એન્ડ રન'ની ઘટનામાં કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક-૩ના સુમરા યુવાન જાવેદભાઇ મામદભાઇ ડેલા (ઉ.૨૭)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ નિલકંઠ પાર્કમાં રહેતો અને ગ્રાફિકનું કામ કરતો જાવેદભાઇ ડેલા ગઇકાલે કામ સબબ છાપરા ગામે અને ત્યાંથી પીપર ગામે મંગેતરના ઘરે તેણીને મળવા ગયો હતો. પરત રાજકોટ આવતી વખતે છાપરા ગામની ગોળાઇમાં કોઇ વાહનનો ચાલક બાઇકને ઠોકર મારી ભાગી ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં જાવેદભાઇને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાદમાં ગોકુલ હોસ્પિટલમાં અને ત્યાંથી પરત સિવિલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલાએ લોધીકા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર જાવેદભાઇ પાંચ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તેની સગાઇ થોડા મહિના પહેલા થઇ હતી અને દિવાળી પછી શાદી થવાની હતી. ગઇકાલે તે મંગતેરને મળીને રાજકોટ આવવા નીકળ્યો ત્યારબાદ મંગતરે થોડા સમય પછી તે ઘરે પહોંચ્યા કે  નહિ તે જાણવા માટે ફોન જોડતાં આ ફોન કોઇ રાહદારીએ રિસીવ કર્યો હતો અને જેનો ફોન છે એ ભાઇને અકસ્માત નડ્યાનું કહેતાં બધા ત્યાં પહોંચ્યા હતાં અને જાવેદભાઇને સારવાર માટે ખસેડ્યો હતો. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. લોધીકા પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(4:10 pm IST)