Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રાજકોટમાં સરકાર મંદબુધ્ધિની બહેનો માટે સંસ્થા શરૂ કરશે

રહેવા-જમવાની વ્યવસ્થાઃ પ્રારંભે સૌરાષ્ટ્રની ૫૦ બાળાઓ-મહિલાઓ માટે જોગવાઇ

રાજકોટ તા.૧૭: રાજય સરકારે રાજકોટમાં સરકારી ધોરણે મંદબુધ્ધીની બહેનો માટે ૧૮.૨૫ લાખના ખર્ચે સંસ્થા શરૂ કરવાનું નક્કી કર્યુ છે આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તા.૧૪ ઓકટોબરે વિભાગના ઉપસચિવ ડી.સી.પટેલની સહીથી પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે વિભાગ હસ્તકની નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી અનાથ, નિરાધાર બાળકો, વિકલાંગો (દિવ્યાંગો), બાળાઓ, વૃધ્ધો માટે સહાય સંભાળ રક્ષણ અને પુનઃ સ્થાપનની કામગીરી કરે છે. સરકારી અને અનુદાનિત સંસ્થાઓ અનાથ નિરાધાર અને સાર સંભાળની જરૂરીયાતવાળા બાળકોને આશ્રય, રક્ષણ, ભોજન, શિક્ષણ અને સલામતીની જરૂરીયાતો પુરી પાડીને સમાજમં પુનઃસ્થાપન કરવાની કામગીરી કરે છે. બિનવારસી રક્ષણ અને સંભાળની જરૂરીયાતવાળી બાળાઓમાં ઘણીવાર મંદબુધ્ધિની બાળાઓ - મહિલાઓ પણ હોય છે જે વિશીષ્ટ પ્રકારની કાળજી માંગી લેતી હોય છે જેને સામાન્ય બાળાઓ-મહિલાઓ સાથે રાખી શકાય નહિં.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી કોઇ સંસ્થા ન હોઇ રાજકોટ ખાતે સરકારી ધોરણે અપંગ બાળગૃહના ખાલી ભાગમાં મંદબુધ્ધિની બાળાઓ-મહિલાઓ માટે સંસ્થા શરૂ કરવા વર્ષ ર૦૧૯-ર૦ ના અંદાજપત્રમાં મંજૂર રહેલ નવી બાબતની રૂ. ૧૮.રપ લાખની જોગવાઇનો ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરીની દરખાસ્તના અનુસંધાને રાજકોટ ખાતે સરકારી ધોરણે અપંગ બાળગૃહના ખાલી ભાગમાં મંદબુધ્ધિની બાળાઓ/મહિલાઓ માટે સંસ્થા શરૂ કરવા માટે રૂ.૧૮.૨૫ લાખની ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

(3:59 pm IST)