Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

૩૨ લાખના ચેક રિટર્ન કેસમાં ૨૦ ટકા રકમ જમા કરાવવાની ફરિયાદીની અરજી રદ

રાજકોટ તા ૧૮  : અત્રે એડી.ચીફ.જયુડી. મેજી.શ્રી આર.બી. ગઢવીએ ૩૨ લાખના ચેક રિટર્ન અંગેની ફરીયાદમાં આરોપીને બચાવનો હક્ક આપતા પહેલા ૨૦ ટકા રકમ જમા કરાવવાની ફરીયાદીની અરજી નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ આવકાર હેરીટેઝના રહેવાસી મોહીતભાઇ વલ્લભભાઇ ગઢીયા કે જે રાજકોટમાં ઇમીટેશન કાસ્ટીંગ અંગેનો વેપાર ધંધો કરે છે તેઓ એ મુંબઇના રહેવાસી ખેમસીંગ રામસીંગ રાજપુત વિરૂધ્ધ રાજકોટ કોર્ટમાં ૩૨ લાખના ચેક રિટર્ન અંગેની ફરીયાદ કરેલ છે, જે ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીએ આરોપીને વર્ષ ૨૦૧૭ તથા ૨૦૧૮માં ૩૨ લાખ રૂપિયા હાથ ઉછીના આપેલ હતા, જે રકમની ચુકવણી પેટે આરોપીએ ફરીયાદીને ચેક આપેલ, જે ચેક રીટર્ન થતા ફરીયાદ કરેલ હતી. જે ફરીયાદની ટ્રાયલ ચાલતા ફરીયાદીએ હાલમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કાયદામાં થયેલ એમેન્ડમેન્ટ મુજબ આરોપીને બચાવનો હક્ક આપતા પહેલા ૨૦ ટકા  રકમ જમા કરાવવા અરજી આપેલ હતી અને જો આરોપી ૨૦ ટકા રકમ ન ભરે તો તેને બચાવનો હકક આપ્યા વીના કેસ આગળ ચલાવી પૂર્ણ કરવા ફરીયાદીએ તેના વકીલશ્રી મારફત અરજી આપેલ હતી, જે અરજીની  સુનાવણી દરમ્યાન આરોપીના વકીલશ્રી સંજય એચ. પંડિતે કરેલ ધારદાર દલીલો ગ્રાહય રાખી ફરીયાદીની અરજી ના મંજુર કરેલ છે અને આરોપીને  એક પણ રૂપીયો હાલ કોર્ટમાં જમા કરાવ્યા વીના બચાવનો હક્ક કાયમ રાખેલ છે.

આ કામે આરોપી વતી વકીલશ્રી સંજય એચ. પંડિત રોકાયેલ છે.

(3:53 pm IST)