Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ફટાકડાના લાયસન્સ માટે પોલીસ પાસે ૩૦૫ અને એનઓસી મેળવવા ફાયર બ્રિગેડ પાસે ૪૫ અરજીઓ

રાજકોટ તા. ૧૮: તહેવાર પ્રિય રાજકોટીયનો ગમે તે તહેવાર હોય હર્ષોલ્લાસથી, રંગેચંગે ઉજવવા માટે જાણીતા છે. મંદીના માહોલ વચ્ચે પણ છેલ્લા દિવસોમાં દિવાળી-નવા વર્ષને લગતી ખરીદીમાં ધમધોકાર ઘરાકી નીકળી પડશે. બીજી તરફ આ તહેવારમાં કમાણી કરવા માટે ફટાકડાના નાના મોટા ધંધાર્થીઓ પણ મેદાનમાં આવી ગયા છે. જો કે ફટાકડા વેંચવા માટે નિયમ મુજબ પોલીસ-ફાયર બ્રિગેડ પાસેથી એનઓસી લેવા પડે છે અને જરૂરી મંજુરી લેવી પડે છે. અમુક મોટા ધંધાર્થીઓ તો વાર્ષિક લાયસન્સ મેળવી લેતા હોય છે. એ સિવાયના છુટક કે સિઝનલ ધંધાર્થીઓને ફટાકડા વેંચવા હોય તો તે માટેની પ્રક્રિયા કરવી પડે છે. પોલીસમાં અરજી આપવા ઉપરાંત ફાયર બ્રિગેડમાં પણ અરજી કરવી પડે છે. બંને તંત્ર જરૂરી કાર્યવાહી, તપાસ બાદ કામચલાઉ મંજુરી અને લાયસન્સ આપે છે. રાજકોટમાં આજના દિવસ સુધીમાં ફાયર બ્રિગેડ પાસે ફટાકડા વેંચવા માટે એનઓસી માટેની ૪૫ અરજીઓ આવી છે. પોલીસની લાયસન્સ બ્રાંચમાં ૩૦૫ અરજીઓ આવી છે અને હજુ આવક ચાલુ છે.  દિવાળી-નૂતનવર્ષ પર્વ આડે હવે ગણીને આઠ દિવસ બાકી રહ્યા છે. તેમ છતાં બજારોમાં હજુ માહોલ જામ્યો નથી. જો કે મંદીના માહોલ વચ્ચે પણ વેપારીઓને આશા છે કે જે રીતે રાજકોટીયનો ઉજવણીપ્રિય છે તે જોતાં છેલ્લા દિવસોમાં ભરપુર ઘરાકી નીકળી પડશે.  દિવાળીમાં દર વર્ષે કરોડોના ફટાકડા ફોડી નાંખવામાં આવતાં હોય છે. ફટાકડાના ધંધામાં સારો નફો રહેતો હોવાનું જાણકારો કહે છે. આ કારણે આ તહેવાર પર નાના મોટા સેંકડો વેપારીઓ ફટાકડા વેંચતા થઇ જાય છે. જો કે મંજુરી લેવી પડતી હોવા છતાં તહેવારને એકાદ-બે દિવસની વાર હોય ત્યારે મંજુરી વગર પણ ફટાકડાનું વેંચાણ લારીઓ-સ્ટોલમાં થવા માંડતું હોય છે. પોલીસ પણ નાના માણસો બે પૈસા કમાતા હોય તો જતુ કરવાની અને કયારેક થોડી-ઘણી બાંધછોડ કરી ફટાકડાનું વેંચાણ કરવા દે છે.

આજના દિવસ સુધીમાં ફાયર બ્રિગેડ પાસે ફટાકડા વેંચાણ માટે એનઓસી માટેની ૪૫ અરજીઓ આવી છે. તો પોલીસની લાયસન્સ બ્રાંચમાં  ૩૦૫ અરજીઓ આવી છે. હજુ થોડા દિવસ અરજીઓની આવક ચાલુ રહેશે. તેમ જાણવા મળ્યું છે. લાયસન્સ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ. એસ.આર. પટેલ  અને મદદનીશ અશોકભાઇ કલોતરા સહિતની ટીમ જે અરજીઓ આવે તેને જે તે વિસ્તારના પોલીસ મથકના પીઆઇશ્રીના અભિપ્રાય માટે મોકલી આપે છે. ત્યાંથી અભિપ્રાય આવ્યા બાદ આ અરજીઓ જોઇન્ટ પોલીસ કમિશનર પાસે પહોંચે છે. એ પછી લાયસન્સ મંજુર થતું હોય છે.

સુરતમાં પોલીસ કમિશનરે દિવાળીના તહેવાર અંતર્ગત રાતે ૧૦ વાગ્યા પછી જાહેરમાં આતશબાજી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર તરફથી આવતી કાલે અથવા સોમવારે જાહેરનામુ બહાર પડવાની શકયતા છે.

બીજી તરફ નાના-મોટા વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી દર વર્ષે મંડપ-છાજલી માટે પણ હજારો અરજીઓ આવતી રહે છે અને મંજુર થાય છે. પરંતુ આ વર્ષે હજુ માત્ર ૫૦૦ આસપાસ વેપારીઓઓેજ મંજુરી માંગી છે. અત્રે એ પણ નોંધનીય છે કે ગત વર્ષે મંડપ-છાજલીના ભાડાથી ૭૮ લાખ જેટલી આવક થયેલ. જેની સામે આ વર્ષે માંડ ૬૦ લાખ સુધી આવક પહોંચશે તેવો અંદાજ અધિકારીઓ લગાવી રહ્યા છે.

(3:53 pm IST)