Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વાહનચોરીના ૮ ગુનાનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચઃ સમીર, અર્જૂન અને એક સગીર ઝડપાયા

છેલ્લા ત્રણ મહિનામાં વાહનો ચોરી કરી ફેરવતા'તાઃ વેંચવા માટે ગ્રાહકો શોધે એ પહેલા પોલીસે દબોચી લીધા : હેન્ડલ લોક વગરના વાહનો જ ઉઠાવતા : પીએસઆઇ પી.એમ. ધાખડાની ટીમના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ શેખ, કોન્સ. યોગીરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૮: શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ-અલગ સ્થળેથી આઠ વાહનોની ચોરી કરનારા એક સગીર સહિત ત્રણને ક્રાઇમ બ્રાંચે પકડી લઇ વાહનો કબ્જે લીધા છે. મોજશોખ માટે આ ત્રણેય હેન્ડલ લોક કર્યા ન હોય તેવા વાહનો ઉઠાવીને ફેરવતા હતાં. આ વાહનોની વેંચવાની પેરવી શરૂ કરી હતી ત્યાં જ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ શેખ અને કોન્સ. યોગીરાજસિંહ જાડેજાને બાતમી મળી જતાં ત્રણેયને પકડી લેવાયા હતાં.

પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર તથા અન્ય બે ઉઠાવગીર સમીર યુનુસભાઇ સમા (ઉ.૧૯-રહે. કુંભનાથપરા, કુંભેશ્વર મંદિર પાછળ કાલાવડ) તથા અર્જુન બાબુભાઇ માખેલા (ઉ.૨૧-રહે. ખોડિયારપરા ગરબી ચોક, કાલાવડ)ને શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન પાસેથી પકડી શંકાસ્પદ વાહન સાથે પકડ્યા બાદ વિશેષ પુછતાછમાં આઠ વાહનોની ચોરી કર્યાનું કબુલ્યું હતું.

આ ત્રણેયે મોરબી રોડ બાયપાસ પરથી સ્વામિનારાયણ ઉત્સવના સ્થળેથી એક બાઇક ચોરી ફેરવીને રેઢુ મુકી દીધું હતું. એ પછી ગયા જુન મહિનામાં કેકેવી હોલ રીબોક શો રૂમવાળી શેરીમાંથી બાઇક ચોરી મિત્ર લતીફને ફેરવવા આપી દીધુ હતું. આ બાઇક એ-ડિવીઝન પોલીસે ડિટેનઇ કર્યુ હતું. આ ઉપરાંત જુન મહિનામાં શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન ખાતેથી એક બાઇક, જામનગર મહાપ્રભુજીની બેઠક પાસેથી એક બાઇક, જુલાઇ મહિનામાં શાસ્ત્રી મેદાનમાંથી એક બાઇક, ઓગષ્ટ મહિનામાં ફરીથી શાસ્ત્રી મેદાનમાંથી એક બાઇક, એ પછી ઇન્કમટેકસ ઓફિસ પાછળથી એક બાઇકની ચોરી કરી હતી. આ બાઇક ચોરી કરી શાસ્ત્રી મેદાન પાસે રાખી દેતાં ટોઇંગ કરવામાં આવ્યું હતું. જેની તપાસ થતાં આ બાઇક ચોરી થયાની ખબર પડી હતી. આ ઉપરાંત અન્ય એક બાઇક વીસેક દિવસ પહેલા શાસ્ત્રી મેદાન બસ સ્ટેશન પાસેથી ચોરી કર્યુ હતું.

આ ત્રણેય શખ્સો હેન્ડલ લોક ન હોય તેવા બાઇક જ ચોરતાં હતાં. તાલુકા, એ-ડિવીઝન, જામનગર, પ્ર.નગર પોલીસ મથકોમાં નોંધાયેલા ૭ વાહનચોરીના ગુના ડિટેકટ થયા છે. સમીર છુટક કામ કરે છે અને અર્જુન કેબલ ડિશ્કનો ધંધો કરે છે. ફેરવવા માટે બાઇક ચોરી કર્યા હતાં. હાલમાં તહેવારો આવતાં હોઇ રોકડી કરવા માટે અમુક બાઇક વેંચવાની પેરવી કરી હતી. પણ ગ્રાહક મળે એ પહેલા પોલીસ મળી ગઇ હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કોન્સ. યોગીરાજસિંહ જાડેજા, સોકતખાન ખોરમ સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(3:52 pm IST)