Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ખોડિયાર હોટલે ધમાલ મચાવનારો સદામ દબોચાયોઃ ક્રાઇમ બ્રાંચે ચોકમાં લાવી પુછપરછ કરીઃ હાથ જોડી માફી માંગી

ગઇકાલે સવારે ઉઘરાણી કરી હોટેલવાળાએ લાફો મારી લેતાં ગુસ્સો ચડતાં બે સાગ્રીતો સાથે મળી બોટલોના ઘા કર્યાનું રટણઃ ફૂલછાબ ચોકમાં પોલીસની કાર્યવાહી જોવા લોકોના ટોળા ભેગા થયા : ક્રાઇમ બ્રાંચના સમીરભાઇ શેખ, અજીતસિંહ પરમાર અને મહેશભાઇ મંડની બાતમી પરથી ભગવતીપરામાંથી પકડી લેવાયો

તસ્વીરમાં ઝડપાયેલો સદામ, તેને ફુલછાબ ચોકમાં લઇ જઇ પુછતાછ કરવામાં આવી તે દ્રશ્યો, હોટલ સંચાલક સામે તેણે હાથ જોડ્યા તે અને પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ અતુલ સોનારા, પીએસઆઇ પી.એમ. ધાખડા, પીએસઆઇ જોગરાણા, પીએસઆઇ ઉનડકટ,  વિજયસિંહ ઝાલા, અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખઅને ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: ગઇકાલે બપોર બાદ ફુલછાબ ચોકમાં આવેલી ખોડિયાર હોટલ નામની દૂકાને ભીલવાસ પાસેના ખાટકીવાસમાં રહેતાં સદામ હુશેનભાઇ કટારીયા અને બીજા ચાર શખ્સોએ ધમાલ મચાવી કાચની બોટલોના ઘા કરી સંચાલકને ધોકાથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અગાઉના બાકી નીકળતા ચા-નાસ્તાના પૈસાની સંચાલકે ઉઘરાણી કરતાં માથાકુટ થયાનું ગઇકાલે હોટલ સંચાલક નારણભાઇ દાનાભાઇ ભુવા (ભરવાડ) (રહે. ભારતીનગર ગાંધીગ્રામ)એ ફરિયાદમાં જણાવ્યું હતું. દરમિયાન આજે બપોરે સદામને ભગવતીપરાના ધોળીયા પુલ પાસેથી ક્રાઇમ બ્રાંચે દબોચી લઇ ફુલછાબ ચોકમાં હોટલ પાસે તથા સદરના રસ્તા પર તેને ફેરવી પુછપરછ કરી હતી. સદામે હોટેલ સંચાલક સામે હાથ જોડી માફી માંગી હતી. પોલીસની આ કાર્યવાહી જોવા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

ગઇકાલે ઘટના બાદ પ્ર.નગર પોલીસે નારણભાઇ ભરવાડની ફરિયાદ પરથી સદામ સહિતના શખ્સો વિરૂધ્ધ આઇપીસી ૧૨૦ (બી), ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨), ૩૩૭, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. સદામ અવાર-નવાર આ હોટલે આવી ચા નાસ્તો કરતો હોઇ અને પૈસા બાકી રાખતો હોઇ ગઇકાલે સવારે પણ ચા-નાસ્તો કર્યા બાદ પૈસા ન ચુકવતાં સંચાલક નારણભાઇએ પૈસાની ઉઘરાણી કરતાં તેણે અમારા પૈસા ન હોય તેમ કહી ખેલ કર્યા હતાં અને જતો રહ્યો હતો. એ પછી બપોર બાદ કાવત્રુ ઘડી બીજા શખ્સોને સાથે રાખી હોટલમાં સોડા બોટલોના ઘા કર્યા હતાં અને ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં હોટલમાં નુકસાન થવા ઉપરાંત કર્મચારી મુન્નાભાઇને ઇજા થઇ હતી. લોકો છોડાવવા આવતાં તેને પણ ધોકા બતાવી અમારી વચ્ચે કોઇ આવશો તો તમને પણ પતાવી દઇશું...તેવા હાકલા પડકારા કરી સીન જમાવતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

ભાગી છૂટેલા સદામ સહિતને શોધવા પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયાની ટીમ તથા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીની ટીમ કામે લાગી હતી. દરમિયાન હેડકોન્સ. સમીરભાઇ શેખ, કોન્સ. અજીતસિંહ પરમાર અને મહેશભાઇ મંઢની બાતમી પરથી પીએસઆઇ એ.એસ. સોનારા, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, મુકેશભાઇ, નિશાંતભાઇ તથા જેને બાતમી મળી એ તમામે મળી ભગવતીપરામાંથી સદામને દબોચી લીધો હતો. તેને જ્યાં ડખ્ખો કર્યો હતો એ હોટલે લઇ જઇ તેમજ રોડ પર ફેરવી પુછતાછ કરવામાં આવી હતી. સદામે હોટલ સંચાલક સામે હાથ જોડી માફી માંગી હતી. તેની સાથેના શખ્સોની પ્ર.નગર પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સદામે એવું રટણ કર્યુ હતું કે પોતે રખડતું જીવન જીવે છે અને ઘણા સમયથી આ હોટલમાં ચા-નાસ્તો કરતો રહે છે. તેનો મિત્ર રાજો જે જેલમાં હોઇ તે બહાર આવે ત્યારે હોટેલના બાકી નાણા ચુકવે છે. હાલમાં ઘણા સમયથી તે જેલમાંથી પેરોલ પર આવ્યો ન હોઇ જેથી રકમ ચડત થઇ ગઇ હતી અને ગઇકાલે સવારે પોતાને ઉઘરાણી માટે ભરવાડભાઇએ લાફો મારી લેતાં ગુસ્સો ચડતાં બપોર બાદ મિત્રોને લઇ હોટોલ ખાતે પહોંચ્યો હતો અને ધમાલ કરી હતી.

(3:52 pm IST)
  • સીરિયામાં યુદ્ધ વિરામને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચે સમજૂતી : સીરિયામાં આગામી પાંચ દિવસ તુર્કીમાં કોઈપણ સૈન્ય ઓપરેશન નહિ કરે : અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પૅસે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે તુર્કી ઉતરી સીરિયામાં પોતાનું સૈન્ય અભિયાનને આગામી 120 કલાક સુધી રોકશે : અમેરિકા કુર્દદળને વ્યવસ્થિત રીતે વાપસી કરવામાં મદદ કરશે access_time 1:11 am IST

  • તા.૨૦ થી ૨૩ માવઠુ થશે : ખેડૂતો સાવચેત રહે : આ મહિનાના અંતમાં પણ વાતાવરણ અસ્થિર બનશે! : વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે કે અરબી સમુદ્રમાં અપરએર સાયકલોનીક સરકયુલેશનની અસરથી તા.૨૦ થી ૨૩ (રવિથી બુધ) વાતાવરણ અસ્થિર બનશે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શકયતા છે. દરમિયાન હાલના અનુમાન મુજબ આ મહિનાના અંતમાં એક મજબૂત સિસ્ટમ્સની અસર તળે રાજયના ઓછા વધુ વિસ્તારમાં માવઠાની સંભાવના છે access_time 1:26 pm IST

  • પાકિસ્તાનને FATF થી નથી મળી રાહતઃ ર૭માંથી રર પોઇન્ટ પર ફેલ ગણાવતા તેને પ્રગતિ કરવા જણાવ્યું જલ્દી કરો નહિતર બ્લેક લિસ્ટમાં સ્થાન નકકી છે. access_time 3:54 pm IST