Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સુંદરકાંડ ભવનમાં કાલે પાટોત્સવ ઉજવાશે

'શ્રી રામ જય રામ જય જય રામ'ની ૧૨ કલાક અખંડ ધૂન : વધાઈ આરતી દર્શન - આતશબાજી : હનુમાન ભકતોને દર્શનનો લાભ લેવા કોઠારી દિલીપ ત્રિવેદીનું આમંત્રણ

રાજકોટ : અહિં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર 'શ્રી સુંદરકાંડ ભવન' પરસાણાનગર મેઈન રોડ, શ્રી કષ્ટભંજનદેવ દાદાના શ્રી સુંદરકાંડ ભવનના નીજ મંદિરમાં આવતીકાલે શનિવારે તા.૧૯ના આસોવદી પાંચમ (પ્રાગટ્ય દિન)ની ઉજવણી નિમિતે સવારના પૂજનવિધિ બાદ દર્શન ખુલશે. સવારના ૯ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી 'શ્રી રામ જયરામ જય જય રામ'ની અખંડ ૧૨ કલાકની શ્રી રામધૂનથી વાતાવરણ પવિત્ર તેમજ રામમય થઈ જશે તથા બપોરના ૧૨:૩૦ કલાકે વધાઈ આરતી દર્શન થશે.

સાંજના ૭:૪૫ વાગ્યે સંપૂર્ણ રજવાડી ઠાઠમાં બિરાજમાન થયેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી આરંભ થશે બંને સમયે સવારની આરતી તથા સાંજની આરતી સમયે શંખ, ઝાલર, બ્યુગલ તથા ઘંટના રણકાર તથા નગારાની નાદે ફટાકડાની આતશબાજી સાથે સ્થાપનાદિનની ઉજવણી થશે. શ્રી સુંદરકાંડ ભવન સંપૂર્ણ લાઈટ ડેકોરેશન તથા સુગંધથી મહેકતા પારીજાતના પુષ્પો તથા આસોપાલવથી શણગારવામાં આવશે.

'શ્રી સુંદરકાંડ ભવન' પારિજાતના પુષ્પોથી મહેકતા તથા શ્રી રામમય તેમજ દાદામય વાતાવરણમાં શ્રી દાદાના દર્શન સવારથી રાત્રી સુધી ખુલ્લા રહેશે.

રાજકોટની સર્વે ધર્મપ્રેમી જનતાને પાવનકારી ગંગાના પવિત્ર વહેતા પ્રવાહમાં ડુબકી મારી પવિત્ર થવા, કષ્ટને દૂર કરનાર એવા શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શનનો લાભ લેવા મંદિરના કોઠારી દિલીપ હનુશંકર ત્રિવેદી દ્વારા આમંત્રણ અપાયુ છે.(મો.૯૯૯૮૩ ૫૦૦૪૯)

(3:37 pm IST)