Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રવિથી બુધવાર સુધી કોઈપણ બે દિવસ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં માવઠુ થશે : દક્ષિણ ગુજરાતમાં પણ શકયતા

અરબી સમુદ્રનું અપરએર સાયકલોનીક સરકયુલેશન લોપ્રેશરમાં પરિવર્તિત : દક્ષિણ ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ પડશે : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છુટાછવાયા ઝાપટાથી માંડી હળવો વરસાદ : આવતા બે અઠવાડીયા સુધી બંગાળની ખાડી અને અરબી સમુદ્રનો દરિયો સક્રિય રહેશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૮ : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આ વર્ષે ભરપૂર વરસાદ પડ્યો છે. ચોમાસાએ વિદાય લઈ લીધી છે, આમ છતાં પણ આવતા અઠવાડીયાના પ્રારંભે સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં માવઠુ થવાના સંજોગો ઉજળા થયા છે. આવતા રવિવારથી બુધવાર સુધીમાં કોઈપણ બે દિવસ સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારો પોરબંદર જિલ્લો, જૂનાગઢ જિલ્લો, ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લામાં છુટાછવાયા ઝાપટાથી માંડી છુટોછવાયો વરસાદ પડશે. ઉપરાંત આવતા બે અઠવાડીયા સુધી બંગાળની ખાડી અને અરબી સમુદ્રનો દરિયો સક્રિય રહેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ અપરએર સાયકલોનીક સરકયુલેશન લોપ્રેશરમાં પરિવર્તિત થયુ છે. જેનો એરીયા દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ના લેવલ સુધી છે. આ સિસ્ટમ્સમાંથી એક ટ્રફ તેલંગાણા સુધી ૩.૧થી ૫.૮ કિ.મી. સુધી લંબાય છે. આ સિસ્ટમ્સ ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ થોડા દિવસોમાં ગતિ કરશે. જેની અસરથી દક્ષિણ ભારત તેમજ કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદ પડશે.

જયારે તા.૨૦ થી ૨૩ (રવિથી બુધ) દરમિયાન બે દિવસ સૌરાષ્ટ્રના કાંઠાળા જિલ્લાઓ જેમ કે, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ છુટાછવાયા ઝાપટાથી માંડી હળવો વરસાદ પડશે.

ખેડૂતો માટે આગોતરૂ એંધાણ

વિવિધ ફોરકાસ્ટ મોડલોમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો દરિયો આવતા બે અઠવાડીયા સુધી સક્રિય રહેશે તેવુ જણાય છે.

(3:03 pm IST)