Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

નહેરૂનગરમાં ચેતના ચાવડા પતિ-સાસુ-સાસરિયાના ત્રાસથી મરી જવા મજબૂર થઇ'તીઃ સાત સામે ગુનો

ગોંડલના સુલતાનપુર ગામે માવતર ધરાવતી ચમાર યુવતિના શિક્ષક પિતા છગનભાઇ બગડાની ફરિયાદ પરથી ચેતનાના પતિ સુરેશ, સાસુ રંજનબેન, સસરા ગોપાલભાઇ બગડા, દિયર મનોજ, રાકેશ, કાકાજી કિશોર ચાવડા અને મામાજી મુકેશ રાઠોડ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૧૮: નાના મવા રોડ પર નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૧માં પરમ દિવસે ઘારમાં આગ લાગતાં તમામ ઘરવખરી ખાક થઇ ગઇ હતી અને ચેતનાબેન સુરેશ ચાવડા (ઉ.૩૦) નામની ચમાર પરિણીતા ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. ગોંડલના સુલતાનપુરથી આવેલા ચેતનાના પિતા શિક્ષક છગનભાઇ લખુભાઇ બગડાએ દિકરીને ત્રાસ હોવાનો અને તેને સળગાવી દેવામાં આવ્યાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. દરમિયાન પિતાની ફરિયાદ પરથી તેણીના પતિ, સાસુ, સસરા સહિતના ૭ સાસરિયા સામે ચેતનાને ત્રાસ આપી મરી જવા મજબૂર કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ભકિતનગર પોલીસે છગનભાઇ લખુભાઇ બગડા (ઉ.૫૨)ની ફરિયાદ પરથી આપઘાત કરનાર ચેતનાના પતિ સુરેશ ગોપાલભાઇ ચાવડા, સાસુ રંજનબેન ઉર્ફ રાજુબેન, સસરા ગોપાલભાઇ પ્રેમજીભાઇ ચાવડા, દિયર મનોજ ગોપાલભાઇ ચાવડા, માસીજીના દિકરા રાકેશ વિજયભાઇ પરમાર, કાકાજી સસરા કિશોરભાઇ પ્રેમજીભાઇ ચાવડા અને મામાજી મુકેશભાઇ ખોડાભાઇ રાઠોડ સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. 

આપઘાત કરનાર ચેતનાના પિતા છગનભાઇ બગડાએ એવો આક્ષેપ કર્યો હતો કે આગ અકસ્માતે નથી લાગી, અમારી દિકરીને સગળાવી દેવામાં આવી છે. લગ્ન થયા તેના પંદર દિવસ બાદથી જ દિકરીને જમાઇ તરફથી ત્રાસ શરૂ થયો હતો. તેને અમારી દિકરી ગમતી નહોતી. પરિવારજનોના કહેવાથી લગ્ન કર્યાનું તે કહેતો હતો. તે અમારી દિકરીના હાથની બનાવેલી રસોઇ પણ જમતો નહોતો અને તેના ધોયેલા કપડા પણ પહેરતો નહોતો. દિકરીએ અમને વાત કરી હતી.

અમારી દિકરીના પ્રથમ લગ્ન બાબાપુર થયા હતાં. ત્યાં છુટાછેડા થયા હતાં અને આજથી એક વર્ષ પહેલા સુરેશ ગોપાલભાઇ ચાવડા સાથે બીજુ લગ્ન કર્યુ હતું. સુરેશના પણ આ બીજા લગ્ન હતાં. તેની પ્રથમ પત્નિનું મૃત્યું થયું હતું. જમાઇ સુરેશ એચડીએફસી બેંકમાં નોકરી કરે છે. પોલીસ ઉંડી ઉતરી તપાસ કરી સત્ય બહાર લાવે તેવી અમારી માંગણી છે. તેમ વધુમાં છગનભાઇએ કહ્યું હતું. તેઓ ગોંડલના નાના સગપર ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસે તેમની ફરિયાદ પરથી ચેતનાના પતિ સહિત સાત સાસરિયા સામે ગુનો નોંધ્યો છે. ચેતનાના મૃતદેહને અંતિમવિધી માટે માવતર સુલતાનપુર લઇ જવાયો હતો.

(1:39 pm IST)