Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટોમાં ૧૦ જજોની નિમણુંક કરાઇ

સહકારી ક્ષેત્રની કોર્ટોને હવે ઝડપી ન્યાય મળશેઃ વકીલોની હડતાલની અસરથી સરકાર જાગીઃ બાકીની નિમણુંકો પણ ચાલુ માસના અંત સુધીમાં ખાત્રી અપાઇઃ એડવોકેટ મહેન્દ્રભાઇ ફડદુ

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ શહેરનાં સહકારી ક્ષેત્રનાં અગ્રગણ્ય અને સીનીયર એડવોકેટ શ્રી મહેન્દ્રભાઇ ફડદુએ જણાવેલ છે કે, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બારનાં વકીલોએ બોર્ડ ઓફ નોમીનીઝ અને એપેલેન્ટ ટ્રીબ્યુનલમાં ફેબ્રુઆરી-ર૦૧૯ થી કોઇપણ નિમણુંક ન કરીને આઠ મહિનાથી સરકાર દ્વારા ઠપ્પ કરી દેવામાં આવેલા તંત્ર સામે વિરોધ નોંધાવીને પાડેલી હડતાલને પરીણામે સરકારને ૧૮ માંથી ૧૦ બોર્ડ ઓફ નોમીનીઝમાં નિમણુંક કરવાની ફરજ પડી છે. આમ વકીલો તથા સહકારી સંસ્થાઓનો વિજય થયેલ છે.

બોર્ડ ઓફ નોમીનીઝમાં સરકારનાં નિવૃત અધિકારીઓની નહી, પરંતુ કાયદાનું ઉંડુ જ્ઞાન ધરાવતા અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા લોકોની નિમણુંક કરવાની ગુજરાત કો-ઓપરેટીવ બારનાં વકીલોએ માંગણી કરી હતી. સરકાર તેમનાં નિવૃત અધિકરીઓને આ હોદા પર ગોઠવવા માંગતી હતી તેની સામે વકીલોનો વિરોધ હતો તેથી આ નિમણુંક થવામાં ડખા થયા કરતાં હતાં. આમ એડવોકેટો હંમેશા એવુ જ ઇચ્છતા હતા કે કાયદાકીય બોડીમાં કાયદાકીય અનુભવી લોકો આવવા જરૂરી છે.

વિશેષમાં શ્રી મહેન્દ્રભાઇ ફડદુ એ જણાવેલ કે, ગત ૧૬મી ઓકટોબરે એટલે કે બુધવારે સરકારે ૧૮ માંથી ૧૦ બોર્ડ ઓફ નોમીનીઝમાં નિમણુંક કરી દીધી છે. વડોદરા બોર્ડ ઓફ નોમીનીઝના સંયુકત રનીસ્ટ્રાર અને સભ્ય તરીકે તથા વડોદરા બોર્ડ ઓફ નોમીનીઝના નાયબ રજીસ્ટ્રાર અને સભ્ય તરીકેની જવાબદારી એચ.પી. ભટ્ટને સોંપવામાં આવી છે.

આજ રીતે અમદાવાદની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ નંબર-૧ ના સંયુકત રજીસ્ટ્રાર અને સભ્ય તરીકે તથા કોર્ટ નંબર-૪ ના નાયબ રજીસ્ટ્રાર અને સભ્ય તરીકે વી.એફ. ભાટની નિમણુંક કરવામાં આવી છે. વલસાડની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના સંયુકત રજીસ્ટ્રાર અને સભ્ય તથા ભાવનગરની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના સંયુકત રજીસ્ટ્રાર અને સભ્ય તરીકે આર. એસ રાજગુરૂની નિમણુંક કરવામાં આવી છે.

મહેસાણાની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં સંયુકત રજીસ્ટ્રાર અને સભ્ય તરીકે તથા રાજકોટની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટનાં નાયબ રજીસ્ટ્રાર અને સભ્ય તરીકે કે.કે.પટેલની નિમણુંક કરવામાં આવી છે આ જ રીતે આણંદની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં સંયુકત રજીસ્ટ્રાર અને સભ્ય તરીકે તથા ગોધરાની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના સંયુકત રજીસ્ટ્રાર અને સભ્ય તરીકે પી.પી.પરમાર નિમણુંક કરી છે.

મહેન્દ્રભાઇ ફડદુએ આ હડતાલમાં સાથ અને સહકાર આપવા બદલ સૌરાષ્ટ્ર-કચ્છનાં તમામ એડવોકેટઓ, સહકારી સંસ્થાઓ, સભાસદો અને લાગતા વળગતા તમામ અસીલોનો ખુબ આભાર વ્યકત કરેલ છે અને જે જે લોકોને હડતાલ સબબ હાડમારી પડેલછે તેમની ક્ષમા પણ માંગેલ છે અને ભવિષ્યમાં સહકારી ક્ષેત્રની તમામ કામગીરીઓમાં આવોને આવો જ સાથ સહકાર મળતો રહે તેવી લાગણી વ્યકત કેરલ છે.

મહેન્દ્ર ફડદુએ હંમેશા સહકારી સંસ્થાઓને પડતી નાની મોટી મુશ્કેલીઓમાં એડવોકેટના બદલે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે તેમની સાથે રહીને જરૂરી સાથ સહકાર આપતા આવેલ છે ભવિષ્યમાં જરૂરીયાત મુજબ અલગ અલગ ક્ષેત્રનાં અલગ અલગ સંસ્થાઓનાં ફેડરેશન બનાવવાની જરૂરીયાત ઉભી થશે તો તે પણ કરવાની મહેન્દ્રભાઇ ફડદુએ તૈયારીઓ કરેલ છે.(પ.૧૩)

(11:34 am IST)