Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શિલ્પન ઓનીક્ષ સંગ નવરાત્રીનો રંગ, હૈયે ઉમંગ

તારા વિના શ્યામ મને એકલડું લાગે... રાસે રમવાને શિલ્પન ઓનીક્ષમાં વ્હેલો આવજે....

રાજકોટ : જગતજનની માં આદ્યાશકિતની આરાધનાનું મહા મંગલમય પર્વ આસો નવરાત્રી. સમી સાંજ પડતા જ શેરી, ચોક જાણે ચાચર ચોક બન્યા હોય તેમ ધૂપ - દીપ, દુહા, છંદ, સ્તુતિ, લોકગીત સંગ સમગ્ર માહોલ દિવ્ય તેજોમય બની જાય છે અને લોકો ભાવપૂર્વક 'મામ્પાહી ઁ ભગવતી ભવદુઃખ કાપો', 'યા દેવી સર્વભૂતેષુ, શકિતરૂપેણ સંસ્થીતા, નમસ્ત્યૈ નમસ્તસ્યૈ નમો નમ...:' શ્લોકનો મંત્રોચ્ચાર કરી ધન્યતા અનુભવે છે. શહેરના યુનિવર્સિટી રોડ, કિડની હોસ્પિટલ સામે આવેલ શિલ્પન ઓનિક્ષ પરિવાર દ્વારા પ્રથમવાર આસો નવરાત્રી પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શિલ્પન ઓનીક્ષ પરીવાર દ્વારા નવરાત્રી મંગલ મહોત્સવ - ૨૦૧૮નું તા.૧૦થી તા.૧૮ ઓકટોબર સુધી કરવામાં આવ્યું છે. શિલ્પન ઓનીક્ષ પરીસરમાં કલબ હાઉસમાં માં જગદંબાની દિવ્ય મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. જયાં રાત્રીના ૯ કલાકે અને રાત્રીના ૧૨ કલાકે સૌ ભાઈઓ - બહેનો અને ભુલકાઓ ઁ જય આદ્યાશકિત, માં જય આદ્યાશકિતની આરતી ગાય છે. બાદમાં માતાજી સન્મુખ મંડપમાં નાની બાળાઓ અને નાના ભુલકાઓ ૯ થી ૧૦ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. ભુલકાઓના ગરબા સંપન્ન થયા બાદ રાત્રીના ૧૦ થી ૧૨ ભાઈઓ - બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ બની લાઈવ ઓરકેસ્ટ્રાના સૂરીલા સૂરો સંગ મસ્ત અવનવા સ્ટેપ ઉપર ગરબે ઘૂમી યાદગાર સંભારણું અંકે કરી રહ્યા છે. શિલ્પન ઓનીક્ષ પરીવાર  દ્વારા આયોજીત નવરાત્રી મંગલ મહોત્સવ સોસાયટીના પ્રમુખ અને 'સિમ્પલ લીવીંગ હાઈ થીંકીંગ'ની આભા સમાન શ્રી વિનેશભાઈ માકડીયાના નેતૃત્વમાં યોજાઈ રહ્યો છે. જેમાં સૌ રહેવાસીઓ તન - મન - ધનથી સહયોગ આપી રહ્યા છે.

લાઈવ ઓરકેસ્ટ્રાના ચુનંદા સાજીંદાઓ અને ગાયકોની લયબદ્ધતાથી ખેલૈયાઓ જોમ અને જુસ્સાથી રાસગરબાની રમઝટ બોલાવે છે. રાત્રીના આરતી બાદ પ્રસાદનો પણ રહેવાસીઓ લાભ લઈ રહ્યા છે.(૩૭.૬)

(3:47 pm IST)