Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

પૂ. નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી ઉપાસના સંજયભાઇ શેઠ તથા આરાધના મનોજભાઇ ડેલીવાળા ૯ ડિસેમ્બરે દિક્ષા ગ્રહણ કરશે

મુમુક્ષોઓનો દિક્ષા આજ્ઞા અર્પણ અવસર યોજાયો

રાજકોટઃ તા.૧૮, રાજકોટ રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘની પાવન અને પવિત્ર ભૂમિ ઉપર ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ,રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ સહિત ૭૫ પૂ.સંત-સતીજીઓનું ઐતિહાસિક સમૂહ ચાતુર્માસ જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તપથી ધર્મોલ્લાસ સાથે પસાર થઈ રહ્યું છે. ચાતુર્માસમાં સેવા, પરોપકાર, જીવદયા, માનવતા, જ્ઞાન શિબિર, યુવા શિબિર, આગમ વાચણી સહિત અનેકવિધ ધર્મભીના સુંદર આયોજનો થઈ રહ્યાં છે.

પૂ.ગુરૂદેવ નમ્રમુનિ મ.સા. એ દિક્ષા તા.૯ ડિસેમ્બર રેસકોર્ષ આતે યોજવાનું પોતાના શ્રીમુખે જાહેર કરતા ડુંગર દરબારમાં હર્ષ છવાય ગયેલ. સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા મહાવીરનગર સંધના ઉપક્રમે આ દિક્ષા મહોત્સવ યોજાશે. તા.૨ ડિસેમ્બરથી અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોની શુભ શરૂઆત થશે.

ચાતુર્માસની ફળશ્રુતિ રૂપે એક સાથે બબ્બે આત્માઓ સંયમ ધર્મનો સ્વીકાર કરવા તત્પર બન્યાં છે.  શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ  કાંતિભાઈ શેઠની પૌત્રી મુમુક્ષુ  ઉપાસનાબેન સંજયભાઈ શેઠ એટલે ધનાઢ્ય કુટુંબમાં જન્મથી જ મોઢામાં ચાંદીની ચમચી લઇને ઉછરેલી દીકરી. માત્ર ૬ વર્ષની નાની વયમાં રાષ્ટ્રસંત પૂજયશ્રીનો યોગ થયો અને ૧૭ વર્ષની ઉંમરે સંસાર, સંબંધો અને અભ્યાસને તિલાંજલી આપી સાધક જીવનની શરૂઆત કરી અને હવે ૨૨ વર્ષની ઉંમરે સંયમજીવન સ્વીકારવા આતુર બની રહ્યાં છે.

 તાજેતરમાં જ ગુજરાત એસ.એસ.સી. બોર્ડમાં છઠ્ઠા ક્રમાંકે ઉતીર્ણ થઈ ૯૯.૯૪ પી.આર. પ્રાપ્ત કરનાર ધોળકીયા સ્કૂલની વિદ્યાર્થીની મુમુક્ષુ કુ.આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળા માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભૌતિક કેરિયર બનાવવાને બદલે આત્મિક કેરિયર બનાવવાના ઉચ્ચત્ત્।મ ભાવ સાથે પ્રવજયા પંથે પા પા પગલી પાડવા ઉત્સુક છે. આ બન્ને હળુકર્મી આત્માઓ સારાય સંસારને અલવીદા કરી પ્રભુ મહાવીરનો કઠિનતમ ત્યાગ માર્ગ અંગીકાર કરવા તત્પર બન્યાં છે.

જૈન ધર્મમાં કોઈ પણ મુમુક્ષુ આત્મા સંયમમાર્ગ સ્વીકારવા તૈયાર થાય ત્યારે દિક્ષા આપતા પહેલા માતા-પિતા પાસે સંમતિ લેવામાં આવે છે જયારે માતા-પિતા સંમતિ પત્ર આપે ત્યારે ગુરુ દ્વારા મુહુર્ત પ્રદાન કરવામાં આવે. આ સંતાનોની ઉત્કૃષ્ટ ભાવના અને સમજ સાથેના દૃઢ નિર્ણયને જોઈ એમના હિત, શ્રેય અને કલ્યાણના ઈચ્છુક માતા-પિતા પણ સંતાન પ્રત્યેના રાગનો ત્યાગ કરી, ગુરુ ચરણે એમને અર્પણ કરવા સહર્ષ તૈયાર થયા અને ત્યારે સર્જાઈ રહ્યો છે 'દીક્ષા આજ્ઞા અર્પણ અવસર' જે ડુંગર દરબારના આંગણે ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ ૭૫ સંત-સતીજીઓના શુભ સાંનિધ્યે આજે સવારના ૯.૩૦ કલાકે યોજાયેલ.

દિવ્યાનુભૂતિ કરાવતાં આ અવસર પર અહોભાવપૂર્વક દીક્ષા આજ્ઞા પત્રિકાની પધરામણી કરાવવામાં આવેલ. માતા-પિતા લખશે  દીક્ષા સંમતિ પત્ર રૂપ આજ્ઞા પત્રિકા અને અર્પણ કરી પૂજય ગુરુદેવશ્રીના કરકમલમાં અને સંતાનને પૂજય ગુરુદેવશ્રીના ચરણ કમલમાં  આજ્ઞા અર્પણ વિધિના વૈરાગ્યમય અવસરે રાજકોટમાં બીરાજમાન પૂ.સંત - સતિજીઓ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સંઘોના પ્રતિનિધીઓ તથા વિશાળ પ્રમાણમાં સંયમ પ્રેમી ભાવિકોની ઉપસ્થિતિમાં દિક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રા હસમુખભાઇ શીવલાલભાઇ શાહના નિવાસસ્થાનેથી નિકળી ડુંગર દરબાર પહોંચી હતી.    આ અવસરે સંયમ ભકિતના સૂરો રેલાવવા સંગીતકાર   હાર્દિકભાઈ શાહ પધારેલ. વિશેષમાં, આ સાથે દશેરાના આ મંગળ અવસરે ગત ૨૩ સપ્ટેમ્બરના આયોજિત કરવામાં આવેલા નવકાર મંત્રના કપલ જાપમાં ઉપસ્થિત રહેલા ભાવિકોને દીક્ષાર્થીઓના શુભ હસ્તે નવકાર મંત્રની રત્નજડિત ફ્રેમ અર્પણ કરવામાં આવેલ.

દીક્ષા આજ્ઞા અર્પણના આ અવસરે જેઓએ પૂર્વ ભારતના ઝારખંડ જેવા પછાત વિસ્તારમાં આદિવાસી સમાજને વ્યસનમુકત કરીને ધર્મનો બોધ પમાડ્યો અને જેઓના નામથી પેટરબારમાં નિશુલ્ક નેત્ર ચિકિત્સા હોસ્પિટલ ચાલે છે તેવા જ્ઞાનનાં શિખર સમાન, નેત્રજયોતિપ્રદાતા, ગોંડલગચ્છ શિરોમણી પૂજય શ્રી જયંતમુનિ મહારાજ સાહેબની જન્મ સ્મૃતિ અવસરનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.

(3:42 pm IST)