Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

કેનેડા મોલમાં નોકરી અપાવી દેવાના બહાને સુધીર ચૌધરી સાથે ૨૧ હજારની ઠગાઈ

અમદાવાદના રોહીત ઉર્ફે વિક્રમ સામે ફરીયાદ

રાજકોટ, તા. ૧૮ :. ગોંડલ રોડ પર કારખાનામાં નોકરી કરતા બિહારી યુવાન સાથે અમદાવાદના શખ્સે કેનેડામાં મોલમાં નોકરી અપાવી દેવાના બહાને એટીએમ કાર્ડ અને રૂ. ૨૧૦૦૦ની છેતરપીંડી કર્યાની ફરીયાદ ક્રાઈમ બ્રાંચમાં થઈ છે.

મળતી વિગત મુજબ બિહારના કોઆરી ગામ અને હાલમાં રાજકોટ ગોંડલ રોડ પર આવેલા એકયુટીક મેટલ પ્રા.લી. નામના કારખાનામાં રહેતો અને ત્યાં જ નોકરી કરતો સુધીર રામપ્રતાપ ચૌધરી (ઉ.વ. ૨૩)એ બે માસ પહેલા એક અખબારમાં કેનેડાના મોલમાં નોકરી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયેલ. તેમાં આપેલા મોબાઈલ નંબર પર કોન્ટેકટ કરતા અમદાવાદનો રોહીત ઉર્ફે વિક્રમ ટેલર હોવાનું જણાવ્યુ હતુ અને કેનેડામાં આવેલા મોલમાં નોકરી અપાવી દેવા બાબતે સુધીર ચૌધરી સાથે વાત કરી તેને વિશ્વાસમાં લીધો હતો. ત્યાર બાદ અમદાવાદના રોહીત ઉર્ફે વિક્રમે જણાવ્યુ હતુ કે, બેન્ક પાસ બુકમાં ઓછામાં ઓછી ૩.૫૦ લાખની એન્ટ્રી હોવી જરૂરી છે તેમ જણાવતા સુધીરે પોતાની બેન્ક પાસબુકમાં આટલી મોટી રકમની એન્ટ્રી ન હોવાનું જણાવ્યુ હતુ. ત્યાર બાદ અમદાવાદના શખ્સે તેને વિશ્વાસમાં લઈ પોતાની પાસબુક અને એટીએમ મોકલી આપવાનું કહ્યુ હતુ અને તે પાસબુકમાં પોતાની રકમ જમા કર્યાની એન્ટ્રી પડાવી દેવાની વાત કરી હતી અને તેના ચાર્જપેટે રૂ. ૨૧૦૦૦ કુરીયરથી મંગાવ્યા હતા. ત્યાર બાદ સુધીર ચૌધરી અમદાવાદના શખ્સમાં વિશ્વાસમાં આવી એસબીઆઈ બેન્કનું એટીએમ કાર્ડ તથા રોકડા રૂ. ૨૧૦૦૦ કુરીયરથી મોકલી આપ્યા હતા. થોડા દિવસો વિતી ગયા છતાં અમદાવાદના શખ્સનો કોઈ જવાબ ન આવતા સુધીરે તેના મોબાઈલ પર કોન્ટેકટ કરતા અમદાવાદના શખ્સનો મોબાઈલ બંધ આવતા તેને શંકા જતા ગઈકાલે ક્રાઈમ બ્રાંચમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ બી.ટી. ગોહિલે તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)