Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

શસ્ત્રપૂજન સાથે દશેરા પર્વની ઉજવણીઃ રાત્રે રાવણ દહન

બજારોમાં મિઠાઈની ખરીદી માટે પડાપડીઃ નવરાત્રી પર્વ અંતિમ ચરણમાં

રાજકોટ, તા. ૧૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે દશેરા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શસ્ત્રપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા છે.

દશેરા નિમિતે આજે મિઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યુ છે અને લોકો મિઠાઈ આરોગીને દશેરા પર્વની ઉજવણી કરી રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે રાત્રીના દશેરા પર્વ નિમિતે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે.

સોમનાથ

વેરાવળ-પ્રભાસપાટણઃ શ્રી સોમનાથ ટ્રસ્ટ નવનિર્મિત રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થયેલ છે. જેથી આજે વિજયાદશમી પર્વ નિમિતે સાંજે ૪ કલાકે મહાપૂજા તેમજ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી છપ્પનભોગ દર્શન અને પ્રાચીનત્તમ વાદ્યો સાથે સાંજે ૭ કલાકે વિજય આરતી હોય આ સમગ્ર કાર્યક્રમમાં રામ મંદિર ખાતે હોય ત્યાર બાદ રાત્રીના ૮ કલાકે શ્રી રામ મંદિર સામેના ગ્રાઉન્ડમાં રાવણ દહનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

ભાવનગર

ભાવનગર : દશેરાના તહેવારોમાં ગરીબ બાળકો પણ આનંદ પ્રમોદથી મનાવવા સાથે ચોળાફળી, જલેબી તથા બિસ્કીટ આરોગી શકે તેવા હેતુસર દાતાના સૌજન્યથી માળનાથ ગ્રુપ દ્વારા ગરીબ બાળકોને ચોળાફળી, જલેબી તથા બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું છે. માળનાથ ગ્રુપ દ્વારા પ્રત્યેક તહેવારોમાં ગરીબ બાળકોને તહેવારો અનુસાર દાતાના સહયોગથી ચીજવસ્તુઓ વિતરણ કરી પ્રેરણા આપવામાં આવે છે તેમ માળનાથ ગ્રુપના હરિભાઇ શાહે જણાવ્યું છે.

આ ઉપરાંત વિવિધ પ્રસંગોએ પણ માળનાથ ગ્રુપ મીઠાઇ-ફરસાણ તો ખરૂ જ તથા ઠંડીમાં ગરમ કપડા, ઉનાળામાં પગમાં પહેરવાના ચંપલ આમ, સમયાનુસાર ગરીબ જરૂરીયાતમંદોને વિવિધ વસ્તુઓનું સતત વિતરણ કરવામાં આવતું હોય છે તથા ગરીબ વિદ્યાર્થીઓને નોટ-બુક, ચોપડા તથા દફતર વિગેરે ભણતરના સાધનો પૂરા પાડવામાં આવે છે.

જલેબી, ચોળાફળી તથા બિસ્કીટના પેકેટનું વિતરણ સુભાષનગર, મેલડીમાંના મંદિર પાસે તથા જવાહર મેદાન ખાતે વિતરણ કરવામાં આવશે. સવારે ૧૧ કલાકથી વિતરણ કરાયું છે.બિન ઉપયોગી વધારાના વસ્ત્રો તથા બિનજરૂરી ચાદર, ગોદડા વગેરે ગરીબો સુધી પહોંચાડવા માટે હરીભાઇ શાહનો મો. ૯૮૭૯૦ ૯રપ૬૬/ ૯૮ર૪ર ર૧૭૧પ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

મોરબી

મોરબી : મોરબી રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીના દિવસે મોરબી જીલ્લાના તમામ રાજપૂત ક્ષત્રિય ભાઇઓ માટે તા. ૧૯ શુક્રવારે શસ્ત્રોનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બપોરે ૧-૩૦ કલાકે શકિત માતાજીના મંદિરે, શકત શનાળા મુકામે રાખેલ છે. ઉપરોકત કાર્યક્રમમાં મોરબી જીલ્લામાં વસતા તમામ ક્ષત્રિય ભાઇઓએ રજવાડી પોષાકમાં તલવાર-સાફા સાથે રાજપૂતના મહારેલીમાં મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી પ્રયાણ પ્રમુખશ્રી રઘુવીરસિંહ કે. ઝાલાએ નિમંત્રણ પાઠવેલ છે.

શરદપૂર્ણિમાના દિવસે તા. ર૪ ને બુધવરે નવરાત્રી મહોત્સવનું દરબારગઢ, મોરબી ખાતે રાત્રે ૯ કલાકે મોરબીના રાજપૂત સમાજના દરેક પરિવારજનોને સહકુટુંબ પધારવા યાદીમાં જણાવેલ છે.

વિરપુર (જલારામ)

વીરપુર (જલારામ) વિરપુર જલારામ ધામમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે વિજયા દશમીના પાવન દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવશે. સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા ગ્રુપ દ્વારા વિજયા દશમીના પાવન દિવસે સવારે ૮ કલાકે પરંપરાગત વસ્ત્રોમાં સાફા બાંધીને શાસ્ત્રોકત વિધીથી શકિતપૂજા (શસ્ત્ર પૂજન) કરવામાં આવ્યું હતું.(૨-૨)

 

(11:46 am IST)