Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

રાતૈયાના ખાંટ યુવાન સંજયની મેટોડામાં છરીના દસેક ઘા ઝીંકી ભેદી હત્યાઃ પરમ દિવસે જ સગાઇ થઇ હતી

મેટોડામાં સિતારામ ડેકોરેશન નામે મંડપ સર્વિસ અને લાઇટ ફિટીંગનું કામ કરતાં યુવાનને કોઇ સાથે માથાકુટ નહોતીઃ રાત્રે દૂકાનેથી ઘરે જવા નીકળ્યો ને રસ્તામાં ઢાળી દેવાયો : અકસ્માત નડ્યાનું સમજી પરિવારજનો હોસ્પિટલે લાવ્યાઃ તબિબે તપાસ કરતાં પીઠ, સાથળ, થાપામાં દસેક ઘા જોવા મળ્યાઃ યુવાન અને આશાસ્પદ દિકરાની હત્યાથી વાગડીયા (ખાંટ) પરિવારમાં શોકની કાલીમાઃ ભેદ ઉકેલવા લોધીકા પોલીસની મથામણ : મંગળવારે જ ગોંડલના ગોમટાની જ્યોતિ મુળીયા સાથે રંગેચંગે સગાઇ થઇ હતી

હત્યાનો ભોગ બનનાર સંજય વાગડીયાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. પરમ દિવસે સગાઇના દિવસે જ આ ફોટો પાડવામાં આવ્યો હતો, પણ કોઇને કયાં ખબર હતી કે આ તેની અંતિમ તસ્વીર બની જશે!?..વચ્ચે તેના માતા-પિતાના ફાઇલ ફોટો જોઇ શકાય છે. ઘટનાથી તે ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. છેલ્લી તસ્વીરમાં વિગતો જણાવતાં સંજયના કોૈટુંબીક ભાઇઓ તથા નીચેની તસ્વીરમાં ઘટના સ્થળે લોહીનું ખાબોચીયુ અને સંજયના ચપ્પલ તથા તેનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૮: લોધીકાના રાતૈયા ગામમાં રહેતાં અને મેટોડામાં મંડપ સર્વિસ તથા લાઇટ ડેકોરેશનની દૂકાન રાખી કામ કરતાં ૨૪ વર્ષના ખાંટ યુવાનની રાત્રીના પોણા દસેક વાગ્યે મેટોડાના પાટીયા પાસે ભેદી હત્યા થઇ જતાં ચકચાર મચી ગઇ છે. દૂકાન વધાવીને આ યુવાન ઘરે જવા નીકળ્યો ત્યારે કોઇએ ઝનૂનની સાથળ, થાપા, કમર-પીઠમાં દસથી અગિયાર જેટલા છરી કે બીજા હથીયારના ઘા ઝીંકી દીધા હતાં. પ્રારંભે તો અકસ્માત નડ્યાનું સમજી પરિવારજનોએ તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. પણ તબિબની તપાસમાં હથીયારના ઘા જોવા મળ્યા હતાં. ખુબ જ સરળ સ્વભાવના આ યુવાનની હજુ તો પરમ દિવસે જ સગાઇ થઇ હતી. હત્યા કોણે અને શા માટે કરી? તે રહસ્ય ઉકેલવા લોધીકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાતૈયા રહેતાં સંજય મનજીભાઇ વાગડીયા (ઉ.૨૪) નામના ખાંટ યુવાનને રાત્રીના પોણા દસેક વાગ્યે મેટોડાના પાટીયા પાસે બાપા સિતારામ મંડપના ડેલા નજીક અકસ્માત નડ્યાની અને તે લોહીલુહાણ પડ્યો હોવાની માહિતી મળતાં પરિવારજનો દોડી આવ્યા હતાં અને તેને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સ્વજનોએ અહિ સંજયને અકસ્માત નડ્યાની વાત કરી હતી. પણ તબિબે તપાસ કરતાં છરી કે બીજા કોઇ હથીયારના ઘા ઝીંકાયાનું સ્પષ્ટ થયું હતું. સંજયએ દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.

લોધીકા પોલીસને જાણ કરવામાં આવતાં  મહિલા પીએસઆઇ ગઢવી સહિતની ટીમ ઘટના સ્થળે અને રાજકોટ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં  ખુલ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર સંજય વાગડીયા મેટોડામાં સિતારામ લાઇડ ડેકોરેશન અને મંડપ સર્વિસ નામે દૂકાન ધરાવતો હતો. તે રાત્રે પોણા દસેક વાગ્યે દૂકાન વધાવી પોતાના એકટીવા ૭૧૬૨ ઉપર બેસીને રાતૈયા ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં મેટોડાના પાટીયા પાસે કોઇએ આંતરીને ઘા ઝીંકી દીધા હતાં. આઠ-દસ જેટલા ઘા હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

પરિવારજનો આ ઘટનાથી ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે. જે આંગણે હજુ પરમ દિવસે મંગળવારે જ જેની સગાઇના ગીતો ગવાયા હતાં તે યુવાન અને આશાસ્પદ દિકરા સંજયની સગાઇના ત્રીજા દિવસે જ કોઇએ હત્યા કરી નાખતા સ્વજનો હતપ્રભ થઇ ગયા છે. સંજયને કોઇ સાથે કદી માથાકુટ નહિ થયાનું અને તેનો સ્વભાવ પણ ખુબ જ સરળ હોવાનું પરિવારજનો કહે છે. સંજય પાસની ચીજવસ્તુઓ પણ જેમની તેમ છે આથી લૂંટનો ઇરાદો હોવાનું પણ હાલ જણાતું નથી. ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ લોધીકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટના સ્થળે એક સીસીટીવી કેમેરો બંધ, બીજાના ફૂટેજ ચકાસવા તજવીજ

સંજય વાગડીયા પર જ્યાં હુમલો થયો તે સ્થળ નજીક બે સીસીટીવી કેમેરા હોવાનું જાણવા મળ્યું છે. જો કે તેમાંથી એક કેમેરો બંધ છે. બીજાના ફૂટેજમાં કંઇ આવ્યું છે કે કેમ? તે ચકાસવા તજવીજ થઇ રહી છે. 

સંજય બે ભાઇ અને બે બહેનમાં બીજો હતો      

 હત્યાનો ભોગ બનેલો સંજય વાગડીયા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતો. તેના બીજા ભાઇનું નામ મુકેશભાઇ તથ બહેનોના નામ સોનલબેન તથા જલ્પાબેન છે. પિતા મનજીભાઇ વાગડીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે. માતાનું નામ ભાવનાબેન (હંસાબેન) છે.  સંજયની સગાઇ મંગળવારે જ ગોંડલના ગોમટાની જ્યોતિ મુળીયા સાથે થઇ હતી. દિકરાની સગાઇના ખુશીના પ્રસંગને આટોપ્યાના ત્રીજા જ દિવસે આ દિકરાનું ખૂન થઇ જતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:41 am IST)
  • સબરીમાલાના કપાટ ખુલ્યા :'પ્રતિબંધિત વય મર્યાદાવાળી કોઈપણ મહિલા નહિ કરી શકી ભગવાન અયપ્પાના દર્શન :પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને સબરીમાલા સંરક્ષણા સમિતિએ આજ મધ્યરાત્રીથી 24 કલાકની હડતાલ શરૂ કરવા આહવાન કર્યું access_time 8:53 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ 'બહુત ખરાબ ':અધિકારીઓ મુજબ દિલ્હીમાં કેટલાય વિસ્તારોમાં પ્રદુષણની સ્થિતિ 'ગંભીર 'શ્રેણીની નજીક :દિલ્હીના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈને નિરીક્ષણ માટે છ સદસ્યોની ટીમની રચના કરી :હવામાં વધતું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો access_time 1:14 am IST

  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST