Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

તોફાને ચડેલા ટેણીયાઓએ નિર્દોષને ફટકાર્યાઃ જંકશનમાં મહિલા, બે યુવાનને માર માર્યા પછી કોલેજવાડીમાં કારમાં તોડફોડઃ ૮ પકડાયા

ઇન્સ્ટાગ્રામ પર વિરમાયા પ્લોટના છોકરાએ જંકશન પ્લોટના ટેણીયાની ફ્રેન્ડનો મેસેજ લાઇક કરતાં માથાકુટ થઇ અને જોઇ લેવાની વાત કર્યા બાદ જંકશન વિસ્તારનો ટાબરીયો ટોળકી લઇ નીકળી પડ્યો : જંકશન પ્લોટ શાસ્ત્રીનગરના સાવિત્રીબેનની જીભ તૂટી જતાં ચાર ટાંકા આવ્યાઃ નિલ મજેઠીયા, હરેશભાઇ કોટવાણીને પણ પાઇપ ફટકાર્યાઃ એ પછી કોલેજવાડી રોડ પર એક રિક્ષાનો કાચ ફોડ્યો, એક રિક્ષાચાલકને ધોકો ફટકાર્યો અને બે કારના કાચ ફોડ્યાઃ પાંચ સગીર સહિત ૮ને પ્ર.નગર પોલીસે કાયદો સમજાવ્યો

જંકશન પ્લોટ અને કોલેજવાડી વિસ્તારમાં રાતે તોફાને ચડી નિર્દોષ લોકોને રંજાડનારા ૮ને પોલીસે પકડ્યા હતાં. તે પૈકીના ત્રણ શખ્સો અને વિગતો જણાવતાં ડીસીપી મનોહરસિંહ જાડેજા અને પીઆઇ એલ. એલ. ચાવડા તથા સાથે દેવશીભાઇ ખાંભલા સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

ટોળકીએ કોલેજવાડીમાં અમ્રીત મેનોર ખાતે રહેતાં માંકડ પરિવારના સભ્યોને બે કારમાં ધોકા ફટકારી કાચ ફોડી નાંખ્યા હતાં. આ બંને કાર તથા વિગતો જણાવતાં કાર માલિકો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: સોશિયલ મિડીયા ઇંસ્ટાગ્રામ પર એક ટેણીયાએ બીજા ટેણીયાની ફ્રેન્ડને મેસેજ કરી તેમજ મેસેજને લાઇક કરતાં બંને વચ્ચે ચડભડ થતાં જંકશન વિસ્તારમાં રહેતો ટેણીયો ટોળકી રચી નીકળી પડ્યો હતો અને પોતે કંઇક છે એવું દેખાડવા ધોકા-પાઇપ સાથે ટુવ્હીલર પર નીકળી જંકશન વિસ્તારમાં તોફાને ચડી નિર્દોષ લોકોને માર મારી બાદમાં કોલેજવાડી વિસ્તારમાં પણ તોફાન કરી કારના અને રિક્ષાના કાચ તોડી એક રિક્ષાચાલકને માર મારી આતંક મચાવ્યો હતો. પ્ર.નગર પોલીસે રાતોરાત ૮ને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. જેમાં પાંચ સગીર છે.

જાણવા મળ્યા મુજબ શહેરના જંકશન પ્લોટમાંથી રાત્રીના સાત-આઠ છોકરાઓ તોફાને ચડ્યા હતાં અને ટુવ્હીલર પર પ્લાસ્ટીકના ધોકા પાઇપ લઇને નીકળી પડ્યા હતાં. આ ટોળકીએ રસ્તામાં જે આવે એ નિર્દોષને ઝપટે ચડાવ્યા હતાં. જંકશન પ્લોટમાં  હાકલા પડકારા કરતાં કરતાં નીકળેલા આ શખ્સોએ કારણવગર એક મહિલાને મોઢા પર પાઇપ ફટકારી જીભ તોડી નાખી હતી. એ પછી બે રાહદારીને ફટકાર્યા હતાં. ત્યારબાદ આ ટોળકી મોટી ટાંકી ચોક નજીક ગવલીવાડ પાસે કોલેજવાડીમાં થઇ વિરમાયા પ્લોટ તરફ જતી હતી ત્યારે રસ્તામાં એક રિક્ષાનો કાચ ફોડી નાંખી બીજા રિક્ષાચાલકને ધોકો ફટકારી દઇ દેકારો મચાવ્યો હતો. તેમજ આ વિસ્તારમાં રહેતાં પરિવારની બે કાર બહાર પાર્ક કરી તેમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પોલીસે દોડધામ કરી ૮ જેટલા શખ્સને પુછતાછ માટે બેસાડી દીધી હતાં અને કાયદાનું ભાન કરાવ્યું હતું. જેમાં પાંચ સગીર છે. વિરમાયા પ્લોટના એક ટેણીયાએ   જંકશન વિસ્તારના બીજા એક ટેણીયાની ફ્રેન્ડને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરતાં અને તેણીના મેસેજને લાઇક કરતાં થયેલી ચડભડ પછી  જંકશન વિસ્તારનો ટેણીયો જોઇ લેવાના ઇરાદા સાથે ટોળકી રચી ધોકા લઇ ટુવ્હીલર પર નીકળી પડ્યો હતો અને નિર્દોષને ઝપટે લીધા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ  જંકશન પ્લોટ રામકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતોજેનીલ મુકેશભાઇ મજેઠીયા (ઉ.વ.૨૭) નામનો લોહાણા યુવાન રાત્રીના બહારગામથી રાજકોટ આવ્યો હોઇ જંકશન પ્લોટ-૫માં રિક્ષામાંથી ઉતરી ચાલીને ઘરે જતો હતો કોલેજીયન હેર આર્ટ પાસે પહોંચતા બાલાજી પાન તરફથી એક એકટીવા પર ત્રણ શખ્સો આવ્યા હતાં. જેમાંથી એક જણાએ ચાલુ વાહને ગરદન પાછળ કંઇક ફટકારતાં પોતાને ચક્કર આવીજતાં થોડીવાર નીચે બેસી ગયો હતો.

એ પછી હું આગળ જતાં બીજા એક  ભાઇ મળ્યા હતાં. તેણે વાત કરી હતી કે તેઓ બાઇક પર ઘરે જતાં હતાં ત્યારે પ્રતાપ બૂક સ્ટોર પાસે ત્રણ સવારીમાં આવેલા છોકરાઓ પ્લાસ્ટીકનો પાઇપ કે લાકડુ ફટકારી ભાગી ગયા છે. એ ભાઇને પણ ગળા પાસે ઇજા થઇ હતી. આ ત્રણેય જંકશન રોડ પર ભાગી ગયા હતાં. એ પછી મેં તથા બીજા ભાઇ હરેશભાઇ મોહનભાઇ કોટવાણી (ઉ.વ.૩૬-રહે. જંકશન પ્લોટ)એ સાથે મળી અરજી કરી હતી. તે પણ રિક્ષામાંથી ઉતરીને જતાં હતાં ત્યારે ટોળકી નીકળી હતી અને કોઇએ ધોકો મારી લીધો હતો.

જ્યારે જંકશન પ્લોટ શાસ્ત્રીનગરમાં રહેતાં સાવિત્રીબેન અશોકભાઇ પ્રધનાણી (સિંધી) (ઉ.વ.૪૮) ઘર પાસે હતાં ત્યારે ટોળકી નીકળી હતી. જેમાંથી એક શખ્સે મોઢા પર ધોકો ફટકારતાં જીભ તુટી જતાં ચાર ટાંકા લેવા પડ્યા હતાં. આ ઘટનાને પગલે જંકશન પ્લોટ વેપારી મંડળના ચંદ્રકાંતભાઇ આહુજા સહિતના પોલીસ મથકે રજૂઆત કરવા પહોંચ્યા હતાં. પોલીસે સાવિત્રીબેનને ફરિયાદ પરથી હુમલાખોરો સામે આઇપીસી ૩૨૬ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા તજવીજ કરી હતી.

જંકશન પ્લોટની ઘટનાઓ બાદ રાત્રીના સાડા નવેક વાગ્યે ટોળકી મોટી ટાંકી પાછળના કોલેજવાડી વિસ્તારમાં શેરી નં. ૮માં પહોંચી હતી. અહિ અમૃત મેનોર એપાર્ટમેન્ટ રહેતાં જયેશભાઇ કોૈશિકભાઇ માંકડ (ઉ.વ.૬૫) તથા જીગરભાઇ યોગેશભાઇ માંકડ (ઉ.વ.૪૫)ના પરિવારની બે કાર જીજે૧૧એસ-૬૫૧૧ તથા જીજે૦૩એસબી-૫૪૨૦ પાર્ક કરી હોઇ તેમાં કાચ પર ધોકા ફટકારી તોડફોડ કરી ભાગી ગયા હતાં. આ ટોળકી ટુવ્હીલર પર નીકળી હતી અને બીજા બે લોકોને પણ મારકુટ કરી લીધી હતી. સાતથી આઠ શખ્સો ટુવ્હીલર પર દેકારો મચાવતા નીકળ્યા હતાં અને તેઓના હાથમાં પ્લાસ્ટીકના પાઇપ હતાં. કારમાં તોડફોડ કરી ભાગી ગયા હતાં. સામે આવેલી એક રિક્ષાનો કાચ ફોડી નાંખ્યો હતો અને બીજી રિક્ષાના ચાલકને તે સામે આવી જતાં ધોકો ફટકાર્યો હતો.

પ્ર.નગર પોલીસે જંકશન પ્લોટના યુવાન અને કોલેજવાડીના રહેવાસીઓની અરજી નોંધી હતી. રાતભર દોડધામ કરી જંકશન પ્લોટ વિસ્તાર તથા વિરમાયા પ્લોટ વિસ્તારમાંથી બાર જેટલા ટાબરીયાઓને પુછતાછ માટે ઉઠાવી લીધા હતાં. તપાસ કરતાં એવી માહિતી સામે આવી હતી કે વિરમાયા પ્લોટમાં રહેતાં ટાબરીયાએ જંકશન પ્લોટમાં રહેતાં સગીરની ફ્રેન્ડના ઇન્સ્ટાગ્રામ પરના મેસેજને લાઇક કર્યો હોઇ બંને વચ્ચે આ કારણે ચડભડ થઇ હતી. એ પછી વિરમાયા પ્લોટ વિસ્તારના ટાબરીયાએ 'તું આવી જા તો તને જોઇ લઉ' એવા વેણ ફોનમાં કહેતાં જંકશન વિસ્તારનો ટેણીયો બીજા ટાબરીયાઓની ટોળકી રચી નીકળી પડ્યો હતો અને પોતે કંઇક છે એ દેખાડવા રસ્તામાં નિર્દોષ લોકો સામે મળતાં તેના પર ધોકાવાળી કરી હતી. તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી.

પ્ર.નગર પોલીસે તોફાને ચડેલા અને નિર્દોષ લોકોને મારકુટ કરી લેનારા ૮ને પકડી કાયદાનું ભાન કરાવ્યું છે. જેમાં આશીફ દાઉદભાઇ મોડ (ઉ.૨૧-રહે. પોપટપરા ગામેતી એપાર્ટમેન્ટ પહેલો માળ), શિવદત્ત રાજુભાઇ જોષી (ઉ.૧૯-રહે. પોપટપરા-૧૫ મિયાણાવાસ) અને કિશન ઉર્ફ ભૈયો મનુભાઇ રાણા (ઉ.૨૩-રહે. પોપટપરા મેઇન રોડ રઘુનંદન સોસાયટી-૩/૬નો ખુણો) અને અન્ય પાંચ કાયદાના સંઘર્ષમાં આવેલા તરૂણોનો સમાવેશ થાય છે.

પોલીસે પ્લાસ્ટીકના પાઇપ, નંબર વગરનું એકસેસ તથા એક હીરોહોન્ડા કબ્જે કર્યા છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, કે. સી. રાણા, હેડકન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, કોન્સ. કુલદિપસિંહ રાણા, મહાવીરસિંહ જાડેજા, અક્ષયભાઇ ડાંગર, રવિરાજભાઇ ધગલ અને અશોકભાઇ હુંબલે આ કામગીરી કરી હતી.

(3:52 pm IST)