Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભાજપનો સંકલન બેઠકમાં બંધબારણે નિંભર તંત્ર સામે આક્રોશ : કોંગ્રેસનો પાટાપીંડી બાંધી નવતર વિરોધ

રસ્તાનાં ખાડા-ગંદા પાણીનાં ખાબોચીયા પ્રશ્ને ભાજપે મોઢુ સંતાડ્યું : કોંગ્રેસે બાંયો ચડાવી : વિપક્ષી નેતા સહિતના કોંગી કોર્પોરેટરો પાટા બાંધી જનરલ બોર્ડમાં પ્રવેશતા જ મેયર સહિતનાં ભાજપ કોર્પોરેટરોએ પાટા ઉખેડી નાંખ્યા : ઝપાઝપીના દૃશ્યો : ભાજપની સંકલન બેઠકમાં કેટલાક કોર્પોરેટરોએ મ.ન.પા.માં શાસકો ઢીલા પડતા હોવાની ફરીયાદ કરવાની હિંમત દાખવતા બેઠકમાં સન્નાટો

જનરલ બોર્ડમાં રસ્તા પ્રશ્ને કોંગ્રેસે પાટાપીંડી બાંધીને વિરોધ દર્શાવતા ભાજપ - કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા તે વખતની તસ્વીરમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયાના પાટાપીંડી ઉખેડી રહેલા મેયર પ્રદિપ ડવ, ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકર, મનીષ રાડિયા, પુષ્કર પટેલ વગેરે નજરે પડે છે. અન્ય તસ્વીરમાં શાસકો વિરૂધ્ધ બેનરો પ્રદર્શિત કરી રહેલા કોંગી કોર્પોરેટરો તેમજ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠિયા સહિતના કોંગી કોર્પોરેટરોને સભાગૃહની બહાર કાઢી રહેલા ફાયરબ્રિગેડના માર્શલ દર્શાય છે.(તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮ : શહેરમાં વરસાદી પાણીના ગંદા ખાબોચિયા અને રાજમાર્ગો ઉપર પડેલા ખાડા - ખાબોચિયાના પ્રશ્ને નાગરિકોને સહન કરવી પડતી મુશ્કેલીને વાચા આપવા વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ આજે સવારે યોજાયેલા મ.ન.પા.ના જનરલ બોર્ડમાં પાટા-પીંડી બાંધી ભાજપ શાસન સામે ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો.

તો સામે પક્ષે શાસક ભાજપના કેટલાક કોર્પોરેટરોએ સંકલન બેઠકમાં બંધ બારણે અધિકારી તંત્રની નિંભરતા સામે આક્રોશ ઠાલવ્યો હતો.

આ અંગેની વિગતો મુજબ આજે સવારે મ.ન.પા.નું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇ આ ત્રણેય કોંગી કોર્પોરેટરો રસ્તામાં પડેલા ખાડાઓથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. તેનો પ્રતિકાત્મક નવતર વિરોધ કરવા હાથ અને માથા ઉપર પાટાપીંડી બાંધી અને બેનરો સાથે જનરલ બોર્ડમાં પ્રવેશ કરવાનો નવતર પ્રયોગ કર્યો હતો.

જનરલ બોર્ડમાં પ્રવેશતાની સાથે જ કોંગ્રેસના કોર્પોરેટરોએ રસ્તાના ખાડા - ગંદા પાણીના ખાબોચિયાની સમસ્યાના પ્રશ્નની ચર્ચાની ઉગ્ર માંગ ઉઠાવી હતી જેને સભા અધ્યક્ષ મેયર પ્રદિપ ડવે ઠુકરાવતા કોંગી કોર્પોરેટરો મંચ પાસે દોડી ગયા હતા. આથી ભાજપના કોર્પોરેટરો મનીષ રાડિયા, પુષ્કર પટેલ, જયમીન ઠાકર પણ મેયરના બચાવમાં મંચ પાસે દોડી ગયા હતા અને મેયર પ્રદિપ ડવ સહિત આ તમામ ભાજપ કોર્પોરેટરોએ કોંગી કોર્પોરેટરોએ શરીર પર વિંટાળેલા પાટા ઉખેડી ફેંકી દીધા હતા.

આ વખતે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. બાદ મેયરશ્રીએ વિપક્ષ કોંગ્રેસના રસ્તાના પ્રશ્નનો કડક ભાષામાં જવાબ આપી સસ્તી પ્રસિધ્ધી માટે આવા ખોટા નાટકો બંધ કરવાના આક્ષેપો સાથે તમામ કોંગી સભ્યોને જનરલ બોર્ડના સભાગૃહમાંથી હાંકી કાઢયા હતા.

સંકલનમાં ભાજપ કોર્પોરેટરોનો આક્ષેપ

જ્યારે શાસક પક્ષ ભાજપના પણ કેટલાક કોર્પોરેટરો અંદરખાને શહેરમાં રસ્તા અને ગંદાપાણીની ફરિયાદોનો નિકાલ કરવામાં અધિકારીઓનું તંત્ર નિંભર હોવાનું સ્વીકારી રહ્યા છે. આથી જ ભાજપની સંકલન બેઠકમાં કેટલાક કોર્પોરેટરોએ તો સીધુને સટ કહી દીધું હતું કે, રાજશ્રી સિનેમાવાળા રોડ પર વોંકળામાં બાંધકામને કારણે વરસાદી પાણી ભરાઇ રહે છે અને વિજય પ્લોટના વોંકળામાં પણ દબાણ હોવાથી આ વિસ્તારમાં પણ ગંદુ પાણી ભરાઇ રહે છે. અધિકારીઓને અનેક વખત ફરિયાદ કરી છે છતાં પરિસ્થિતિ યથાવત છે. આથી અધિકારી તંત્ર ઉપર શાસકોની પકડ ઢીલી થતી હોવાનો આક્રોશ સંકલન બેઠકમાં વ્યકત થતાં બેઠકમાં થોડીવાર સન્નાટો વ્યાપી ગયો હતો.  જોકે, આ બાબતને જાહેર થવા દેવાઇ ન હતી અને સૌને સમજાવી લેવાયા હતા.(૨૧.૨૫)

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અભિનંદન ઠરાવમાં કોંગ્રેસે મેદાન માર્યુ : ભાજપે સ્વીકાર કરવો પડયો

રાજકોટ : આજે યોજાયેલ જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના પાંચ વર્ષના શાસનમાં રાજકોટ માટે અનેક વિકાસકાર્યો થયા હોઇ તેઓને અભિનંદન આપતો ઠરાવ કરવા અરજન્ટ બીઝનેશની દરખાસ્ત મુકી હતી પરંતુ શાસક પક્ષ ભાજપે આ પ્રકરણે વિપક્ષ દરખાસ્ત ન કરી શકે તેમ જણાવી પછીથી સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન મારફત આ દરખાસ્ત મુકી ઠરાવ પસાર કર્યો હતો.

આમ અભિનંદન ઠરાવની બાબતમાં સૌ પ્રથમ કોંગ્રેસે મેદાન માર્યુ હતંુ અને બાદમાં ભાજપ શાસકોએ પરોક્ષ રીતે વિપક્ષના આ અભિનંદન ઠરાવના સુચનને સ્વીકારવું પડયું અને ઠરાવ કર્યો હતો.

(3:38 pm IST)