Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

રાજકોટ સિવીલ હોસ્પિટલના એ દર્દીએ શું શું કર્યું: ઉડતી નજરે ઘટનાક્રમ

રાજકોટઃ ભગવતીપરા, પરસોતમ પાર્ક એરીયા, રાજકોટ ખાતે રહેતા પ્રભાકરના ભાઈદાસ પાટીલ (ઉ.વ.૩૮)ને ગીરીરાજ હોસ્પિટલમાં કીડનીની બીમારી માટે દાખલ કરેલ.

* તા.૬ના રોજ સિસ્ટ્રોસ્કોપી (કીડનીને લગતી બીમારી)નું ઓપરેશન થયેલ.

* પેશન્ટનો તા.૬ના રોજ કોરોના પોઝીટીવ આવેલ.

* સીવીલ હોસ્પિટલમાં તા.૮ના રોજ સાંજે ૫:૩૦ કલાકે દાખલ કરેલ.

* સત્તાવાર વર્તુળોના કહેવા મુજબ માનસિક સ્થિતિ અસંતુલીત થતાં તા.૯ના રોજ સવારે ૭ થી ૭:૩૦ વચ્ચે માનસિક રોગ વિભાગના ડોકટરને ફોન કરી બોલાવવામાં આવેલ.

* માનસિક વિભાગના રેસીડન્ટ ડોે.શ્વેતા મોદી અને ડો.હરીતાબેન પટેલએ પેશન્ટને તપાસેલ.

* તેની તપાસ દરમિયાન દર્દી ગુસ્સામાં હતા, અપશબ્દ બોલતા હતા, ભાગદોડ કરતા હતા, ડરેલ હતા અને પુછવામાં આવતા પ્રશ્નોના યોગ્ય જવાબ આપતા ન  હતા. અને તે પોતાના કપડા કાઢીને વારંવાર બોલતા હતા કે ''કોરોના ભૂત આવી જશે, હું હિન્દુ છું'' અને તે સમયે દર્દી તેમને લગાવેલ ગળાની રાઈસ ટયુબ, આઈ.વી.લાઈન અને કેથરેટર (પેશાબની નળી) ખેંચીને કાઢતાં હતાં. તેવું પણ સત્તાવાર વર્તુળો માને છે.

* ઉપરાંત દર્દીના પત્ની સાથે રેસીડન્ટ ડોકટરોએ ફોનથી હિસ્ટ્રી મેળવતા તેમને ભૂતકાળમાં માનસિક બીમારી ન હોવાનું જણાવેલ. તેમજ ફરજ ઉપરના રેસીડન્ટ ડોકટરોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમના બાજુના બેડના દર્દી તથા હાજર નર્સિંગ સ્ટાફ ઉપર પણ હુમલા કરવાની કોશીશ કરવામાં આવેલ. જેથી ફરજ ઉપરના સ્ટાફ દ્વારા તેમને રોકવાનો પ્રયત્ન કરેલ. તેમ પણ સતાવાર વર્તુળ કહે છે. દર્દીના ભાઈએ અલગ રીતે પોતાના ભાઈને મારમારતા મૃત્યુ પામ્યાનું જણાવેલ.

* તેમની પૂર્વ મેડિકલ તપાસમાં કિડનીના ઈન્ફેકશન જણાવેલ છે તથા કોરોના પોઝીટીવ આવેલ છે. દર્દીની વિગતવાર તપાસમાં તે સમય, સ્થળ અને વ્યકિત પ્રત્યે તે સમયે સભાન અવસ્થામાં ન હોવાથી તેમની વિશેષ માનિસક તપાસમાં તે સમય, સ્થળ અને વ્યકિત પ્રત્યે તે સમયે સભાન અવસ્થામાં ન હોવાથી તેમની વિશેષ માનસિક તપાસ કરવી શકય ન હતી.

* ઉપરોકત જાણકારી અને તપાસના આધારે ડોકટરે તેમનું નિદાન ડીલેરીયમ એટલે કે સનેપાત હોવાનું કરેલું અને તેને અનુરૂપ તેમની વર્તણુંક સામાન્ય થાય / નિયંત્રણમાં આવે  તે માટેની સારવાર શરૂ કરેલ. તેવું પણ સત્તાવાર વર્તુળોએ જણાવેલ. દર્દીનું દરમિયાન મૃત્યુ નિપજતા તેમના પરિવારજનોએ સત્તાધીશો ઉપર વળતો આક્ષેપ મૂકેલ. આ અંગે આ માનસિક હોવાનું કહેવાતા દર્દીને કાબુમાં લેવા પ્રયાસ કરી રહેલા કોરોના કીટ પહેરેલ કર્મચારી, ચોકીયાતોને દર્શાવતો  વીડીઓ પણ વાયરલ થયેલ.

(3:52 pm IST)