Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સિવિલમાં દર્દીને માર મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં માનવ-વધનો ગુન્હો દાખલ કરોઃ કોંગ્રેસ

સિવિલમાં એકસીડન્ટમાં મૃત્યુ પામેલ વ્યકિતને મૃતજાહેર કરી પીએમ વગર મૃતદેહ સોંપી દેવાયોઃ અશોક ડાંગર : સિવિલમાં દર્દીને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ કરનારની ધરપકડ કરાઇ અને સાચા ગુન્હેગારો પકડાતા નથીઃ જસવંતસિંહ ભટ્ટી : સિવિલમાં હોસ્પીટલમાં છબરડા-બેદરકારી ગેરરીતીના અનેક પ્રકરણોઃ મહેશ રાજપુત

રાજકોટ, તા., ૧૮:  શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત અને જશવંતસિંહ ભટ્ટીએ જણાવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ટાઉનમાં આવેલ સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આવેલ છે અને તે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મતવિસ્તારમાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ ગેરરીતી અને ગંભીર છબરડા થવાની પોલ અવારનવાર ખુલતી હોય છે અને કોઈ જ અધિકારી સિવિલ હોસ્પિટલમાં ચીવટ પૂર્વક દર્દીની સારસંભાળ લેતા નથી તેવી અનેકવખત રાવ મળતી રહે છે.

ઉકત ત્રણેય કોંગી આગેવાનોનાં સંયુકત  નિવેદનમાં જણાવાયું છે કે, કોવીડ-૧૯ કોરોના મહામારીના કપરા સમયમાં જયારે લોકોના આરોગ્યની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે ત્યારે દર્દીને સાજા કરવાને બદલે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને યેનકેન પ્રકારે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને વિચિત્ર કારણો જાહેર કરવામાં આવે છે જયારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અધિક્ષકની પાસે પૂરી લાયકાત ન હોવા છતાં તેને આવડીમોટી જવાબદારી સોપી સરકારે અને શાશનમાં બેઠેલા ભાજપના મંત્રીઓ ને નેતાઓએ લાપરવાહી અને સૌરાષ્ટ્રની જનતાના આરોગ્ય સાથે ચેડા કરે છે.

તેઓએ નિવેદનમાં જણાવ્યું છે કે  તા.૦૯/૦૯/૨૦૨૦ના રોજ રાત્રે બનેલ બનાવના વિડીયો વાઈરલ થયેલ છે જેમાં કોવીડ-૧૯ ની ફરજ ઉપર રહેલા સ્ટાફે અને સિકયુરીટી ગાર્ડો દ્વારા પ્રભાકર પાટીલને ઢોરમાર મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે અને માનસિક અસ્થિર હોવાનું અધિક્ષક દ્વારા ખોટીરીતે જાહેર કરવામાં આવ્યું છે તેની સામે આજરોજ કોંગ્રેસના આગેવાનો અને સમસ્ત મરાઠી સમાજ-રાજકોટ દ્વારા રાજકોટ કલેકટરશ્રીને આવેદન પાઠવ્યું છે જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે  પ્રભાકર પાટીલ માનસિક અસ્થિર નથી તેઓ સારી રીતે ઘરસંસાર ચલાવતા હતા અને તેઓને ૨ બાળક પણ છે અને કારખાનામાં મજુરી કામ કરવા પણ જતા હતા આથી પ્રભાકર પાટીલ માનસિક અસ્થિર નથી તેવી રજુઆતો કરવામાં આવેલ છે.

 પ્રભાકર પાટીલને મોતને ઘાટ ઉતારનારાઓનો વિડીયો વાઈરલ કરનાર રાજુ ગોસ્વામી નામની વ્યકિતને રાજકોટ પોલીસે એરેસ્ટ કરી તેને ગઈકાલ રાતથી પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવેલ છે જે વ્યકિત એ આ ખૂનીઓ અને કૌભાંડીઓને ખુલ્લા પાડ્યા તે વ્યકિત આ ભાજપના રાજમાં હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને જે લોકોએ પ્રભાકર પાટીલનું ખુન કર્યું તે લોકો ખુલ્લેઆમ ગામમાં રખડી રહ્યા છે ત્યારે કાયદો અને વ્યવસ્થા ભાજપના રાજમાં કયાય જળવાઈ નથી અને સાચા અને પ્રમાણિક માણસોને આ સરકારના રાજમાં જીવન જીવવા માટે કોઈ જ સ્વતન્ત્રતા રહી નથી તેવા કોંગ્રેસે પુરાવા સાથે આકરા પ્રહારો કર્યા છે.

 રાજકોટમાં ગુજરાત સરકારના કોરોનાની મહામારીના પ્રભારી તરીકે બિરાજમાન રાજકોટના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અને કોરોનાની મહામારીમાં તેઓની ફરજમાં નિષ્ફળ ગયેલ છે અને  સરકાર એક નાટકીય ઢબે ગુજરાતના આરોગ્ય સચિવશ્રી જયંતી રવિને દસ દિવસ રાજકોટના દ્યામાં નખાવ્યા અને હાલ ગઈ કાલથી ફરી દ્યામાં નાખી બેઠા છે છતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોઈ કામગીરીમાં સુધારો થયેલ નથી તે ગઈ કાલની બને ઘટનાઓથી સ્પષ્ટ થઇ રહ્યું છે.

 સ્વ. પ્રભાકર પાટીલના બનાવમાં તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં નહિ આવે અને ગુન્હેગારો સામે પગલા લેવામાં નહી આવે તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને આંદોલન તેમજ હાઈકોર્ટ જવાની ફરજ બનશે.તેવું અંતમાં કોંગી આગેવાનોએ જણાવ્યું છે.

(3:51 pm IST)