Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મેટોડા જીઆઇડીસીમાં ધન્વંતરી રથથી ૪૨૯ના ટેસ્ટઃ ૨૭ને કોરોના પોઝિટિવઃ હોમ આઇસોલેટ અને ફેસિલિટીમાં રિફર

ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા પાંચ દિવસથી સર્વેલન્સ

 રાજકોટ તા. ૧૮ : ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સર્વે કરી અને એન્ટીજન ટેસ્ટ કરીને કોરોનાને ખાળવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ખીરસરા હેઠળના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પાંચ દિવસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્વે દરમિયાન ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ સંબંધિત વિસ્તારની મુલાકાત લઈને સર્વેની કામગીરીની પ્રશંસા કરીને અભિનંદન પાઠવ્યા હતા. 

મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારની અલગ અલગ જગ્યાઓમાં જઈને ત્રણ ધન્વંતરી રથ અને ૧૫ ટીમો દ્વારા દરરોજ કારખાનાઓમાં જઈને સર્વે કરીને કુલ ૪૨૯ જેટલા વ્યકિતઓના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી જી.આઈ.ડી.સી.વિસ્તારના ૧૪ અને જી.આઈ.ડી.સી.વિસ્તારની બહારના ૧૩ વ્યકિતઓ સહિત ૨૭ લોકોના કોરોના એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.

એફ.એચ.ડબલ્યુ, એમ.પી.ડબલ્ય, આશા બહેનો અને સ્કુલ ટીચર્સ બહેનોની દ્વારા કોરોના એન્ટીજન પોઝીટીવ આવેલ વ્યકિતઓને જરૂરી સારવાર, દવાઓ આપીને હોમ આઈસોલેટેડ અને ફેસીલીટીમાં રીફર કરવામાં આવ્યા હતા, તેમ મેડીકલ ઓફીસર, પી.એચ.સી.-ખીરસરાની યાદીમાં જણાવાયું છે.

(3:46 pm IST)