Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સિવિલની કોવિડ સેન્ટરમાં કોરોના વોરિયર્સ માટે મોટિવેશનલ પ્રોગ્રામ

ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ અને બીજા કર્મચારીઓનો જુસ્સો જાળવી રાખવા

રાજકોટ તા.૧૮ :  રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે છેલ્લા છ માસથી કોરોના સામેના યુધ્ધમાં જંગે ચડેલા સૌ કોઇ માટે મોટિવેશનલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો આપતાં હોસ્પિટલના કમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. શોભા મિશ્રાએ કહયું હતું કે,માર્ચ માસના અંતથી શરૂ થયેલી કોરોના સામેની લડાઇમાં એક પણ રજા લીધા વગર હોસ્પિટલનો સ્ટાફ સતત ખડે પગે રહીને કોરોના પીડિતોની સેવા કરી રહયો છે. કોરોના વોરિયર્સની આ કામગીરી બદલ તેમની પીઠ થાબડવા અને તેમનો તનાવ ઓછો કરવા હોસ્પિટલ દ્વારા એક મેન્ટરીંગ કમ મોટિવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં અંગત અને વ્યવસાયિક જીવનમાં કેવી રીતે સંતુલન જાળવવું, તેમની સાથે થયેલ યાદગાર અનુભવની અન્ય કર્મચારીઓ સાથે વહેંચણી કરવી,સ્ટ્રેચીંગ એકસરસાઇઝ કરવી,ઉંડા શ્વાસ લેવા અને તેમની સેવાનો ઋણસ્વીકાર કરવો,અકળાયેલા દર્દીઓ સાથે કેવી રીતે સમભાવપૂર્વક વર્તન કરવું વગેરે બાબતોએ આવરી લેવામાં આવી છે,જેથી સતત સેવા કરતા ડોકટરોનો,નર્સનો અને અન્ય કર્મચારીઓનો જુસ્સો જળવાઇ રહે. અને તેઓ પોતે કોઇ પણ પ્રકારની માનસિક બીમારોનો ભોગ ન બને. આ કાર્યક્રમમાં વધુ ને વધુ આરોગ્ય કર્મીઓ સામેલ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

(3:43 pm IST)