Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોનાનો હાહાકાર... મોદીજી રાજકોટની મદદે આવો

દિલ્હીના નિષ્ણાંતોની ટીમ મોકલો, નકકર આયોજન જાહેર કરો : તખુભા રાઠોડનો વડાપ્રધાનને પત્ર

રાજકોટ તા. ૧૮ : જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ તખુભા રાઠોડે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને એક વિસ્તૃત પત્ર પાઠવી રાજકોટને કોરોનાની ગંભીર સ્થિતીમાંથી ઉગારવા વિનંતી કરી છે.તેઓએ સુચનો કરતા જણાવ્યુ છે કે નરેન્દ્રભાઇ તમે ધારાસભાની પ્રથમ ચુંટણી રાજકોટમાંથી લડી જીતીને મુખ્યમંત્રીપદ કાયમ કરેલ. હવે જે નેતૃત્વ તમે ચુંટણી સમયે સંભાળેલ એવા જ નેતૃત્વની આજે રાજકોટને ફરી જરૂર છે.

હાલ છેલ્લા એક માસથી રાજકોટ ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યુ છે. કોરોના હાહાકાર મચાવે છે. શહેરભરમાં ભય પ્રસરી ગયો છે. સ્થાનિક તંત્ર અને રાજય સરકાર તેમજ તમામ તબીબો અને સહ સ્ટાફ અથાગ મહેનત કરે જ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ પણ સ્થાનીક હોવાથી તે પણ આ બાબતથી સજાગ છે.    સ્થાનિક તંત્ર પગલા લઇ રહ્યુ છે. પરંતુ દિનપ્રતિદિન કોરોના સંક્રમિતો અને મૃતકોનો આંકડો વધતો જાય છે.

આ સ્થિતી કાબુમાં લેવા ખાસ દિલ્હીથી નિષ્ણાંત તબીબોની ટીમ રાજકોટ મોકલવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે ખુબ જરૂરી બન્યુ છે.

કોરોના સંક્રમિતોના જે આંકડા જાહેર થાય છે. તેમાં પણ તફાવત આવતો હોય શંકા કુશંકાઓ ઉપજાવે છે. વાસ્તવીક આંકડા કરતા તંત્ર ઓછા આંકડા જાહેર કરતુ હોવાની આશંકાઓ લોકોમાં ઉપજી રહી છે. ત્યારે દિલ્હીથી જ આ આંકડાઓનું મોનીટરીંગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.આ તમામ બાબતે સત્વરે યોગ્ય કરવામાં આવે તેવી અપેક્ષા પત્રના અંતમાં તખુભા રાઠોડ (મો.૯૮૨૪૨ ૧૬૧૩૦) એ વ્યકત કરી છે. છે.

(3:40 pm IST)