Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

દસ લાખ મહિલાઓ માટે આ યોજના સીમાચિન્હરૂપ : ધનસુખ ભંડેરી

રાજ્યભરના ૭૦ સ્થળોએ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઇ-લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો

રાજકોટ તા. ૧૮ : ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે શરૂ કરાયેલી 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના' રાજયની ૧૦ લાખ મહિલાઓ માટે સીમાચિન્હરૂપ સાબિત થવાનો આશાવાદ વ્યકત કર્યો હતો અને વધુ ને વધુ બહેનોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.     

અધ્યક્ષશ્રી ભંડેરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બહેનોના ઉત્થાન માટે રાજય સરકારે વ્યાજરહિત લોન આપવાનો સાહસિક નિર્ણય કર્યો છે, જેના પાયામાં નારી કલ્યાણની વિભાવના રહેલી છે. વડાપ્રધાનશ્રીની વર્ષગાંઠ નિમિત્ત્।ે રાજયભરમાં એકીસાથે ૭૦ સ્થળોએ યોજાયેલા વિવિધ કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરીએ વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ યોજનાનો લાભ લઇ વિકાસના સર્વોચ્ચ શિખરો સર કરવા મહિલાઓને હિમાયત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી 'મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના'નું ઇ-લોન્ચીંગ કર્યું હતું, અને આ યોજનાના નિર્માણની સવિસ્તર ભૂમિકા રજૂ કરી તેનો લાભ લેવા રાજયની બહેનોને આહવાન કર્યું હતું.

અટલ બિહારી વાજપાઇ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમના પ્રારંભે મ્યુનિ. કમિ.શ્રી ઉદિત અગ્રવાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગેની સવિસ્તર માહિતી રજૂ કરી હતી. ધો-૧૨ની છાત્રા કુ. કલ્પના અગ્રાવતે વડાપ્રધાનશ્રી દ્વારા અમલી બનાવાયેલી વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓની વિગતો વર્ણવી હતી. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંગેની ટૂંકી ડોકયુમેન્ટ્રી ફિલ્મનું પણ આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

મુખ્યમંત્રીશ્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં સામેલ થવા માટેનો ઇરાદાપત્ર નાગરિક બેંક, ધરતી બેંક તથા આર.સી.સી.બેંકના હોદેદારોએ અધ્યક્ષશ્રી ધનસુખ ભંડેરીને સુપ્રત કર્યો હતો. સખીમંડળની બહેનોને રૂ. એક લાખના ધીરાણના મંજૂરી પત્રકો મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્યોશ્રી લાખાભાઇ સાગઠિયા અને શ્રી અરવિંદભાઇ રૈયાણી, ડેપ્યુટી મેયરશ્રી અશ્વિનભાઇ મોલિયા, શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી નરેન્દ્રસિંહ ઠાકુંર, બાલ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી રૂપાબેન શીલુ, રાજકોટ નાગરિક સહકારી બેંકના ટ્રસ્ટીશ્રી કલ્પકભાઇ મણિયાર, દંડકશ્રી અજયભાઇ પરમાર, શહેર ભાજપ અધ્યક્ષશ્રી કમલેશભાઇ મિરાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, દલસુખભાઇ જાગાણી તથા શ્રી ભીખાભાઇ વસોયા સખીમંડળની બહેનો, બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:31 pm IST)