Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભગવતીપરામાં ૮ દિ' પહેલા ગટરમાં ગુંગળાયેલા ત્રણ પૈકી સુરેન્દ્રનગરના રામ લાલાણીનું મોત

૨૫ વર્ષનો કોળી યુવાન પત્નિ-પુત્રી સાથે રાજકોટ રહી મજૂરી કરતો હતોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૮: આઠ દિવસ પહેલા ભગવતીપરામાં ભૂગર્ભ ગટર ચોક થઇ ગઇ હોઇ સાફસફાઇ માટે અંદર ઉતરેલા ત્રણ મજુરો ગુંગળાઇ જતાં ત્રણેયને રેસ્કયુ કરી બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે પૈકી બે મજૂરોની તબિયત સારી થઇ જતાં રજા અપાઇ હતી. જ્યારે હાલ રાજકોટ રહેતાં મુળ સુરેન્દ્રનગર પંથકના કોળી યુવાનની હાલત ગંભીર હતી. તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ મોરબી રોડ પર સમર્પણ પાર્ટી પ્લોટની બાજુમાં છાપરૂ બનાવી પત્નિ અને પુત્રી સાથે રહેતો મુળ સુરેન્દ્રનગરનો રામ તખાભાઇ લાલાણી (ઉ.વ.૨૫) તથા બીજા બે મજુરો બાબુભાઇ અજુભાઇ ધરજીયા (ઉ.વ.૫૦-રહે. નાના મવા રોડ આવાસ કવાર્ટર) અને નાગજીભાઇ ધનજીભાઇ ધરજીયા (ઉ.વ.૩૫-રહે. રામાપીર ચોકડી પાસે મફતીયાપરા) તા.૧૦/૯ના સવારે દસેક વાગ્યે ભગવતીપરા વિનાયક ફલેટ સામે ગટરની સાફ સફાઇ કરવા અંદર ઉતરતાં ગુંગળાઇ ગયા હતાં.

ત્રણેયને સારવાર માટે સિવિલમાં દાખલ કરાયા હતાં. જેમાંથી બાબુભાઇ અને નાગજીભાઇ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. રામ લાલાણીની હાલત ગંભીર હોઇ સારવારમાં હતો. તેણે રાતે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્સ. વી. કે. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:55 am IST)