Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

તમે અકસ્માત સર્જ્યો છે...કહી ખર્ચના પૈસા માંગી ચેન્નઇના યુવાનને છરી ઝીંકી લૂંટ

બંને વાંકાનેરથી આવતા'તા ત્યારે માધાપર ચોકડીએ ત્રણ શખ્સે આંતરી ખર્ચના બે હજાર માંગી પર્સ પડાવી લીધું

રાજકોટ તા. ૧૮: હનુમાન મઢી પાસે રહેતાં અને માધાપર ચોકડી પાસે યુપીએસ બેટરી નામની કંપનીમાં નોકરી કરતાં ચેન્નઇના યુવાન આરોકયો પની એન્ટોની (ઉ.વ.૨૭) અને સાથેના કર્મચારી માયાણીનગરમાં રહેતાં તેના પ્રવિણભાઇ જેઠાભાઇ ચુડાસમાના બાઇકને બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચેના રસ્તા પર ત્રણ અજાણ્યા શખ્સોએ આંતરી તમે અકસ્માત સર્જ્યો છે, અમારુ ઇન્ડીકેટર તુટી ગયું છે...ખર્ચના બે હજાર આપવા પડશે તેમ કહી આરોકયો એન્ટોનીને છરી જવા હથીયારથી ઇજા કરી તેનું પર્સ પડાવી લઇ ભાગી જતાં આ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.

પ્રવિણના કહેવા મુજબ અમે કોઇ અકસ્માત સર્જ્યો નહોતો. ખોટુ બહાની કરી પૈસા પડાવવા એ શખ્સો આવ્યા હતાં.  પહેલા મારી પાસે બે હજાર માંગ્યા હતાં. પણ મારી પાસે પૈસા ન હોઇ સાથેના યુવાનને ઇજા કરી પર્સ પડાવી ગયા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(11:55 am IST)