Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

એરપોર્ટ ફરી મોટો વિવાદ : વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાએ જમીનનું વળતર વધુ આપવા માંગણી : નહીં તો 'જમીન' નહીં આપે

વશરામ સાગઠીયાની 'ડોસલી ધુના' ગામમાં ૩ એકર જમીન : રર૦૦ને બદલે બીજાને વળતર વધારાયું તેમ આપો.. : હાલ કુલ ર૦ એકર જમીન સંપાદન અંગે ૯ આસામીઓનો વિવાદ : એક પાર્ટી હાઇકોર્ટમાં : અન્ય ૬થી ૭ ગામોના ખેડૂતોએ પણ વાંધા લીધા

રાજકોટ, તા.૧૮ : રાજકોટથી ર૦ કિ.મી. દૂર હિરાસર નજીક બનનારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રપ૦૦ એકર જમીનમાંથી ર૦ એકર જેટલી ખાનગી જમીન સંપાદન કરવામાં જબરા વિવાદ જાગ્યા છે અને હજુ પૂરેપૂરી જમીન સંપાદન નહી થતાં હાલ, એરપોર્ટનું કામકાજ પણ અટકી પડયું છે.

સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, એરપોર્ટ માટે હજુ ૭ હેકટર એટલે કે ર૦ એકર જમીન સંપાદન કરવાની બાકી છે. ૯ આસામીનો વિવાદ ઉભો થયો છે.

આમાંથી એક શકિત સિમેન્ટ વાળા SSRD અને હાઇકોર્ટમાં ગયા છે, તેઓ TDO એ બીનખેતી હુકમ રદ કર્યો તેની સામે હાઇકોર્ટમાં ગયા છે.

બીજો મોટો વિવાદ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયાની સુરેન્દ્રનગર જીલ્લાના ડોસલીધુના ગામે આવેલી ૩ એકર જમીન બાબતે જાગ્યો છે. સરકારે પ્રતિ ચો.મી. રૂ. રર૦૦ નક્કી કર્યા છે, પરંતુ શ્રી વશરામ સાગઠીયાએ બીજા ખેડૂતોને જે રીતે વધારી દેવાયા તેમ ભાવ વધારી દેવા માંગણી કરી છે. અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે તો ચો.મી. દીઠ રૂ. ૩૧૦૦ આપવા પડે અને આ મુદે ર થી ૩ વખત મીટીંગ થઇ પણ ફેઇલ ગઇ છે. વશરામ સાગઠીયાની જમીન ડોસલીધૂના ગામે આવેલી છે.

આ ઉપરાંત અન્ય ૬થી ૭ ગામમાં ૧ર થી ૧૪ ખેડૂતોએ પણ જમીન સંપાદનમાં કુવા, વારસાઇ એન્ટ્રી, ખેતરમાંથી નીકળતા રસ્તા વિગેરે બાબતે વાંધો લીધો છે. એક મોટો ડેમ, બે ચેકડેમ પણ આવેલા છે, આમ હાલ જમીન સંપાદન અટકી પડયું છે. અત્રે એ નોંધનીય છે કે રાજય સરકારે રૂ. રર૦૦ ચો.મી. લેખે જમીન સંપાદન વળતર માટે ૯૬ કરોડ ફાળવી દીધા છે. ૭૦ ટકાથી વધુ રકમ ચૂકવાઇ પણ ગઇ છે અને આ કાર્યવાહી અમદાવાદના ખાસ જમીન સંપાદન અધિકારીએ કરી છે.

(4:04 pm IST)